મેરેજ રજીસ્ટ્રેશન માટે કોઈ મુશ્કેલી પડે તો આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરનો સંપર્ક કરવો
રાજકોટ મહાનગર પાલિકામાં મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું એટલે સાત કોઠાનું યુદ્ધ જીતવા જેવું મુશ્કેલ કામ છે. લવ મેરેજ કરવા મહાપાલિકાના ચોપડે જાણે ગુનો હોય તેમ મેરેજ રજીસ્ટ્રેશન માટે લવ મેરેજ કરનાર કપલને નિયમ વિરુઘ્ધ કચેરી સુધી ધકકા ખવડાવવામાં આવે છે અને અનેક સવાલોની બોછાર વરસાવવામાં આવે છે. આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર સુધી ફરિયાદ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે મેરેજ રજીસ્ટ્રેશન માટે કપલને બોલાવવાના કોઈ નિયમ નથી જો તમામ કાગળીયાઓ પુરતા હોય તો મેરેજ રજીસ્ટ્રેશન ખુબ સરળતાથી કરાવી શકાય છે પરંતુ કોર્પોરેશનના ચોપડે જાણે લવમેરેજ કરવા ગુનો હોય તેમ લવમેરેજ કરનાર કપલને રૂબરૂ કચેરીએ બોલાવવામાં આવે છે જે નિયમ વિરુઘ્ધ છે.
આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર સુધી ફરીયાદ પહોંચતા તેઓએ આરોગ્ય અધિકારી સહિતના સ્ટાફને બોલાવી એવી સુચના આપી દીધી છે કે, મેરેજ રજીસ્ટ્રેશન માટે લોકોની ખોટી રીતે કનડગત કરવી નહીં. વકીલો માટે પણ અહીં નો-એન્ટ્રી કરી દેવા માટે ટુંક સમયમાં બોર્ડ લગાવી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય સમિતિના તત્કાલીન ચેરમેન મનીષભાઈ રાડીયાના કાર્યકાળ દરમિયાન પણ આરોગ્ય શાખામાં એવા બોર્ડ મારવામાં આવ્યા હતા કે મેરેજ રજીસ્ટ્રેશન માટે અરજદારે રૂબરૂ આવવાની કોઈ જ આવશ્યકતા નથી છતાં આરોગ્ય શાખાના કોઈ મોરલાએ આ બોર્ડ ઉતારી લેતા ફરી નવદંપતિઓની કનડગત શરૂ થઈ જવા પામી છે. દરમિયાન મેરેજ રજીસ્ટ્રેશન માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરનો રૂબરૂ સંપર્ક કરવો.