પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા, 18 બીએપીએસ મંદિરો દ્વારા થઇ રહ્યું છે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બી.એ.પી.એસ. એશિયા પેસિફિક દિન નિમિતે સંધ્યા સભા સાંજે 5 વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વિડિયો, નૃત્ય  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના એશિયા પેસિફિક દેશોમાં સંસ્કૃતિ પ્રસારના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અનેક સંતોએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

બીએપીએસના પૂ.ગુણચિંતન સ્વામીએ ‘સમજણનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે આપેલી સમજણથી શાંતિનો રાજમાર્ગ ખુલ્લો થઈ જાય છે. મૃત્યુ સામે હોય છતાં પણ બળની વાત કરનારા હરિભક્તો પ્રમુખસ્વામી એ તૈયાર કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે ‘સમજણ આપત્કાળે કળાય છે’ અને પ્રમુખસ્વામી મહારાજે તેવા હરિભક્તોનું નિર્માણ કર્યું છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું,  પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાથી સત્સંગ વધે છે. એકતા અને સંપથી કાર્ય સિદ્ધ થાય છે. સૌ સુખી થાય એ પ્રાર્થના!

અનેક અગ્રણીઓએ પણ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રી ગ્રંથના મહિમાનું ગાન કર્યું હતું અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતિ માટેના કરેલાં યુગકાર્યને બિરદાવ્યું હતું. જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને આભારી છે પરંતુ આત્માનું જીવન સંસ્કાર, સહિષ્ણુતા, સંયમ, આત્મીયતાને આભારી છે. ભારતીય પરંપરામાં સંતો જ સૂર્ય સમાન છે. હિન્દુ ધર્માંચાર્યોમાં પ્રમુખસ્વામી મહારાજને ’સેઇન્ટ ઓફ સેંચ્યુરી (જફશક્ષિં જ્ઞર ઈયક્ષિીિું)’ થી સન્માનવા જોઈએ તેવું હું દૃઢપણે માનું છું માટે આજે તેમને ભાવાંજલિ આપવા અમે સૌ પદયાત્રા કરીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા છીએ.’ પ્રમુખસ્વામી મહારાજ માત્ર સંપ્રદાયના આચાર્ય નહોતા પરંતુ સમષ્ટિના ધર્માચાર્ય હતા. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરીને સમગ્ર ભારત વર્ષ સદાચારનું પાલન કરવાનું શરૂ કરશે તેવી મને આસ્થા છે.

ઓસ્ટ્રેલિયા સરકારના એમ.પી.જેસન વુડે જણાવ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા મળ્યો અને ઓસ્ટ્રેલિયાથી ભારત આવવાનું સફળ થયું. મહંતસ્વામી મહારાજનો અથાગ પુરુષાર્થ અને તેમની નેતાગીરી ખરેખર અદ્ભૂત છે અને આજે આ સંસ્થા વિશ્વનાં ખૂણે ખૂણે પહોંચી રહી છે અને સમાજ સેવાનાં ઉત્તમ કાર્યો કરી રહી છે તેમજ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા’ બીજાના ભલામાં આપણું ભલું ’ તે જીવન ભાવના સાથે જીવ્યા છે. કોરોના સમયે ઓસ્ટ્રેલિયા દેશમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ તેમજ દેશના નાગરિકો માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી તે માટે હું આપનો આભારી છું.

ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહે જણાવ્યું હતું કે મને અફસોસ છે કે હું આ નગરમાં પહેલા ના આવી શક્યો, આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ અદ્ભૂત છે. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા આદર્શો અને મૂલ્યો દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મને લાગુ પડે તેવા છે અને તેમણે યુએન પરિષદમાં આપેલો સર્વધર્મ સંવાદિતાનો સંદેશ ખૂબ જ અદ્ભૂત હતો. બીએપીએસ ચેરિટી દ્વારા સમાજ કલ્યાણના અનેકવિધ કાર્યો સમાજના ઉત્થાન માટે કરવામાં આવે છે. આ સંસ્થા ‘વસુધૈવ કુટુમ્બકમ ’ ની ભાવના સાથે  સમાજ સેવાનું કાર્ય કરી રહી છે. મારા મતે અબુધાબી અને બાહરીનમાં બનનાર હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ ખૂબ જ મોટો ચમત્કાર છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર માન. બેરી ઓ’ફેરેલ એસો.એ જણાવ્યું હતું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું. હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું કારણકે આ સંસ્થા સાચા અર્થમાં અમારા દેશમાં સમાજ સેવાનું કાર્ય કરી રહી છે.

ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર અસોકા મિલિન્દા મોરાગોડાએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ દિવ્ય આધ્યાત્મિક નેતા હતા જેમણે ’ બીજાના ભલામાં આપણું ભલું”  તે સૂત્ર આપ્યું હતું અને તે જીવનભાવના સાથે જીવ્યા હતા. સુનામી સમયે આ સ્વામિનારાયણ સંસ્થાએ ખૂબ જ અદ્ભૂત રાહત કાર્ય કર્યું હતું.

જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)ના સ્થાપક સ્વામી મુકુંદાનંદે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિઓને જોઈને મને ભગવાન સ્વામિનારાયણના દર્શન થઈ રહ્યા છે. મે પ્રમુખસ્વામી મહારાજના પણ દર્શન નથી કર્યા પરંતુ અહી હાજર સ્વયંસેવકો અને સંતો ભક્તો તેમજ આ પ્રમુખસ્વામી મહારાજ નગરના કણ કણમાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.