ભારતીય પરંપરામાં હાલરડાં ગાવાની પ્રથા ચલણમાં હતી.જે હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે.કાપડના ખોયામાં બાળકને સુવડાવી માતા મીઠા હાલરડાં ગણગણતી.વાદ્ય વગર ગવાતા એ હાલરડાં માંથી સંગીત આપોઆપ પ્રગટ થતું.બાળક હાલરડું સાંભળીને સુઈ જતું કે ઝુલવાથી? સવાલ સો મણનો છે…પણ જવાબ બન્ને સાચા છે.જોકે ત્રીજું એક પરિબળ પણ છે.તે છે કાપડનું બનેલું ખોયું.
જી…હાં…કાપડનું બનેલું ખોયું.શુ તમે જાણો છો કે બાળકને સુવડાવવા માટે સોનાનું પારણું પણ બનાવી શકતા ગર્ભશ્રીમંત પરિવારોમાં પણ બાળકને પોઢાડવા માટે કાપડનું ખોયું જ શા માટે વપરાતું ? કારણ સાદું છે પણ વૈજ્ઞાનિક છે.નવ-નવ મહિના માતાના ગર્ભમાં પોષાયેલું બાળક જે અવસ્થામાં, જે સ્થિતિમાં હોય છે તે સ્થિતિમાં તેને માતાની હૂંફ, માતા તરફ થી મળતું પોષણ અને સુરક્ષાની ભાવના અનુભવાતી હોય છે.
જ્યારે બાળકને કાપડના ખોયામાં સુવડાવવામાં આવે છે ત્યારે માતાના ગર્ભના આકાર પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત થાય છે.સાથે ધીરે ધીરે ઝુલાવાતો હીંચકો ઉદરમાં રહેતા સમયે ચાલતી માતાની લયબદ્ધતાનો અનુભવ બાળકને કરાવે છે.અને લટકામાં માતાના લાગણીભીના હૈયા માંથી નીકળતું હેત વરસાવતું હાલરડું.પ્રેમના આ ત્રિવેણી સંગમથી બાળક અચેતન માનસમાં માતાના ઉદર જેવી સુરક્ષિત સ્થિતિનો અનુભવ કરે છે.અને શાંત ચિત્તે પોઢી જાય છે.આ ઉદરની આભાસી સ્થિતિ છે.બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ પ્રેમની અને હૂંફની ઝંખના કેળવતું થઈ જાય છે.
પ્રેમની આ ઝંખના અલગ અલગ ઉંમરે વિવિધ પ્રકારે પાંગરે છે.બે વર્ષની ઉંમર સુધી પ્રેમની ઝંખના માતાના હેત ભર્યા સ્પર્શથી તૃપ્તિ અનુભવે છે.ત્રણ વરસથી છ સાત વરસની ઉંમર વચ્ચે માં પિતા કે ભાઈ-ભાંડું પોતાની જરૂરિયાત પૂરી કરે કે એની પોતાની ઉપસ્થિતિની નોંધ લ્યે ત્યાં પુરી થઈ જાય છે.પણ આંઠ નવ વરસની આસપાસની ઉંમરે ઘર પરિવાર ઉપરાંત બહારનાં મિત્ર ગણના વાતાવરણની અસર હેઠળ માનસમાં પ્રેમની પરિભાષા અલગ પરીમાંણોથી અંકિત થવા લાગે છે.આ એ સમય છે કે જ્યારે બાળકને પ્રેમની સમજ પ્રેમથી આપવાની તાતી જરૂર હોય છે.
આ ઉંમરે પ્રેમ એટલે જીદ, જરૂરિયાત, ઝંખના, હક્ક, અધિકાર જમાવવાની તરકીબ તેમજ પ્રેમ એટલે કઈક આપીને કઈક મેળવવાની ગણતરી…આમ વિવિધ સ્તરે બાળક પ્રેમને વિવિધ ત્રાજવે તોળતો થઈ જાય એ પહેલાં પ્રેમ વિશેના એના ભ્રમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તો ભવિષ્યમાં પ્રેમ એટલે શું એને પિછાણવામાં એ થાપ ના ખાય.
બાલ્યાવસ્થાથી જાગૃત-અજાગૃત મનમાં પ્રેમની વિવિધ પરિભાષા કંડારાયેલી હોવાથી ઉંમર વધાતાની સાથે પ્રેમના ખ્યાલ અંગે તે બિલકુલ સ્પષ્ટ નથી હોતો.
આથી ઘણી વખત પૂરતો અને યોગ્ય પ્રેમ મેળવતી વ્યક્તિ પણ ઝાંઝવાના જળની માફક પ્રેમને ઝંખયા કરે છે.જે ખરેખર તે મેળવી ચુક્યો હોય છે.પણ એ તેને ઓળખી શકતો નથી.આ ઘટનાનું મૂળ એના બચપણમાં પડ્યું હોય છે.પ્રેમ અંગેની અષ્પસ્ટ અને વિવિધ ધારણાઓથી ઘેરાયેલું પ્રેમી કે પ્રેમિકાનું મન; હજુ વધારે…હજુ વધારે…હજુ વધારેની ઝંખના કરતા કરતા મળી રહેલા પ્રેમનો આસ્વાદ પણ માણી શકતા નથી.
પ્રેમને ઝંખો નહિ…માત્ર મળી રહેલા પ્રેમને પર્યાપ્ત માનીને તેને માણતા શીખો.થોડી માત્રામાં પણ મળી રહેલો પ્રેમ જો સાચા દિલથી માણતા શિખાશે તો પ્રેમ કેરી ઝંખના ઝાંઝવાના જળ સમાન સાબિત નહીં થાય…
પ્રેમ છે એક ઝંખના…!!
Previous Articleજડબું તૂટવા છતાં ઉત્કૃષ્ટ રમત રમતો ભારતનો સીતારો ‘ચાંદ’
Next Article હોટેલમાં વધેલા સાબુનો આવી રીતે કરાય છે ઉપયોગ …..