ભગવાન પરશુરામ યોગ, વેદ અને નીતિમાં પારંગત હતા
ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. સમસ્ત જગતના આરાઘ્ય દેવ અને બ્રાહ્મણોના ઈષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની આગામી ૭મેના અખાત્રીજના પાવન પર્વે જન્મજયંતિ આવી રહી છે. પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.
પરશુરામની માતૃભકિત અને માતૃપ્રેમનું દ્રષ્ટાંતનું ઉદાહરણ જોતા એક વખત પરશુરામની જન્મદાત્રી દેવી રેણુકા નિત્યક્રમ અનુસાર સ્નાનાદીથી પરવારી પુષ્પો વગેરે લઈને આશ્રમ તરફ આવતા હતા ત્યારે જંગલમાં એક યુગલની પ્રણયક્રિડા જોઈને રેણુકાના મનમાં મોહમાયા ઉત્પન્ન થઈ, પરિણામે તેમની અસામાન્ય સિદ્ધિઓ ઉપર પાણી ફરી વળ્યું, આ આખીયે ઘટના જાણી જમદગ્નિ ઋષિ ભારે ક્રોધિત થયા અને પોતાના પુત્રોને રેણુકાના શિરચ્છેદની આજ્ઞા કરી.
ચારમાંથી એકેય દિકરો માતાની હત્યા માટે તૈયાર ન થતાં જમદગ્નિ ભારે ક્રોધિત થયા અને તેમના ક્રોધની આગથી ચારેય દિકરા ભસ્મીભુત થયા. માતા પ્રત્યે પરમ લાગણી હોવા છતાં પિતૃઆજ્ઞાને માન આપી પરશુરામે દેવી રેણુકાનો વધ કર્યો અને પોતાની જન્મદાત્રીનો વધ માત્ર પિતૃઆજ્ઞાને કારણે કરવો પડયો હોવાથી પરશુરામ અત્યંત દુ:ખમાં સરી પડયા, ત્યારે પિતા જમદગ્નિ તેમને કોઈ વરદાન માંગવા કહે છે ત્યારે પરશુરામ માતા સહિત પોતાના ચારેય માતૃઓને નવજીવન આપવા પિતાને પ્રાર્થના કરે છે અને પિતા જમદગ્નિ પ્રસન્ન થઈને માતા રેણુકા અને ચારેય ભાઈઓને સજીવન કરે છે. આમ ભગવાન પરશુરામની માતૃભકિત અને માતૃપ્રેમ બેજોડ હતો.
પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું હતું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી ત્યારથી તેનું નામ પરશુ પડયું હતું. શિવપુરાણ, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો તેમજ વિવિધ ધાર્મિક ગ્રંથોમાં પણ ભગવાન પરશુરામનો ઉલ્લેખ જોવા મળે છે. રામાયણમાં સીતા સ્વયંવર વખતે ભગવાન પાશુપતનું ધનુષ્ય ભંગ કરવાનો પ્રસંગ હોય કે મહાભારતમાં કાશી નરેશની પુત્રીઓના સ્વયંવરમાંથી ભીષ્મ દ્વારા રાજકુમારીઓના હરણની ઘટના હોય ત્યારે પરશુરામે એક વીર પુરુષ તરીકેની ભૂમિકા ભજવી છે. મહાભારત કાળમાં પણ ભગવાન પરશુરામ એ ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા મહારથીઓના વંદનીય ગુરૂ હતા. આમ ભગવાન પરશુરામએ ચીરંજીવ, શોર્યતા અને જ્ઞાનનું પ્રતિક છે અને અજર-અમર છે.
અગ્નિપુરાણમાં દર્શાવ્યા અનુસાર પરશુરામે મહેન્દ્ર પર્વત ઉપર વસવાટ કર્યો હતો. પરશુરામે સમુદ્રને ભેદીને જમીન વિસ્તાર ઉભો કર્યો હતો જે કોંકણ તરીકે આજેય પ્રખ્યાત છે. આમ પરશુરામનો જન્મ અનેક રહસ્યોથી ભરપુર છે અને દેવતાઓ માટે પડકારરૂપ છે. ભારતીય સમાજ ભગવાન પરશુરામને શોર્યના પ્રતિક તરીકે યાદ કરીને અખાત્રીજના રોજ પરંપરાગત પરશુરામ જયંતી ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવે છે. પરશુરામ બ્રહ્મતેજને એક અલગ પ્રકારે ક્ષાત્રતેજ સાથે સંમિલિત કરી વિશિષ્ટ ઓળખ બક્ષનારા મહાપુરુષ તરીકે ઈતિહાસમાં જગવિખ્યાત છે. આમ ભગવાન પરશુરામની જન્મ જયંતિએ સૌ તન, મન, બુદ્ધિ અને અહંકારનું શુદ્ધિકરણ કરીને ભગવાનને પામીએ, જય જય શ્રી પરશુરામ.