અખાત્રીજથી એક મહિના સુધી ભગવાનના કલાત્મક વાઘાનાં દર્શન થશે
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને શીતળ ચંદનના કલાત્મક વાઘાના શણગાર દ્વારા અનોખું ભકિતઅર્ઘ્ય અપાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે, ‘યથા દેહે, તથા દેવે’ એટલે કે આપણે આપણા જીવન દરમ્યાન જે કંઈ સુખ-સગવડ વધારીએ અથવા તો તેનો ઉપયોગ કરીએ તેટલું જ અથવા તેનાથી વિશેષ ભગવાનનું જતન કરવું જોઈએ.
ગ્રીષ્મઋતુમાં સુર્ય પોતાની અગન જવાળાઓ વિસ્તારી રહ્યો છે. થરમોમીટરના પારાને હચમચાવી નાખતી ગરમી વરસી રહી છે અને માણસો આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે ત્યારે આ સમયમાં માણસ ગરમીથી બચવા એસી અને કુલરનો ઉપયોગ કરે છે તથા આઈસ્ક્રીમ અને કેન્ડી દ્વારા શરીરમાં આંતરિક ઠંડક કરે છે, ત્યારે ભગવાનને પણ ગરમી ન લાગે તે માટે હરિભકતો અનેક ઉપચાર કરતા હોય છે.
અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મઋતુ દરમિયાન ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય તે માટે સંતો ભકતો દ્વારા ચંદન લાકડા ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોળ એવું ચંદન ભગવાનને લગાડી ભગવાનને ગરમીથી રાહત મળે તે માટે ભકતો આ અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતિક છે. તે ઘસાય છે, છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ)થી લઈ જેઠ સુદ ત્રીજ સુધી એક માસ ભગવાનને ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. જેના દર્શન કરી ભાવિકો ગ્રીષ્મઋતુમાં આંતરિક શીતળતા અનુભવે છે.
આ દિવસો દરમ્યાન સુર્યાસ્ત બાદ ભગવાનને ધરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે અને યુવકો દ્વારા તે ચંદનની ગોટી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ તેઓ નિત્યપૂજામાં તિલક કરવા માટે કરે છે, જેને કારણે ભગવાનનું પ્રસાદીભુત ચંદન સદાય તેમના ભાલે રહે છે અને પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે. રાજકોટનાં કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટ શણગાર પુજારી સંતો પૂજય અદ્યાત્મજીવન સ્વામી, પૂજય પરમનિધિ સ્વામી અને સંતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તારીખ ૭ મે થી લઈ ૬ જુન સુધી એક માસ દરરોજ સવારે ૭:૪૫ વાગ્યે શણગાર આરતીથી સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી સુધી ભગવાને ચંદનના શણગારના દર્શન ભાવિકો કરી શકે છે, તો ભગવાનનાં દર્શન કરી આંતરિક શીતળતા પ્રાપ્ત કરવા શહેરની ભાવિક જનતાને અનુરોધ કરાયો છે.