સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં ષોડશોપચાર પૂજન, અભિષેક, મહાઆરતી કરાઈ
અબતક-રાજકોટ
ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને લોકડાઉનને લીધે સ્વામિનારાયણ સંંપ્રદાયમાં ઠેર ઠેર ઘરબેઠા ભગવાન સ્વામિનારાયણનો જન્મ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં, એસજીવીપી ગુરુકુલ ખાતે સાદાઇ અને ભક્તિસભર ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો
શરુઆતમાં માધવપ્રિચદાસજી સ્વામીના હસ્તે ઘનશ્યમ મહારાજની મહાઆરતિ ઉતાર્યા બાદ ઠાકોરજીનું ષોડશોપચાર પૂજન અને અભિષેક કરવામાં આવેલ. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે હજારો વર્ષ પૂર્વે ભગવાન વેદ વ્યાસે ભાગવત અને સ્કંદપુરાણના વાસુદેવ માહાત્મ્યમાં ભવિષ્ય વાણી ઉચ્ચારી હતી કે કળિયુગમાં ખૂબ પાખંડ વધશે ત્યારે પાંખડનો નાશ કરવા માટે અને ભાગવત ધર્મના સ્થાપન માટે ધર્મદેવ અને ભકિતમાતાને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થશે.
તે પ્રમાણે આજે આપણે ભગવાન સ્વામિનારાયણના ૨૩૯ પ્રાગટ્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ. ખરેખર ભગવાન સ્વામિનારાયણનો વૈભવ ગજબનો છે. એમના ઐશ્વર્યો સાગર જેવા અગાધ છે. ખરેખર ભગવાન સ્વામિનારાયણ અને તેના સંતોના વૈભવનો પાર પામી શકાય નહી.
ભગવાન એક રુપે જ અવતરે એવું નથી ક્યારેક તેઓ અનેક રુપે અનેકમાં રહીને કાર્ય કરેછે. આજે કોરોનાની મહામારીથી રક્ષા કરવા માટે ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામ ડોક્ટરો, નર્સો, સરકારી અધિકારીઓ, પોલિસ કર્મીઓ અને સેવા ભાવી કાર્યકરોમાં રહીને સર્વની સેવા કરે છે. એ સર્વેને આપણે હ્રદયથી વંદન કરીએ એમને સહયોગ આપીએ. તેમ અંતમાં જણાવ્યું હતું.