પોલીસે ગણતરીની મિનિટોમાં હુમલાખોરને ઝડપી લીધો: એસિડની બોટલ કબ્જે કરાઈ
અબતક- અતુલ કોટેચા-વેરાવળ
સુરતમાં જાહેરમાં ગળું કાપીને ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરાઈ હતી જ્યારે ગાંધીનગરમાં પણ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાનું ગળું વાઢી નાખ્યું હતું. આ બંને ઘટનાઓની યાદ હજુ ઓસરી નથી ત્યારે ગીર સોમનાથમાં પણ એક આવી જ ઘટના ઘટતાં ચકચારી વ્યાપી છે.
જેમાં વેરાવળમાં ટાગોર વિસ્તારમાં એક વિપ્ર પરિવારની કોલેજીયન યુવતિ પર પ્રેમીએ ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારના ઘા ગળાના ભાગે અને ત્રણ ઘા પડખામાં મર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. હુમલાનો ભોગ બનેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી એક હથોડી અને એસિડની બોટલ પણ મળી આવતા ચકચાર મચી છે. આરોપી એસિડ એટેકના ઈરાદે ઘૂસ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને દબોચી લીધો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના પોશ ગણાતા વિસ્તાર ટાગોર સોસાયટીમાં આવેલા મકાનમાં આજે સાંજે આ ઘટના બની હતી. સાંજના સમયે તેજસ્વીની ઘરમાં એકલી હતી ત્યારે જ યશ બિપિન કારીયા નામના શખ્સે ઘરમાં ઘૂસી યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. યુવતીએ બચવા માટે બૂમો પાડતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી.
તો બીજી તરફ પોલીસ પ્રાથમિક તપાસમાં હુમલાખોર એસિડ પણ સાથે લાવ્યાનુ જાણવા મળ્યું છે. આરોપી એસિડ હુમલાના ઈરાદે આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘરમાં જે સ્થળ પર યુવતી પર હિંસક હુમલો કરવામાં આવ્યો ત્યાંથી જ એક હથોડી અને એસિડની બોટલ પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.યશ કારીયા નામનો શખ્સ અને ભોગ બનનાર યુવતિ એકબીજાના પ્રેમમાં હોવાનું પણ આરોપીએ કબુલાત આપી હતી. ભોગ બનનાર તેજસ્વી એમ.કોમ.નો અભ્યાસ કરે છે. ગળા અને પડખાના ભાગે તિક્ષ્ણના ઘા ઝીકતા યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ વેરાવળ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી યશ કારીયાને દબોચી વધુ તપાસ હાથધરી છે. જો પોલીસ તપાસમાં ટેકનીકલ સર્વેલન્સની ટીમ દ્વારા બન્નેના કોલ ડીટેલ ચેક કરવામાં આવે તો અનેક સ્ફોટક રહસ્યો પરથી પડદો ઉચકાય તેવી લોક મુખે ચર્ચા સેવાઈ રહી છે.