ગુરૂદેવ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના માલિક પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાર: ગોંડલના મેતા ખંભાળિયા ગામે મંદિરમાં રૂ.૫૫ હજારની લૂંટ
રાજકોટ જિલ્લા કોટડા સાંગાણી નજીક આવેલ કરમાળ પીપળીયા ગામની ગુરૂદેવા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામે લૂંટારા ત્રાટકી રૂ.૧.૪૫ લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાકાબંધી કરાવી લૂંટનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. બન્ને લૂંટમાં ચાર શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા બન્ને લૂંટમાં એક જ ગેંગ દ્વારા લૂંટ ચલાવવામાં આવ્યાની શંકા સાથે લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત હાથ ધરી છે. કોટડા સાંગાણી કરમાળ પીપળીયા ગામે રહેતા ભરતભાઈ પાંચાભાઈ પડાળીયા નામના ૪૫ વર્ષીય પટેલ પ્રૌઢ પર ચાર શખ્સોએ લૂંટ ચલાવ્યાની કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભરતભાઈ પટેલ પોતાની ગુરૂદેવા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીએ ગત રાત્રે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ દરવાજો ખટખટાવી ખોલવા કહ્યું હતું પરંતુ પરિસ્થિતિ જાણી ભરતભાઈ પટેલે દરવાજો ન ખોલી પોતાના સગા-સબંધીઓને ફોન કરી જાણ કરી હતી.
ભરતભાઈ પટેલના સગા-સબંધીઓ ગુરૂદેવા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચે તે પહેલા ચાર અજાણ્યા શખ્સોએ ત્રિકમ અને ડિસમીસથી દરવાજો તોડી ભરતભાઈ પટેલ પર લાકડીથી હુમલો કર્યા બાદ ઓફિસના ટેબલના ખાનામાં રહેલ રૂ.૯૦ હજારની રોકડની લૂંટ ચલાવી માલ-સામાન વેરવિખેર કરી ચારેય લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.
ત્યારે ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામની વાડીમાં ગોધાણી દાદાના મંદિરે લૂંટારા ત્રાટકયા હતા. મંદિરે સેવાપૂજા કરતા મેતા ખંભાળિયા ગામના જાદવભાઈ મગાભાઈ પરમાર નામના ૮૦ વર્ષના કોળી વૃદ્ધ પર હુમલો કરી છરી બતાવી ખાટલા સાથે વૃદ્ધને બાંધી રૂ.૧૦ હજારની કિંમતના ચાંદીના ત્રણ મુંગટ, ૧૬ હજાર રોકડા અને સોનાનો હાર મળી રૂ.૫૫૫૦૦ની મતાની લૂંટ ચલાવી ચારેય શખ્સો ફરાર થયાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ મીઠાપરા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
કરમાળ પીપળીયાની ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ અને મેતા ખંભાળિયા ગામે મંદિરમાં થયેલી લૂંટમાં ચાર શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા બન્ને લૂંટમાં એક જ ગેંગ દ્વારા લૂંટ ચલાવવામાં આવ્યાની શંકા સાથે તપાસ હાથ ધરી છે.