રાજકોટ શહેરના સ્માર્ટ સિટી એવા રૈયા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા 136 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અટલ સરોવરને આજથી વિધિવત રીતે શહેરીજનો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. ગત 7મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અટલ સરોવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. થોડું ઘણું કામ બાકી હોવાના કારણે લોકો માટે વિધિવત ખુલ્લુ મુકવામાં આવ્યું ન હતું. દરમિયાન આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિને વિધિવત રીતે અટલ સરોવર લોકો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે.
136 કરોડના ખર્ચે બનેલા આ અટલ સરોવરમાં એમ્યુઝમેન્ટ પાર્કની પણ સુવિધા ઉપલબ્ધ છે. સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચોરસ મીટરનું છે. જેમાં વોટર બોડીનો વિસ્તાર 92,837 ચોરસ મીટર છે. તળાવમાં અંદાજે 477 મીલીયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન રિટ્રીટ થયેલા ડ્રેનેજ પાણીને અટલ સરોવરમાં ઠાલવવામાં આવશે. શહેરીજનોએ શ્રેષ્ઠ ફરવા લાયક સુવિધા મળી રહેશે. એમ્યુઝમેન્ટ પાર્ક ક્રમશ: શરૂ કરવામાં આવશે. જેમાં હાલ ગાર્ડન અને સ્પેશિયલ ચિલ્ડ્રન પાર્ક શરૂ કરી દેવામાં આવ્યા છે. ફેરીસ વ્હીલ, બોટીંગ, ટોયટ્રેન, એમ્ફી થિયેટર, પાર્ટી પ્લોટ, ફૂડ કોર્ટ, ગ્રામ હાર્ટ હવે શરૂ કરવામાં આવશે. વોક-વે, સાયકલ ટ્રેક અને પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ છે. લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. બે ફ્લેગ પોલ પૈકી એક પોલની ઉંચાઇ 70 મીટરની છે. જે ગુજરાતનું સૌથી ઉંચો ફ્લેગ પોલ છે. જેના પર ભારતનો ઝંડો ફરકાવવામાં આવશે. શહેરમાં લાલપરી અને રાંદરડા તળાવ બાદ છેલ્લા 40 થી 50 વર્ષોમાં એકમાત્ર તળાવ છે. જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આજે વિધિવત રીતે અટલ સરોવર શહેરીજનો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. જેમાં ટિકિટનો દર રૂ.25 રાખવામાં આવ્યો છે. જ્યારે 12 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળક માટે ટિકિટનો દર રૂ.10 રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં બોટીંગ, એમ્ફી થિયેટર, ટોયટ્રેન અને ફેરીસ વ્હીલ સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવશે.