હળવદમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે વૃધ્ધને પથ્થર મારી ત્રણ શખ્સોએ ઢીમ ઢાળી દીધું: તાલાલામાં મફત બીડી લેવાના પ્રશ્ર્ને યુવકનું ગળુ દાબી મોતને ઘાટ ઉતાર્યા
સૌરાષ્ટ્રમાં નજીવી બાબતે હત્યાનો સીલસીલો જારી રહ્યો હોય તેમ માણાવદર તાલુકાના સાગંરપીપળી ગામે પ્રેમ પ્રકરણના કારણે પોરબંદરના ભડ ગામના યુવાનની હત્યા કર્યાનું, હળવદમાં બાઇક અથડાતા થયેલી બોલાચાલીના કારણે વૃધ્ધને પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યાની અને તાલાલામાં દુકાનદારને પૂછ્યા વિના મફતમાં બીડી લેતા ઉશ્કેરાયેલા દુકાનદારે યુવકનું ગળુ દાબી ઢીમઢાળી દીધાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર તાલુકાના ભડ ગામે રહેતા નિલેશ વિનોદભાઇ ગોરડ નામના યુવકને માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે બોલાવી તેની પ્રેમિકા ભૂમિકા પ્રફુલપરી ગૌસ્વામી, દિવ્યેશ પ્રફુલપરી ગૌસ્વામી, પ્રફુલપીર ગૌસ્વામી, ભાવેશપરી પ્રવિણપરી ગૌસ્વામી અને કલ્પેશ પ્રવિણપરી ગૌસ્વામીએ પાઇપ અને લાકડીથી માર મારી હત્યા કર્યાની ભડ ગામે રહેતા મૃતકના મોટા ભાઇ જીતેન્દ્રભાઇ વિનોદભાઇ ગોરડે પોલીસમાં ફરિયાદ નોંધવતા માણાવદર પી.એસ.આઇ. સી.વાય.બારોટ સહિતના સ્ટાફે પાંચેયની ધરપકડ કરી છે.
નિલેશ ગોરડ અને તેના ગામની ભૂમિકા ગૌસ્વામી સાથે પ્રેમ સંબંધ હોવાની યુવતીના પરિવારને જાણ થતા તેણીને માણાવદરના સારંગપીપળી ગામે રહેતા મટા બાપુ પ્રવિણપરી ગૌસ્વામીના ઘરે પાંચ માસ પહેલાં મોકલી દીધી હતી. આમ છતાં નિલેશ ગોરડ પોતાની પ્રેમિકા ભૂમિકા ગૌસ્વામીના સંપર્કમાં હોવાથી તેને માણાવદરના સારંગ પીપળી ગામે બોલાવી પૂર્વ યોજીત કાવતરુ રચી પાઇપ અને લાકડીથી માર મારી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જયારે મોરબી જિલ્લાના હળવદ નજીક આવેલા મેરુપર ગામે દેવજી પટેલની વાડીએ મજુરી કામ કરતા દેવલાભાઇ ચૌહાણ નામના વૃધ્ધને પથ્થરમારી ભીખલીયા લગસિંહ કીકરીયા, ચંદુ જુબટીયા અને છિતુ જુબટીયા નામના શખ્સોએ પથ્થર મારી હત્યા કર્યાની મૃતકના પુત્ર નાનકા દેવલાભાઇ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બે દિવસ પહેલાં નાનકાભાઇ ચૌહાણ અને છીતુ જુબટીયાના બાઇક અથડાતા છીતુ જુબટીયાએ પોતાના બાઇકમાં થયેલા ખર્ચના રુા.500 માગ્યા હતા તે આપવાની ના કહેતા ભીખલીયા લગસિંહ, ચંદુ જુબટીયા અને છીતુ જુબટીયા દેવજીભાઇ પટેલની વાડીએ આવી પથ્થરમારો કરતા દેવલાભાઇ ચૌહાણ અને તેમની પુત્રવધૂ કાંતાબેન ઘવાયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં દેવલાભાઇ ચૌહાણનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પી.આઇ. કે.એમ.છાસીયાએ તપાસ હાથધરી છે.
તાલાલાના બાલમુકુંદ પાર્કમાં રહેતા અને કલર કામની મજુરી કામ કરતા રાહુલગીરી ઉલ્લાશગીરી અપારનાથી નામના 25 વર્ષના બાવાજી યુવાનનું તાલાલા નરસંગ ટેકરી વિસ્તારમાં ગણેશ પાન નામની દુકાન ધરાવતા બાબુ ભૂપત ડાભી નામના શખ્સે ગળુ દાબી ઢીકાપાટુ મારી હત્યા કર્યાની મૃતકના મોટા ભાઇ કૌશિકગીરી ઉલ્લાશગીરી અપારનાથીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગઇકાલે સાંજના રાહુલગીરી અને પોતાના મિત્ર સિકંદર કાળુભાઇ શમા સાથે બાબુભાઇ ડાભીની ગણેશ પાનની દુકાને બેઠા હતા ત્યારે રાહુલગીરીએ બાબુભાઇ ડાભીને પુછયા વિના મફતમાં બે બીડી લીધી હોવાતી બંને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા બાબુભાઇ ડાભીએ રાહુલ અપારનાથીનું ગળુ દાબી ઢીકાપાટુ મારતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કરતા પોલીસે કૌશિકગીરી અપારનાથીની ફરિયાદ પરથી બાબુ ડાભી સામે હત્યાનો ગુનો નોંધી પી.એસ.આઇ. એ.સી.સિંધવ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.