ભગવાનનું અવતરણ કોઈ ને કોઈ પ્રયોજનથી થતું હોય છે. તા.3 એપ્રિલ ૧૭૮૧ને રામનવમીના શુભ દિને અયોધ્યા પાસેના છપૈયા ગામમાં વિપ્ર ધર્મદેવ અને ભકિતદેવીને ત્યાં અવતરેલ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ કેવળ બહુજનહિતાય અને બહુજન સુખાય એટલે કે માનવતા શ્રેય અને પ્રેયની સાનુકૂળતા માટે થયું હતું. ગુરુ રામાનંદ સ્વામીના ઉતરાધિકારી બન્યા પછી એમણે માનવીઓ પર દાખવેલ કરૂણાદ્દષ્ટિ અને જનસમાજમાં પ્રવર્તાવેલ વિવિધ સેવા પ્રવૃતિઓ ઉપરથી એનો ખ્યાલ આવે છે.
એમણે અનુયાયીઓને ભજનસ્મરણ કરવા માટે વેદવિહિત સ્વામિનારાયણ મંત્ર આપ્યો. રામાનંદ સ્વામીએ ચાલુ કરેલ સદાવ્રતોનો વ્યાપ વધારીને ભિક્ષાર્થીઓને અન્નદાન આપવાની પ્રવૃતિ ચલાવી, સાથે વાવ, કૂવા, તળાવો ખોદાવીને લોકોપયોગી કાર્યો શરૂ કર્યા. લોકોને સદાચારને માર્ગે વાળવા અને પોતાના સંપ્રદાયને લોકાભિમુખ કરવા એમણે પોતાના સંતોને કચ્છ, કાઠિયાવાડને ગુજરાતમાં વિચરણ કરવા રવાના કર્યાને પોતે પણ વિચરણ કરતા રહ્યા. આ પરિભ્રમણથી જનતામાં સ્વચ્છ અને પવિત્ર આચારવિચાર કેળવાયા. વ્યસનમાં ડુબેલાઓ વ્યસનમુકત થયા. વહેમ, દોરાધાગા અને મંત્રથી દોરવાતા લોકો સજાગ બન્યા.
એમણે અહિંસા, ચોરી, વ્યભિચારને લૂંટફાટ કરનાર આકરી કોમોને ઉપદેશ આપીને સદાચારી બનાવ્યા. પરિણામે જનસમાજમાં શાંતિ સ્થપાઈ. એનો પડઘો મુંબઈના ગવર્નર સર માલ્કમને સંભળાયો. જે કાર્ય અંગ્રેજ સતા સૈન્યને શસ્ત્રોના અનેક પ્રયાસો કરવા છતાં ન કરી શકી એ શાંતિ અને સલામિત સ્થાપવાનું કાર્ય શ્રી સ્વામિનારાયણ અને એમના સંતોએ કેવળ ધર્મોપદેશથી કરી બતાવ્યું. એ જાણીને ખુદ ગવર્નર સર માલ્કમ ભગવાન શ્રી સ્વામિનારાયણને મળવા રાજકોટ દોડી આવ્યા અને મેળાપથી ભારે આનંદ પામ્યા.
એમણે સંપ્રદાયનું કલેવર સુરક્ષિત રહે એ માટે આશ્રિતો સારુ રોજનીશી સમી આચારસંહિતા-શિક્ષાપત્રી લખી. વચનામૃત, ભકતચિંતામણિ અને સત્સંગીજીવન જેવા ગ્રંથોની રચના કરાવીને સંપ્રદાયની વિશેષ પુષ્ટિ કરી આપી. ભગવાનની ઉપાસના રહે તેમજ ભાવિકોનો ભકિતભાવ જળવાઈ રહે એ માટે મોટા મંદિરો બંધાવીને પોતાના જ અવતાર સ્વરૂપોની સ્વહસ્તે પ્રતિષ્ઠા કરીને સેવારીતિનો પ્રબંધ કરાવ્યો. એમણે કેળવણીનું ભાવિ અંદાજીને પૃથ્વી પર સદ્વિદ્યાનો પ્રચાર કરવાની આજ્ઞા કરી. એમણે આર્ષદ્દષ્ટિથી ૧૯ દાયકા પહેલાં કાઢેલ કેળવણીના કયાસમાં આપણને આજે એમના કરૂણાભર્યા અભિગમના દર્શન થાય છે. આજે કેળવણી ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરૂકુલના માધ્યમથી હરણફાળ ભરેલ દેખાય છે. આ ગુરૂકુલ ગંગોત્રીને જનસમાજમાં વહાવવાની પહેલ સમર્થ અને પરમહિતકારી સંત સદ્.શાસ્ત્રીજી મહારાજ સ્વામી ધર્મજીવનદાસજીએ રળિયામણા રાજકોટને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને કરી. આ પરમ વિતરાગી સંતે સમાજના સંતાનોને ઈશ્ર્વરના સંતાનો એટલે ઋષિકુમારો ગણીને એમના જીવનમાં સદ્વિદ્યાના સંસ્કારો પૂર્યા.
ભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રવર્તાવેલ જનહિતના સિદ્ધાંતો દીર્ઘકાળ સુધી ચાલુ રહે, જનસમાજમાં એનું પ્રવર્તન થતું રહે અને લોકો સદાચારી અને પરમેશ્ર્વરાભિમુખ બની રહે એ માટે એમણે ષડંગ સંપ્રદાયની સ્થાપના કરી. એની દેખરેખ માટે આચાર્યોની નિમણૂક કરી અને એમના સહયોગમાં વિશાળ સંતવૃંદને પણ જવાબદારી સોંપી આજે ‘બેટી બચાવો’નો નાદ સમાજમાં સંભળાય રહ્યો છે પણ ભગવાન શ્રીસ્વામિનારાયણે તો ૨૦૦ વર્ષ પહેલાં દીકરીને દુધપીતી કરીને મારી નાખવાનો ઘોરપાપ પ્રત્યે સમાજમાં જાગૃતિ પ્રસરાવી, એટલું જ નહીં સતી થવાના ઘોર ક્રૂર રિવાજને નાબુદ કરવાના પ્રયાસો પણ કર્યા. મહિલાઓના ઉત્થાન અંગે આજે જાગૃતિ આવી છે પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે તો વર્ષો પહેલા મહિલાઓના દીક્ષાગુરૂ તરીકે મહિલાઓના ઉત્થાન અંગે આજે જાગૃતિ આવી છે પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે તો વર્ષો પહેલા મહિલાઓના દીક્ષાગુરૂ તરીકે મહિલાઓને જ સ્થાપિત કરેલ. એમના માટે અલગ મંદિરો બંધાવ્યા. એમની સુરક્ષા માટે સારા આયોજનો કર્યા. મહિલાઓને ભયસ્થાનો ઓળખાવીને સાવચેત રહેવાના સુચનો પણ એમણે પ્રવર્તાવ્યાં. લોકોનું જીવન ઉર્ઘ્વગામી બને અને એમનામાં સદાચાર ધર્મ જણાય એવા પ્રયાસો કરીને ધર્મપાલનમાં કોઈ જડતા નથી પણ દ્દઢતા પ્રસ્થાપિત કરી એટલે તો સ્વામિનારાયણ ધર્મને સમાજમાં ઉજળો માનવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,