- માતા ચરણ કૌરે દીકરાને જન્મ આપ્યો
- પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરી
નેશનલ ન્યૂઝ : પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના લગભગ બે વર્ષ બાદ તેના માતા-પિતાને પુત્રનો જન્મ થયો છે. સિદ્ધુના પિતા બલકૌર સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તેઓ પોતાના નવજાત પુત્રને ખોળામાં પકડીને બેઠા છે. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ બાદ બલકૌર સિંહ અને તેમની પત્ની ચરણ કૌર બીજી વખત માતા-પિતા બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 58 વર્ષીય ચરણ કૌરે ચંદીગઢની એક ખાનગી હોસ્પિટલમાં તેમના બીજા પુત્રને જન્મ આપ્યો છે.
પિતા સરદાર બલકૌર સિદ્ગુએ સોશિયલ મીડિયાથી આપી માહિતી
પિતા સરદાર બલકૌર સિદ્ધુએ તેના સોશિયલ મીડિયા પર બાળકની પ્રથમ તસવીર શેર કરીને માહિતી આપી હતી. તેમણે લખ્યું, “શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, ભગવાને શુભના નાના ભાઈને અમારા હિસ્સામાં આપ્યો છે. વાહેગુરુના આશીર્વાદથી, પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભચિંતકોના અપાર પ્રેમ માટે આભારી છે.”
IVF દ્વારા માતા-પિતા બન્યા
સૂત્રોનું કહેવું છે કે તેના માતા-પિતાએ IVF ટેકનિક પસંદ કરી હતી. ગયા વર્ષે તે આ પ્રક્રિયા માટે વિદેશ ગયા હતા. પરિવારે તે સમયે તેમના નજીકના લોકોને વિનંતી કરી હતી કે જ્યાં સુધી પ્રક્રિયા સફળ ન થાય ત્યાં સુધી આ સમાચાર સાર્વજનિક ન કરવામાં આવે. કોંગ્રેસની ટિકિટ પર માનસાથી 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અસફળ લડનારા સિદ્ધુ મુસેવાલાની તે જ વર્ષે 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સહિત 31 લોકોના નામ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં 25ની ધરપકડ કરવામાં આવી છે.