શબ્દ નહીં પરંતુ ઈશારાની ભાષા સમજતા મુકબધીર વિદ્યાર્થીઓ માટે શિક્ષક અને આચાર્ય તેમના વેલેન્ટાઈન
દુનિયાનું દરેક બંધન પ્રેમથી બનેલું છે અને જો પ્રેમ ન હોય તો જિંદગીમાં ખુશીઓ નથી આવતી. જોકે પ્રેમનો એકરાર કયારેય સમય કે મુહૂર્ત જોઈને નથી થતો. પ્રેમ તો વગર બોલે થઈ જાય છે. પ્રેમ અહેસાસનો સમુદ્ર છે. જેમાં તોફાન પણ આવે તો પણ કોઈ નુકસાન થતું નથી. પ્રેમ ત્યાગ, વિશ્ર્વાસની એક એવી દોર છે જેને માત્ર મહેસુસ કરી શકાય છે. તેને શબ્દમાં કંડારવું ઘણુ મુશ્કેલ છે. આવા જ પ્રેમના અહેસાસને જયારે એક તહેવારના ‚પે મનાવવામાં આવે છે. ત્યારે તે દિવસ યાદગાર બની જાય છે. પ્રેમમાં ગણતરી નથી હોતી નિ:સ્વાર્થભાવે કરવામાં આવે તેજ પ્રેમ છે.
આવો જ નિ:સ્વાર્થ પ્રેમ રાજકોટના ઢેબર રોડ પર આવેલ વિરાણી મુકબધિર શાળામાં અવિરત વહી રહ્યો છે. જે બાળકો શબ્દની ભાષા નહીં પરંતુ ઈશારાની ભાષા સમજી શકે છે તેવા મુકબધિર બાળકો માટે વેલેન્ટાઈન-ડેનું શું મહત્વ છે તેવું પુછતા તેમણે ઈશારાની ભાષામાં સમજાવ્યું કે મારા વેલેન્ટાઈન મારા ગુરુ છું.
ઈનિયાત સૈયદ જે મુકબધિર શાળાનો વિદ્યાર્થી છે તેણે ઈશારાની ભાષામાં સમજાવ્યું કે તેના માટે તેના જ સર વિપુલભાઈ અને આચાર્ય કશ્યપભાઈ પંચોલી સાચા બીયર્ડ વેલેન્ટાઈન છે. તેના જણાવ્યા મુજબ વિપુલ સર અમને ખુબ જ પ્રેમથી સમજાવે છે. અવનવી વાતો કહે છે. કયારેય અમારા વચ્ચે સર અને સ્ટુડન્ટસના સંબંધો છે તેવું લાગતું નથી તેઓ અમારી ખુબ જ કેર કરે છે. કોઈ પ્રોબ્લેમ હોય તો વિપુલ સર તરત જ તેનું સોલ્યુશન શોધી કાઢે છે અને અમને એ પ્રશ્ર્નોમાંથી બહાર કાઢે છે. તેઓ અમને ખુબ જ પ્રેમ કરે છે અને અમે પણ તેમને ખુબ જ પ્રેમ કરીએ છીએ.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના આ અનકંડિશનલ પ્રેમ અંગે જણાવતા વિપુલભાઈ કહે છે કે, આપણે બધા બોલી અને સાંભળી શકીએ છીએ પરંતુ આ બાળકો પાસે એ શકિત નથી. જોકે તેઓ સામાન્ય બાળકથી જરાય ઉણા ઉતરતા નથી. મને પણ તેમની સાથે ખુબ જ આત્મીયતા છે પ્રેમ છે. આ બાળકોની સાથે હું પણ તેમને ખુબ જ પ્રેમ કરુ છું. અમારી વચ્ચેનો પ્રેમ નિ:સ્વાર્થ છે. મને પણ આ બાળકો સાથે અટેચમેન્ટ થઈ ગયું છે. આજના દિવસે બુકબધિર બાળકો માટે તેમના શિક્ષક અને આચાર્ય તેમના બીયર્ડ વેલેન્ટાઈન છે. આજના પર્વને તેઓ પુસ્તકો, સ્ટેશનરી, ચોકલેટસ જેવી વસ્તુઓની આપ-લે કરી આ દિવસને ઉજવે છે.
જયારે બીજી તરફ શહેરના કાલાવડ રોડ પર આવેલા માનસિક વિકલાંગોની સંસ્થામાં પણ સમાજે તરછોડેલા ૪ વર્ષથી માંડી ૭૦ વર્ષ સુધીના માનસિક વિકલાંગો અહીં રહે છે. આ વિકલાંગોની સાર સંભાળ રાખવા માટે સાત એટેન્ડેટ ખડેપગે હાજર હોય છે. જેમાં એઝાઝભાઈ, પ્રકાશભાઈ, લાલભાઈ, ભરતભાઈ, દશરથભાઈ, રમઝાનભાઈ, કાંતિભાઈ નિ:સ્વાર્થ સેવા આપે છે. આ માનસિક ક્ષતિગ્રસ્તોને સવારે ઉઠાડી નવરાવવાથી માંડીને સાંજે સુવા સુધીની તમામ કામગીરી આ અટેન્ડેટસ દ્વારા કરવામાં આવે છે. માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનો આ સાતેય એટેન્ડેટ સાથે લાગણીનો નાતો જોડાઈ ગયો છે.
રમત-ગમતની પ્રવૃતિ દરમિયાન જો કાંતિભાઈ નામના એટેન્ડેટ ઉંમરને હિસાબે થાકીને બેસી જાય તો આ બાળક તેમની સાથે બેસી જાય છે અને તેમનો પરસેવો લુછી આપે છે અને જે તેમની કાળજી લે છે તે થાકી ગયું તે તેમના ચહેરા પર જોઈ શકાય છે. વેલેન્ટાઈન ડે કે પ્રેમ દિવસ અંગે આ બાળકોને કંઈ જ ખબર નથી પરંતુ પ્રેમ શું છે ? નિ:સ્વાર્થ પ્રેમ શું છે ? તે આ બાળકો અને તેમની સાર સંભાળ લેતા અટેન્ડન્ટમાં જોઈ શકાય છે.
આ ઉપરાંત આ સંસ્થામાંથી સેવા નિવૃતિ લઈ લીધી હોવા છતાં પણ અહીંના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ અહીં સેવા આપી રહ્યા છે. તેમના કહેવા મુજબ આ વિકલાંગોને એકવાર જોવું નહીં ત્યાં સુધી મને ચેન પડતું નથી. અમારો પ્રેમ નિ:સ્વાર્થ અને કોઈપણ કંડીશન વગરનો છે.
એક તરફ મુકબધિર અને માનસિક વિકલાંગ બાળકો છે તો બીજી તરફ નિરાશ્રીત બાલાશ્રમના અનાથ બાળકો છે. આ બાલાશ્રમમાં પણ સ્ટાફ અને ગૃહમાતા તથા ગૃહપિતા દ્વારા બાળકોને ખુબ જ પ્રેમ અપાય છે. બાળકો પણ તેમની સાથે લાગણીથી જોડાઈ ગયા છે. આ સાથે ઘણા એવા લોકો પણ છે જેમણે આ બાળકોને જન્મ ભલે ન આપ્યો હોય પરંતુ તેમને પ્રેમ આપી રહ્યા છે. સમયાંતરે બાલાશ્રમની મુલાકાત લઈ બાળકો સાથે તેઓ લાગણીથી જોડાઈ ગયા છે.
સ્પેશીયલ ચીલ્ડ્રન સાથે ખાસ રીતે વેલેન્ટાઇનની ઉજવણી:રાજુભાઈ પટેલ
છેલ્લા ચાર વર્ષથી હું આ સંસ્થામાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની ફરજ બજાવુ છું અને તાજેતરમાં જ નિવૃત થયો છું પરંતુ મને આ માનસિક ક્ષતિગ્રસ્તો સાથે લાગણી બંધાઈ ગઈ છે. તેમની સાથે છેલ્લા કેટલાક સમયથી જોડાયેલો છું એટલે તે પણ મારી સાથે લાગણીથી જોડાઈ ગયા છે. મને દુરથી આવતો જોવે તો પણ તેમના ચહેરા પર અનેરી સ્માઈલ આવી જાય છે અને સાડા ચાર વર્ષનો ટબુડીયો તો આવીને સીધો ચોંટી જ જાય છે. સમાજે ભલે આ લોકોને તર છોડયા પરંતુ મારા માટે આ બાળકો વિશેષ છે.
મારા પોતાના સંતાનો પછી ,શાળાના સંતાનો મને વધુ પ્રિય:કશ્યપ પંચોલી
મુકબધિર સંસ્થા સાથે હું છેલ્લા નવ વર્ષથી જોડાયેલો છું. મારા પોતાના સંતાનો પછી પરંતુ આ સંતાનો મને વધારે પ્રિય છે. અમારા વચ્ચે પ્રેમનો સંબંધ છે અને આ સંબંધમાં કયારેય કોઈ ગણતરી નથી હોતી કે કોઈ કંડીશન નથી હોતી. મારા માટે મારા આ મુકબધિર બાળકો અને મારો સ્ટાફ મારા બીલવર્ડ વેલેન્ટાઈન છે. પ્રથમ મારા મુકબધિર બાળકો અને ત્યારબાદ મારો પરિવાર આવે છે. ઈશારાની ભાષા સમજતા આ મુકબધિર બાળકો શબ્દની ભાષા ભલે ન સમજતા હોય પરંતુ લાગણીની ભાષાને બરાબર સમજે છે.