મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જાહેર કર્યા આંકડા
કોર્પોરેશન સંચાલિત પ્રધૂમન પાર્ક ઝુનો આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયુ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.ઝૂમાં 59 પ્રજાતિઓનાં કુલ 496 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.
હાલ સ્કૂલ-કોલજમાં વિદ્યાર્થીઓ માટે વેકેશન ચાલી રહ્યુ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોવિડ-19 વૈશ્વીક મહામારીના કારણે લોકો ફરવાના સ્થળે જઇ શકેલ નહી. આથી ચાલુ વર્ષે લોકો ઉનાળુ વેકેશન દરમિયાન ફરવાના સ્થળો પર નિકળી પડેલ છે. જેમાં રાજકોટ ઝૂ ખાતે વેકેશન દરમિયાન માહે મે-2022માં કુલ-67815 મુકાલાતીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.17,96,840/-ની આવક થયેલ છે. જેમાં રવિવારની રજા તથા તહેવારના દિવસે અંદાજીત 5000 થી 6000 મુલાકાતીઓ પધારે છે. જ્યારે બુધવારના દિવસે રાજકોટ શહેરના નાના-મોટા ઉદ્યોગોમાં રજા રહેવાથી આ દિવસે અંદાજીત 3000 મુલાકાતીઓ પધારે છે. બાકીના સામાન્ય દિવસોમાં અંદાજીત 1200 થી 1500 મુલાકાતીઓ ઝૂ ખાતે પધારે છે.
ઝૂ ખાતે કુદરતી નૈસર્ગીક વાતાવરણ તમામ વન્યપ્રાણી-પક્ષીઓને માફક આવી ગયેલ હોય, સમયાંતરે મોટા ભાગના પ્રાણી-પક્ષીઓમાં સંવર્ધન થઇ રહેલ છે. આ ઉપરાંત ઝૂ ખાતેનું જંગલ સ્વરૂપે કુદરતી સૌંદર્ય વાતાવરણ જોઇ મુલાકાતીઓ પણ ખુબજ પ્રભાવીત થાય છે. તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યુ છે.