- રાજકીય પક્ષોને ફાળો : પ્રેમ કે મજબૂરી ?
- ચૂંટણી પંચે રૂ.12,155 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદનારાઓની વિગતો વેબસાઈટ ઉપર કરી અપલોડ : લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનની કંપની ચૂંટણી બોન્ડની સૌથી મોટી ખરીદદાર
ચૂંટણી પંચે રૂ.12,155 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદનારાઓની વિગતો વેબસાઈટ ઉપર કરી અપલોડ કરી છે. લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનની કંપની ફ્યુચર ગેમિંગ ચૂંટણી બોન્ડની સૌથી મોટી ખરીદદાર નીકળી છે. જો કે આ જ કંપની સામે મની લોન્ડરિંગ મામલે ઇડીએ તપાસ પણ હાથ ધરી હતી એટલે આ દાતાઓએ પ્રેમથી દાન આપ્યું છે કે મજબૂરીથી તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે.
ભારતીય ચૂંટણી પંચએ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા માર્ચ 2022માં તપાસ કરાયેલી એક કંપનીએ 1350 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે અને તેણે રાજકીય પક્ષોને આ રકમ દાન કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, એસબીઆઇએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, એસબીઆઈએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી હતી.
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા પહેલા બોન્ડ દ્વારા દાન આપનારા અને મેળવનારાઓના નામની માહિતી તેની વેબસાઇટ પર જાહેર કરી હતી. પંચે તેની વેબસાઈટ પર બે ફાઈલોની વિગતો આપી છે. એક ફાઇલમાં દાન આપનારાઓના નામ અને રકમ છે, જ્યારે બીજી ફાઇલમાં રાજકીય પક્ષો અને દાન મેળવેલી રકમની વિગતો છે.
જાહેર કરવામાં આવેલી વિગતોનું વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજકીય પક્ષોને દાન આપનારાઓમાં સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ, એરટેલના પ્રમોટર અબજોપતિ સુનીલ ભારતી મિત્તલ, વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલ, આઇટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસિસ મુખ્ય છે. અહીં ઉલ્લેખનીય છે એ છે કે ફ્યુચર ગેમિંગ એ જ કંપની છે જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે માર્ચ 2022માં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી હતી. આ કંપનીએ બે અલગ-અલગ કંપનીઓ મારફત રૂ. 1,350 કરોડથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.
રાજકીય પક્ષોના ટોચના દાતા
- ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 1,368 કરોડ
- મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ રૂ. 966 કરોડ
- ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ રૂ. 410 કરોડ
- વેદાંતા લિમિટેડ રૂ. 400 કરોડ
- હલ્દિયા એનર્જી લિમિટેડ રૂ. 377 કરોડ
- ભારતી ગ્રુપ રૂ. 247 કરોડ
- એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ રૂ. 224 કરોડ
- વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ રૂ. 220 કરોડ
- કેવેન્ટર ફૂડ પાર્ક ઇન્ફ્રા લિમિટેડ રૂ. 195 કરોડ
- મેદનલાલ લિમિટેડ રૂ.185 કરોડ
- ભારતીય એરટેલ લિમિટેડ રૂ.183 કરોડ
- યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રૂ.162 કરોડ
- ઉત્કલ એલ્યુમિના ઇન્ટરનેશનલ લિમિટેડ રૂ. 3 કરોડ
- ડીએલએફ કોમર્શિયલ ડેવલપર લિમિટેડ રૂ. 130 કરોડ
- એમકેજે એન્ટરપ્રાઇઝ લિમિટેડ રૂ.35 કરોડ
- જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ રૂ.123 કરોડ
- બીજી શિર્કે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ રૂ.117 કરોડ
- ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ રૂ.115 કરોડ
- ચેન્નાઈ ગ્રીન વુડ્સ પ્રાઈવેટ લિમિટેડ રૂ.105 કરોડ
- બિરલાકાર્બન રૂ. 105 કરોડ
- રૂંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ રૂ.100 કરોડ
ગુજરાતના ઉદ્યોગો અને અમીરોએ પણ મોટા પ્રમાણમાં બોન્ડ ખરીદ્યા
લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતમાં મોટું કામ ધરાવતા ઉદ્યોગોએ પણ ચૂંટણી બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ વિગત અનુસાર રાજ્યની ટોચની કંપનીઓમાંથી ટોરેન્ટ, ઝાયડસ, ઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ થાય છે તો બીજી તરફ રીઅલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ ચૂંટણી બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે ચૂંટણી બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.