કચ્છ બેઠક પરથી વિનોભાઇ ચાવડા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ સિંહોરા, રાજકોટમાં પરષોત્તમભાઇ રૂપાલા, પોરબંદરમાં ડો.મનસુખ માંડવિયા, જામનગરમાં પૂનમબેન માડમ, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા, અમરેલીમાં ભરત સુતરિયા અને ભાવનગરમાં નીમુબેન બાંભણીયાની જીત નિશ્ર્ચિત
સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની તમામ આઠેય બેઠકો પર સતત ત્રીજી વખત ભાજપનું કમળ ખીલવા જઇ રહ્યું છે. મત ગણતરીની શરૂઆતની કલાકોમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ચોક્કસ આગળ ચાલી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ ભાજપના ઉમેદવારોએ લીડ હાંસલ કરી લીધી હતી. ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી સુરત બેઠક અગાઉથી બિનહરિફ જાહેર થઇ ગઇ છે. જ્યારે હાલ 25 બેઠકો માટે મત ગણતરી ચાલી રહી છે. જે પૈકી પાટણ લોકસભા બેઠકને બાદ કરતા તમામ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો તેઓના નજીકના હરિફથી ખૂબ જ મોટી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.
આ લખાઇ રહ્યું છે ત્યારે સવારે 10:30 કલાકે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. કચ્છ લોકસભા બેઠક પરથી વિનોદભાઇ ચાવડા-26,302 મતથી, સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઇ સિંહોરા-54,551 મતોથી, રાજકોટ બેઠક પરથી પરષોત્તમભાઇ રૂપાલા-1,29,256 મતોથી, પોરબંદર બેઠક પરથી ડો.મનસુખ માંડવિયા-1,32,711 મતોથી, જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ-40,145 મતોથી, જૂનાગઢ બેઠક પરથી રાજેશભાઇ ચુડાસમા-52,260 મતોથી, અમરેલી બેઠક પરથી ભરતભાઇ સુતરિયા-80,182 મતોથી, ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણીયા-102436 મતોથી આગળ ચાલી રહ્યા છે. વર્ષ-2014 અને વર્ષ-2019 બાદ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઠેય બેઠકો ફતેહ કરવામાં સફળ રહ્યું છે. આ વખતે ભાજપે કચ્છ, જામનગર અને જૂનાગઢ બેઠકને બાદ કરતા અન્ય પાંચેય બેઠકો પર સિટીંગ સાંસદોની ટિકિટ કાપી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેને સૌરાષ્ટ્ર-કચ્છના મતદારોએ વધાવી લીધા છે.