પ્રેમ… પ્રેમ…સબ કોઈ કહે… પ્રેમ ન જાણે કોઈ…. આ પંક્તિ કદાચ મોટાભાગના લોકોએ સાંભળી હશે પણ આ પંક્તિના માધ્યમથી કવિ શું ભાવ પ્રગટ કરી રહ્યા છે તે કદાચ ખૂબ જૂજ લોકો જ સમજી શક્યા હશે. હાલ પાશ્ચાતીય સંસ્કૃતિનું અનુકરણ કરીને યુવાનો પ્રેમ અને રિલેશનશિપમાં આવતા હોય છે પણ પ્રેમને જાણ્યા વિના થતો પ્રેમ ટૂંકા સમયનો અને કંઈક મેળવી લેવાની ઘેલછા સાથે થતાનો પ્રેમનો અંજામ પણ કંઈક એવો જ હોય છે. કબીરની એક પંક્તિ છે કે, ’પોથી પઢકર જગ મૂઆ પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય…’ મતલબ કે, પ્રેમ કરતા પૂર્વે ખરેખર પ્રેમ એટલે શું તે સમજવુ જરૂરી છે.
પાશ્ચાતીય સંસ્કૃતિ અનુસાર આજથી પ્રેમનો પર્વ એટલે કે વેલેન્ટાઈન વિકની શરૂઆત થઈ રહી છે. પાશ્ચાતીય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને અનેક લોકો આજથી રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે, વેલેન્ટાઈન ડેની અલગ અલગ રીતે ઉજવણી કરશે પણ ખરેખર આ પ્રેમ ફક્ત એક સપ્તાહ સુધી જ સીમિત છે ? તે સવાલ ખૂબ મોટો છે.
હાલ પ્રેમની વ્યાખ્યા એટલે કે ’એક પુરુષ પાત્ર અને એક સ્ત્રી પાત્ર વચ્ચે જે સંબંધ હોય તે પ્રેમ’ એટલા પૂરતું જ સીમિત છે. રોમમાં એક સંત વેલેન્ટાઈન થઈ ગયા જેમની યાદમાં વેલેન્ટાઈન વિકની ઉજવણી પશ્ચિમના દેશોમાં કરવામાં આવે છે અને તેનું અનુકરણ કરીને હવે ભારત સહિતના દેશોમાં પણ વેલેન્ટાઈન વિકની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. વેલેન્ટાઈન વિકનો કોઈ વિરોધ નથી પરંતુ ભારતના ગ્રંથોમાં હજારો વર્ષો પૂર્વે સાચા પ્રેમની વ્યાખ્યાથી માંડી પ્રેમના પ્રતીકનું સવિશેષ વર્ણન કરવામાં આવ્યું છે પણ કદાચ આપણે આંધળા અનુકરણમાં આપણા ગ્રંથોમાં લખાયેલી પ્રેમની વ્યાખ્યાને સમજવામાં થાપ ખાઈ ગયા છીએ.
ભારતીય સંસ્કૃતિમાં પ્રેમનું પ્રતીક એટલે શ્રીકૃષ્ણ. સાચો પ્રેમ કોને કહેવાય તે શ્રીકૃષ્ણ અને મીરાના પ્રેમ પરથી પ્રેમની વ્યાખ્યા સમજી શકાય છે. મીરાબાઈએ શ્રીકૃષ્ણને જોયા માત્ર પણ ન હતા પરંતુ તેમ છતાં પણ મીરાંબાઈને શ્રીકૃષ્ણ નામની એવી ઘેલી લાગી કે, મીરાંબાઈને આજે શ્રીકૃષ્ણની સાથોસાથ યાદ કરવામાં આવે છે. મીરાંબાઈનો પ્રેમ એટલો સાચો અને ગાઢ હતો કે, વિષના પ્યાલાએ પણ અમૃત થવું પડે.
’પ્રેમ એટલે ફક્ત પામવુ’ નથી. ’પ્રેમ એટલે બલિદાન’ તે પણ શ્રીકૃષ્ણ અને રાધાના પાત્ર પરથી સમજી શકાય છે. કે એક એવો પ્રેમ કે જેને હજારો વર્ષો પણ યાદ કરવામાં આવે. લગ્ન રૂક્ષ્મણી સાથે થયા પરંતુ આજે પણ રાધા વિના શ્યામ અધૂરો અને કૃષ્ણ નામની સાથે રાધે રાધે બોલાય છે. શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ એટલો ગાઢ હતો પરંતુ તેમ છતાં રાધા અને શ્રીકૃષ્ણ એકબીજાને પામી ન શક્યા.
બીજી એક ગ્રંથી આપણા સૌના મગજમાં એવી છે કે પ્રેમ ફક્ત એક પુરુષ પાત્ર અને સ્ત્રી પાત્ર વચ્ચે જ થઈ શકે પણ આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા અને શ્રીકૃષ્ણના પ્રેમને વિસરી રહ્યા છીએ. ભગવાન અને ભક્ત વચ્ચેનો એવો પ્રેમ કે જેમાં શ્રીકૃષ્ણે 52 વાર ભક્તને દર્શન આપવા મજબુર થવું પડે તેને પણ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય છે.
નિસ્વાર્થ પ્રેમની જ્યારે વાત થતી હોય ત્યારે માતા અને બાળકના પ્રેમને ક્યારેય ભૂલી શકાય નહીં. પ્રેમની જ્યારે વાત થતી હોય ત્યારે કાળજી રાખવી, બોલ્યા વિના સમજી જવું તે પ્રેમ માટે સૌથી વધુ અનિવાર્ય હોય છે અને તેવો પહેલો પ્રેમ માતા જ કરી શકે છે. નાનું બાળક ફક્ત રડે તેની ઉપરથી બોલ્યા વિના સમજી જાય કે, બાળકને શું જોઈએ છે. તે સાચો પ્રેમ કહી શકાય છે.
કોઈ સૈનિક માતૃભૂમિ અને સાર્વભૌમત્વ માટે શહીદી વહોરે તેને ચોક્કસ રાષ્ટ્રપ્રેમ કહી શકાય છે. માતૃભૂમિ માટે ફના થઈ જવું તે માતૃભૂમિ માટેનો પ્રેમ છે.
કેવી રીતે શરૂઆત થઈ વેલેન્ટાઇન વિકની ઉજવણી?
દરેક પ્રેમી જોડી વેલેન્ટાઈન વીકની રાહ આખું વર્ષ આતુરતાથી જુવે છે. આ ખાસ વીકની શરૂઆત ગુલાબની સુગંધ એટલે કે રોઝ ડેથી થાય છે. કપલ્સ આ દિવસને સ્પેશીયલ બનાવવાથી લઈને પ્રેમીને દિલનો હાલ જણાવવા સુધી, ગુલાબના ફૂલો તથા ચોકલેટનો સહારો લે છે. રોઝ ડે મનાવવા માટે ઘણા કિસ્સાઓ જણાવવામાં આવે છે. વેલેન્ટાઈન વિકની શરૂઆતની જો વાત કરવામાં આવે તો ’ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાજીન’ પુસ્તકમાં વેલેન્ટાઈનની વાત મળે છે. વેલેન્ટાઈનનો દિવસ રોમના એક સંત જેમનું નામ વેલેન્ટાઈન હતું, તેમના નામ પર દુનિયાભરમાં મનાવવામાં આવે છે. કહેવાય છે કે રોમના સમ્રાટ કલાઉડીયસના શાસન દરમિયાન સંત વેલેન્ટાઈન દુનિયાભરમાં પ્રેમને વધતો જોવા માંગતા હતા, પરંતુ તેમની આ વાત રાજાને બિલકુલ પણ પસંદ ન હતી. કલાઉડીયસને લાગતું હતું કે રોમના લોકો પોતાની પત્ની તથા પરિવાર સાથે મજબૂત લગાવ હોવાને કારણે સેનામાં ભરતી નથી થઇ રહ્યા.