લુઝ દુધમાં એસ.એન.એફ અને ફેટનું પ્રમાણ ધારા-ધોરણ કરતા ઓછું જણાતા પરીક્ષણમાં નમુના નાપાસ: ૮ ડેરીમાંથી દુધના નમુના લેવાયા
રાજય સરકારના આદેશના પગલે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા એપ્રિલ માસમાં લુઝ દુધ વેચતા ફેરિયાઓ પાસેથી ૨૫ દુધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦ના રીપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ૧૦ દુધના નમુના પૈકી ૫ નમુનામાં એસ.એન.એફ અને ફેટનું પ્રમાણ ધારા-ધોરણ કરતા ઓછું જણાતા નાપાસ કરાયા છે. આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા આજે અલગ-અલગ ૮ ડેરીમાંથી નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજય સરકારના આદેશના પગલે આરોગ્ય શાખા દ્વારા પાંચ ટીમો બનાવી એપ્રિલ માસમાં ૨૫ ફેરીયાઓ પાસેથી દુધના નમુના લેવામાં આવ્યા હતા. ૨૫ પૈકી ૧૦ દુધના પરીક્ષણના રીપોર્ટમાં પ દુધના નમુના નાપાસ જાહેર થયા છે. મહેશભાઈ ગમારા, મનસુખભાઈ હમીપરા, ચંદુભાઈ વામજા, રમેશભાઈ કપુરીયા અને મહેશભાઈ લુણાગરીયા નામના ફેરિયા પાસેથી લેવામાં આવેલા ભેંસનું દુધ તથા મીકસ દુધના નમુનાના પરીક્ષણ દરમિયાન એસ.એન.એફ અને ફેટનું પ્રમાણ ધારા-ધોરણ કરતા ઓછું આવતા સબસ્ટાન્ડર્ડ થયા છે અને નમુના ફેઈલ થયા છે. તેઓની સામે હવે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા આજે કૃષ્ણનગર મેઈન રોડ પર શિવધારા ડેરીફાર્મ, કોઠારીયા રોડ પર ભવનાથ પાર્ક-૨માં રામદેવ ડેરીફાર્મ, કૃષ્ણનગર મેઈન રોડ પરીશ્રમ કોમ્પ્લેક્ષમાં ગાયત્રી ડેરીફાર્મ, કોઠારીયા રોડ પર ભવનાથ પાર્ક-૨માં શિવમ ડેરી ફાર્મ, ભાવનગર રોડ પર શ્રીરામ શોપીંગ સેન્ટરની બાજુમાં મહેશભાઈ ગમારા, કુવાડવા રોડ પર અંબિકા પાર્ક ૪૦ ફુટના મેઈન રોડ પર શ્રી ખોડિયાર ડેરી ફાર્મ અને જાગનાથ ડેરી ફાર્મમાંથી લુઝ દુધ તથા સાધુ વાસવાણી રોડ પર શ્યામ વલટીકસમાં ધારેશ્વરમ ડેરી ફાર્મમાંથી ધારેશ્વરમ ટી તાજા પેકેટ દુધનો નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com