• પૂર્વ ધારાસભ્ય સિદ્વાર્થ પરમારની આગેવાનીમાં સ્થાનિક લોકોનું મોટું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું: ખૂદ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ આવેદન પત્ર સ્વીકારવા નીચે સુધી આવ્યા

ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. દરમિયાન શહેરના નાનામવા રોડ પર ગોલ રેસિડેન્સીની સામે જયભીમનગર વિસ્તારમાં 2013માં મુકવામાં આવેલી પીપીપી આવાસ યોજના રદ્ કરવાની બુલંદ માંગ સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્વાર્થ પરમારની આગેવાનીમાં મોટું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું. જયભીમના બુલંદ નારા લગાવ્યા હતા. ખૂદ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ આવેદન પત્ર લેવા માટે નીચે સુધી આવવાની ફરજ પડી હતી. જયભીમનગર વિસ્તારના રહેવાસીઓએ પીપીપી યોજના-2013ને રદ્ કરવાની માંગણી સાથે કમિશનર સમક્ષ અલગ-અલગ 13 મુદ્ાઓ રજૂ કર્યા હતા. આ આવાસ યોજના ખરેખર ગરીબોને પાકું ઘરનું ઘર મળી રહે તે માટેની નહિં પરંતુ બિલ્ડરોને માલામાલ કરવા માટેની હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઝુંપડપટ્ટીની જમીન ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના તળે પીપીપી આવાસ યોજના-2013ના ભાગરૂપે ગેરકાયદેસર રીતે ગેરબંધારણીય ટેન્ડર પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જો તંત્ર દ્વારા સત્તાનો દૂરઉપયોગ કરી અહિં વસવાટ કરતા લોકોના રહેણાંક અને ધંધા-રોજગાર છીનવવા માટે બળ પ્રયોગ કરવામાં આવશે તો નાછૂટકે સામૂહિક આત્મવિલોપન અને દેહત્યાગ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આવેદન પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે નાનામવાના સર્વે નં.123ની જયભીનગર તરીકે ઓળખાતી વાદગ્રસ્ત ટીપી-20ના પ્લોટ નં.54 બીએન અને 55/એની કુલ વાદગ્રસ્ત 57236 ચોરસ મીટર જમીન પૈકી 5000 ચોરસ મીટર જમીન પર બિલ્ડર દ્વારા સ્થાનિકો માટે આવાસ બનાવવામાં આવશે. બાકીની 52236 ચોરસ મીટર જમીન આ યોજના હેઠળ બિલ્ડરને મળવાની છે. જેની બજાર કિંમત હાલ 700 કરોડ જેવી થવા પામે છે. જેની સામે બિલ્ડરને માત્ર 103 કરોડનો ખર્ચ થશે અને કોર્પોરેશનને જે પ્રિમિયમ ચુકવશે તે ગણવામાં આવે તો 200 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. બિલ્ડરના લાભાર્થે આ યોજના મુકવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જો કોર્પોરેશન દ્વારા ભીમનગર વિસ્તારમાં પીપીપી આવાસ યોજના રદ્ નહિં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.