છઠ્ઠા દિવસે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહના માંગલિક પ્રસંગે સમીયાણુ ભકતજનોથી ખીચોખીચ: સંતો-મહંતોના કરાયા સન્માન: આજે કથાનો સાતમો દિવસ: સાંજે ૫:૩૦ કલાકે થશે પૂર્ણાહુતિ: ભાવિકોને અંતિમ દિવસનો લાભ લેવા નરેન્દ્રબાપુનો અનુરોધ: કોઈપણ પ્રકારના દાન-ભેટ સ્વિકાર્યા વગરની કથા બની જશે રાજકોટવાસીઓ માટે યાદગાર
માનવ સમાજના અઢારે વર્ણના સર્વે પરિવારના દિવંગત સ્વજનોના મોક્ષાર્થે અને સર્વેનું કલ્યાણ થાય એવી શુભ ભાવના સાથે આપા ગીગાના ઓટલાના પૂ.નરેન્દ્રબાપુ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે ૩ થી સાંજે ૬:૩૦ દરમ્યાન દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ કથાકાર સાધ્વી પૂ.ગીતાદીદી ભાગવત કથાનું પ્રેરક રસપાન કરાવી રહ્યા છે. હજારો શ્રોતાઓ કથાશ્રવણ અને સાંજે ભોજન મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે.આજે કથાનો સાતમો દિવસ, આજે બુધવારે સાંજે ૫:૩૦ વાગ્યે કથાનું સુચારુ સમાપન-પૂર્ણાહુતિ થશે. આ યાદગાર કથા રાજકોટનું સંભારણું બની રહેશે. ગઈકાલે કથાયાત્રાના છઠ્ઠા દિવસે કથામંડપના વિશાળ શ્રોતા સમુદાય સમક્ષ વ્યાસપીઠેથી પૂ.ગીતાદીદીએ કહ્યું કે, ભાગવત કથા માનવીને મુકિત અપાવે છે. આ કથા જે ગાય છે, સાંભળે છે તે ભવસાગર તરી જાય છે. કૃષ્ણનું ગોકુલ છોડીને વૃંદાવનમાં આગમન થાય છે. તેના મધુર બાંસુરીવાદને અનેકને ઘેલા કર્યા. કૃષ્ણના આવ્યા પછી વૃંદાવનની શોભા વધી. વ્રજમાં ઈન્દ્રની પૂજા નહીં. ગીરીરાજની પૂજા કરો, પ્રકૃતિની પુજા કરો, આ પૂજાથી ઈન્દ્રને ઈર્ષા થઈ, વ્રજમાં અનરાધાર વરસાદ થયો, ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ ગિરીરાજ પર્વતને ઉંચકીને વ્રજવાસીઓ, ઢોર વગેરે જીવોનું રક્ષણ કર્યું. સાત દિવસ સુધી સૌ ગિરીરાજની નીચે બેઠા ઈન્દ્રને ખબર પડી અને કૃષ્ણની માફી માંગી ત્યારથી ગોવર્ધન પૂજા, પરિક્રમાને કારણે વ્રજનો મહિમા વધ્યો છે.શ્રીકૃષ્ણની મધુરી વેણુ વ્રજનું આકર્ષણ હતું. ગોપીઓએ પ્રથમ વેણુનાદ સાંભળ્યો, પછી કૃષ્ણને જોયા અને કૃષ્ણ પ્રત્યે રાગ ઉત્પન્ન થયો એ રાગમાં જ સ્વાર્થ પ્રત્યે વૈરાગનું મૂળ હોય છે, પરંતુ આ રાગ અને વૈરાગ બંનેની જીવનમાં પ્રતિષ્ઠા કરવા માટે શકિત જોઈએ. એ શકિત પ્રાપ્ત કરવા ગોપીઓ કાત્યાયની દેવીની ઉપાસના કરે છે. ગોપીઓની પ્રેમ લક્ષણા ભકિતનું તત્વજ્ઞાન સમજાવતા દીદીએ કહ્યું, પરમાત્મા પ્રેમને આધિન છે. ગોપીઓ કહે તેમ કરે છે. ‘પ્રેમ સબ સે ઉંચી સગાઈ’ શુઘ્ધ પ્રેમ અંતરાયથી પર છે, અર્થાત પ્રેમ નાથ છે, દાસ પણ છે. કોઈ જાતના અંતરાયમાં પ્રેમ માનતો નથી. સાચો પ્રેમ તો દોષમાં પણ ગુણ જુએ છે. પ્રેમ પથ નિહાળો છે. શુઘ્ધ પ્રેમમાં અપેક્ષા નહીં સમર્પણ છે માટે જ પ્રેમ એ પ્રેમ છે. શુઘ્ધ પ્રેમમૂર્તિ ગોપીના પ્રેમનું શ્રીકૃષ્ણ પોતે દશ્ય બની જાય છે. આ છે કૃષ્ણ અને ગોપીની પરસ્પર પ્રેમ-પરાધીનતા, ભકિતમાર્ગમાં માત્ર આધિનતા છે.કથાયાત્રાના આગમનના ઉપક્રમમાં ભગવાનનું મથુરામાં ધનુષયજ્ઞમાં આગમન, હંસનો વધ, ઉગ્રસેનને મથુરાની રાજગાદી, ભગવાન કૃષ્ણનું દ્વારિકામાં આગમન, સોનાની દ્વારિકાનું નિર્માણ, ભાગવતના દશમ સ્કંધમાં ઉતરાર્ધે રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ છે. ભગવાન શ્રી કૃષ્ણાએ સ્વયંવરમાં શિશુપાલ અને તેના પક્ષપાતી શાલ્વ આદી નરપતિઓને બળપૂર્વક પરાજીત કરીને બધાની નજર સારે જ વિદર્ભ દેશની રાજકુમારી રૂક્ષ્મણિનું હરણ કર્યું અને તેની સાથે ભગવાને લગ્ન કર્યા. રૂક્ષ્મણીજી સ્વયં ભગવતી લક્ષ્મીજીનો અવતાર હતા. લગ્ન પહેલા કૃષ્ણને પાઠવેલ પ્રેમ સંદેશ વિશ્ર્વનો પ્રથમ પ્રેમપત્ર હતો.