કોંગ્રેસ પાસે વિકાસ નહીં પણ માત્ર વંશવાદ છે: ગુજરાત અને કચ્છ સાથે જાણે વેર વાળી રહ્યા હોય તેવું કામ કોંગ્રેસે કર્યું હતું: કચ્છમાં વિકાસ રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે સવારે તેઓએ કચ્છના ભુજ ખાતે લાલન કોલેજના ગ્રાઉન્ડમાં એક જંગી વિકાસ રેલીને સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કિચડ ઉછાળનારાઓનો પરાજય થશે અને કાદવમાં ફરી કમળ સોળે કલાએ ખીલી ઉઠશે. કોંગ્રેસ પાસે વિકાસ નહીં પણ માત્ર વંશવાદ જ છે.
ભુજના લાલન કોલેજના ગ્રાઉન્ડથી જંગી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છી ભાષાથી પોતાના ભાષણની શ‚આત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મેં જે-જે વચનો આપ્યા છે તે તમામ પુરા કરી રહ્યો છે. કચ્છ અને કચ્છી માણસો દુનિયાના નકશામાં છવાયેલા છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો છે. જેમાં સૌથી પ્રથમ બેઠક અબડાસાની છે જે કચ્છ માટે ગર્વ લેવા જેવી બાબત છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેઓએ વિપક્ષ પર આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, કિચડથી કમળની તાકાત સતત વધી રહી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરીણામ અંગે જે સર્વે કરવામાં આવ્યા છે તેમાં ભાજપને ૧૪૦ બેઠકો મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ભાજપને આ વખતે રેકોર્ડબ્રેક ૧૫૧ બેઠકો મળશે તેવો વિશ્વાસ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વ્યકત કર્યો હતો.
તેઓએ ઉમેર્યું હતું કે, દેશમાં એક તરફ વિકાસનો વિશ્ર્વાસ ઉભો થયો છે તો બીજી તરફ વંશવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસે કચ્છને ખૂબ જ પાછળ ધકેલી દીધું હતું. ગુજરાત અને કચ્છ સાથે જાણે વેર વાળતું હોય તે રીતની કામગીરી કોંગ્રેસે કરી હતી. જેના કારણે સ્થિતિ સતત બગડતી હતી. કચ્છમાં કોઈને નોકરી મળે તો જાણે કાળા પાણીની સજા મળી હોય તેવું માનવામાં આવતું હતું પરંતુ ૨૦૦૧ના ભુકંપ બાદ બીજેપી સરકારે કચ્છની સ્થિતિ સુધારી દીધી છે. હાલ જેના પર કોઈ ડાઘ નથી તેના પર કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે. જે કોઈને મંજુર નથી. જુના કચ્છ અને ભુકંપ પછીના નવા કચ્છની સરખામણી કરવામાં આવે તો એક વાત સાબિત થઈ જાય છે કે અમે રણમાંથી પણ રૂપિયા પેદા કરતા લોકોને શીખવી દીધું છે. કચ્છ ટુરીઝમ, હેન્ડીક્રાફટ અને રણોત્સવે વિકાસમાં ચારચાંદ લગાવી દીધા છે. આજે બીજા રાજયના લોકો રોજીરોટી રળવા માટે કચ્છ આવી રહ્યા છે. જે લોકો પરીવારથી આગળ કશું જોતા નથી તે દેશનું શું ભલે કરશે ? તેઓ સવાલ પણ વડાપ્રધાને ઉઠાવ્યો હતો. સાથોસાથ ઉમેર્યું હતું કે, જયારે પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝને જેલમાંથી મુકત કર્યો ત્યારે કોંગ્રેસના નેતાઓએ તાલીઓ પાડી હતી. ડોકલામ વિવાદમાં રાહુલ ગાંધીએ ચીની રાજદુતને ગળે લગાડયા હતા. તેઓએ કચ્છને રો-રો ફેરી આપવાની પણ વાત દોહરાવી હતી.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસ એ જ અમારો મુળ મંત્ર છે અને વિકાસના માર્ગ પર જ અમે આગળ વધવાની નેમ સાથે કામ કરી રહ્યા છીએ. ભ્રષ્ટાચારને દેશ વટો આપવો તે અમારુ મુળ લક્ષ્યાંક છે. દેશમાં વિનાશ કરવાવાળા તત્વોને કયારેય પ્રવેશવા નહીં દઈએ. કોંગ્રેસ પાસે વિકાસની કોઈ દિશા જ નથી માત્ર વંશવાદ છે ત્યારે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ તોતીંગ બહુમતી સાથે વિજય બનશે તેઓ વિશ્વાસ તેઓએ વ્યકત કર્યો હતો. સાથો સાથ જણાવ્યું હતું કે, કિચડ ઉછાળનારાઓ હારશે અને કિચડમાં કમળ ખીલશે. ગુજરાતમાં ભાજપને ૧૫૦ થી વધુ બેઠકો મળવાનો આશાવદ પણ તેઓએ વ્યકત કર્યો હતો.
આજથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના શ્રીગણેશ કરી દીધા હતા. આજે તેઓ અલગ-અલગ ત્રણ સ્થળે સભા સંબોધશ અને ફરી બુધવારે તેઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. ભુજમાં વડાપ્રધાનની સભામાં માનવ મહેરામણ ઉમટી પડયો હોય તેવું વાતવરણ જોવા મળ્યું હતું.