|| મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
જન્મ મૃત્યુ ર્જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનેન: ||
આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનો ખાસ મહત્વ છે, પણ ભક્તો રાહ જોતા હોય છે શ્રાવણ મહિનાની કે જેમાં શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી ભક્તો કરે છે ભગવાન ભોળાનાથની ભક્તિ અને પ્રાપ્ત કરે છે દેવાધિદેવ મહાદેવનો આશીર્વાદ.
ભક્તો ભગવાન શિવના આ પ્રિય મહિનાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે અને જેવો આ પવિત્ર શ્રાવણ મહિનો આવે કે ભક્તો રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને નિત્ય એટલે કે દરરોજ શિવ મંદિરે જાય છે, આ પાવનકારી માસમાં ભગવાન ભોળાનાથની અનેક પ્રકારે ભક્તિ કરે છે.
આ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દેવાધિદેવ મહાદેવના શિવલિંગ પર ભક્તો દૂધ , દહીં , મધ, ઘી અને સાકર દ્વારા પંચામૃતથી અભિષેક કરે છે સાથે ગંગાજળ દ્વારા સ્નાન કરાવે છે , ભગવાનને ચંદન તેમજ ભસ્મ દ્વારા તિલક કરે છે , અક્ષત ચડાવી, અબીલ, ગુલાલ કંકુ પણ ચડાવે છે, અને ત્યારબાદ ભગવાન શિવને બિલ્લી પત્ર ખુબ જ પ્રિય છે , શિવના ઓમ નમ: શિવાયના પંચાક્ષરી મંત્રનો જાપ તેમજ બીલ્વાષ્ટક્મનો પાઠ કરતા કરતા બીલીપત્ર શિવલિંગ પર ચડાવે છે, પુષ્પની માળા પહેરાવે છે સાથોસાથ અનેક ફળફળાદીનો પ્રસાદ ધરાવે છે. આ દરમ્યાન શિવ મંદિરોમાં પણ ઢોલ, નગારા અને નોબત સાથે આરતી થાય છે તેમાં પણ સવાર અને સાંજે આરતીમાં હાજરી આપવી જોઈએ , શિવ મંદિરોના દર્શનાર્થે જવું સાથે પરિવારજનોને પણ લઇ જવા.
હવે આપણે વાત કરીએ કે ભગવાન ભોળાનાથ મહાદેવને વધારે પ્રસન્ન કઈ રીતે કરવા? તેના માટે શુ કરવું ?, તો પહેલા વાત કરીએ ભગવાન શિવને પ્રિય એવો મંત્ર ઓમ નમ: શિવાય પંચાક્ષરી મંત્રની માળા કરવી કે જેના નામ માત્રથી અનેક રોગો માંથી મુક્તિ મળે છે ,આ સાથે બ્રાહ્મણ ઋષિ માર્કન્ડેય રચિત મહામૃત્યુંજયમંત્ર બોલવો, શિવની સ્તુતિ કરવી , રૂદ્રાભીષેકનો પાઠ , શિવ બાવની કરવી , શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર , તેમજ નટરાજ સ્તોત્રનો પાઠ કરવો, શ્રાવણ માસના સોમવારના દીવસે ઉપવાસ કરવો, ગૌ માતાને ઘાસચારો કરવો , પક્ષીઓને ચણ નાખવી, કુતરાને રોટલી ખવડાવવી , ભિક્ષુકને ભોજન કરાવવું , ઘરની દીકરીને પણ રાજી કરવી, સાધુ, બ્રાહ્મણને દક્ષિણા આપવી, અને સાથોસાથ આપણા પિતૃદેવતાઓના તેમજ વડીલોના આશીર્વાદ લેવા, શિવ મંદિરે જે પૂજારી હોય તેમને પણ પગે લાગવું, દીવ્યાંગોને મદદ કરવી, આમ આટલું કર્મ કરવાથી શિવ પ્રસન્ન થાય છે અને તેના દ્વારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે અને ભગવાન શિવના અલૌકિક આશીર્વાદની પ્રાપ્તિ થશે.
આ માસમાં બ્રાહ્મણ પાસે શિવ પુરાણ , વિષ્ણુપુરાણ, શ્રીમદ ભાગવતનું વાંચન કરાવવાથી તેમજ શિવ કથા સાંભળવાથી ત્યાં કથા સાંભળતા સાંભળતા ઓમ નમ: શિવાય મંત્રનું સ્મરણ કરવાથી સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે, અને ઘરમાં સુખ, શાંતિ , સમૃધ્ધિ , ધન , વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ પણ થાય છે.
આ શ્રાવણ માસમાં હર હર મહાદેવ , તેમજ બમ લહેરી શિવ લહેરીનો નાદ દરેક જગ્યાએ સાંભળવા મળે છે , અને આ નાદથી તે ભૂમિ પણ પવિત્ર બની જાય છે અને લાંબા સમય સુધી શિવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
આલેખન : શાસ્ત્રી રાજેશ શશીકાંતભાઈ ત્રિવેદી