હાથી, ઘોડા, બગી, ૨૫ ફલોટસ, ૨ હજાર બાઈક સવાર તેમજ હજારો પદયાત્રીઓ યાત્રામાં જોડાશે
તોપથી કરાશે ફુલમારો, કાર ઉપર બાર જયોર્તિલીંગની ઝાંખી, શિવતાંડવ અને શિવધુન અવિરત ચાલુ રહેશે
સોમવારે રથયાત્રામાં રૂટ ઉપર આવતા તમામ શિવાલયોમાં ધ્વજારોહણ કરાશે
દેવોના દેવ મહાદેવનું પાવન પર્વ મહાશિવરાત્રીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવા માટે દશનામ ગોસ્વામી સમાજ શિવરથ યાત્રા સમિતિ રાજકોટ દ્વારા સતત પાંચમા વર્ષે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
હર હર મહાદેવના નાદ સાથે કોઠારીયા રોડ કમલેશ્ર્વર મહાદેવ સુતા હનુમાન મંદિર સામે, સોરઠીયાવાડી સર્કલ પાસે આગામી તા.૧૩ને મંગળવાર શિવરાત્રીના દિવસે બપોરના ૨ વાગ્યે સંતો-મહંતો, ગાદિપતીઓ તેમજ નામાંકિત મહેમાનોની હાજરીમાં મહાદેવના જય જયકાર સાથે પ્રયાણ કરવામાં આવશે.
શિવરથયાત્રાના વિશિષ્ટ આકર્ષણરૂપે તોપથી ફુલોનો વરસાદ મહાદેવની બાર જયોતિર્લિંગ શ્રેણીમાં આ વર્ષની જયોતિલીંગ વૈદ્યનાથ મહાદેવની જયોર્તિલીંગ ઉપર કરવામાં આવશે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ તેમજ સમાજ દ્વારા લોકજાગૃતિના અનેક ફલોટસ દ્વારા લોક સંદેશો પહોંચાડવામાં આવશે.
૨ હજાર તરવરીયા નવયુવાનો બાઈક પર સજ્જ થઈને મહાદેવની યાત્રામાં થનગનાટ ઉભો કરશે. બાર જયોર્તિલીંગની ઝાંખી બાર વેગેનઆર કાર ઉપર કરવામાં આવશે. હજારોની સંખ્યામાં બહેનો, ભાઈઓ, વડીલો તેમજ બાળકો શિવવંદના નાત-જાતના ભેદભાવ વગર જોડાશે. તેમજ હાથી, ઘોડાનો કાફલો તેમજ ઉંટ ગાડી વિશેષ આકર્ષણ ઉભું કરશે. યાત્રા દરમિયાન શિવતાંડવ અને શિવધૂન અવિરત ચાલુ રહેશે. આ શિવરથયાત્રા દ્વારા સનાતન હિન્દુ સમાજ સમરસ બનીને મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંજે ૭:૩૦ કલાકે લેશે.
આ રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટમાં મહાદેવની પ્રસાદીરૂપે રૂદ્રાભિષેક કરેલ રૂદ્રાક્ષના પારાનું વિતરણ કરવામાં આવશે. તેમજ શિવરથયાત્રાના રૂટમાં આવતા શિવાલયો પર શાસ્ત્રોકત વિધિથી પુજન કર્યા પછી દરેક શિવાલય પર આગામી સોમવારે સવારે ધ્વજા રોહણ કરવામાં આવશે. શિવરથયાત્રા નિમિતે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
શિવરથયાત્રાનો રૂટ કમલેશ્ર્વર મહાદેવ, સોરઠીયાવાડી સર્કલ, ભકિતનગર સર્કલ, મક્કમ ચોક, ગોંડલ રોડ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, જાગનાથ મહાદેવ, પંચાયત ચોક, ફુલછાબ ચોક, મોટી ટાંકી, લીમડા ચોક, પંચનાથ મહાદેવ, ચૌધરી હાઈસ્કૂલ રહેશે. શિવ રથયાત્રાની વિગત આપવા ભાવેશગીરી નટવરગીરી, જનકપુરી રમણીકપુરી, સાવનગીરી રાજેષગીરી, અજય ભારતી, અશ્ર્વિન ભારતી, પ્રફુલ પર્વત દિનેશ પર્વત, ગૌતમગીરી ચમનગીરી, વિપુલગીરી ચમનગીરી, વિશાલ ભારતી હિંમત ભારતી, મૌલિકગીરી અશ્ર્વિન ગીરી, ઉમંગગીરી રોહિતગીરી, હિતેષ ભારતી વિનોદ ભારતી, બુદ્ધદેવ ભારતી પ્રતાપ ભારતી, કલ્પેશગીરી અનોપગીરી, અજયવન રમેશવન, જીજ્ઞેશગીરી, જેન્તીગીરી, ગૌરવ ભારતી, વિજય ભારતી અને દિવ્યેશગીરી, અશોકગીરીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.