લારીવાળા વેપારીને નિશાન બનાવી લુંટની મોડસ ઓપરેન્ટી: ત્રણ બાઈક, ત્રણ મોબાઈલ અને રોકડા મળી
રૂ.૧.૧૯ લાખનો મુદામાલ કબજે: ક્રાઈમ બ્રાંચ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલ્યો
શહેરમાં આર્થિક ગુનાઓને અંજામ આપતી ગેંગને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચના ચુનદા ટીમ દ્વારા રૈયા રોડ પર આવેલા આલાપગ્રીન સિટી સામે ખુલ્લા પ્લોટ ખાતેથી શહેરમાં ત્રણ લુંટ અને ત્રણ બાઈક ઉઠાવતી ગેંગનો મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી ત્રણ બાઈક અને ત્રણ મોબાઈલ મળી રૂ.૧.૧૯ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ટી.ગઢવી અને એ.એસ.સોનારા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રૈયા રોડ આલાપ ગ્રીન સિટી સામે ખુલ્લા પ્લોટમાં શંકાસ્પદ શખ્સો હોવાની હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ, કોનસ્ટેબલ ઘનશ્યામસિંહ અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે વોંચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં જણાતા શખ્સોની તલાશી લેતા તેના કબજામાંથી છરી, ત્રણ મોબાઈલ, ચાંદીનુ કડુ અને રોકડા રૂ.૧૦ હજાર લુંટ કર્યાની અને બાઈક ચોર્યાની કબુલાત આપી હતી.
ઝડપાયેલા શખ્સ રૈયાધારના રોહિત જીવન પરમાર, ધવલ કિશોર પતરીયા અને નિતેશ દિલીપ ગોહેલ હોવાનું જણાવતા તેઓની આકરી સરભરા કરતા તેણે ગોંડલ રોડ પરના રામનગર રિક્ષાવાળાને છરીની અણીની મોબાઈલ અને રોકડાની, યુનિ.રોડ પર શાકભાજીની રેકડીવાળાની છરીની અણીએ મોબાઈલ, રોકડા અને ચાંદીના કડાની અને જલારામ ચોક નજીક પટેલવાડી પાસે રેંકડીવાળાને છરી બતાવી રોકડ અને મોબાઈલની લુંટ ચલાવ્યાની તેમજ ગ્રીનલેન્ડ ચોકડી, આજી જીઆઈડીસી અને ભકિતનગર સર્કલ પાસેથી ત્રણ બાઈક ચોર્યાની કબુલાત આપી હતી.
જયારે ઝડપાયેલા રોહિત પરમાર મુખ્ય સુત્રધાર છે તે અગાઉ મારામારી અને વાહન ચોરીમાં અને નિતેશ દિલીપ ગોહેલ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. તસ્કર ગેંગને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચના સ્ટાફે નવ ટીમ બનાવી હતી અને ઝડપાયેલી ત્રિપુટી લારીવાળા વેપારીને નિશાન બનાવી લુંટને અંજામ આપતા હતા તેમજ તેની સાથે કોણ-કોણ સંડોવાયેલા છે કે કેમ તેમજ અન્ય કોઈ ગુના આચરેલ છે તે મુદ્દે વધુ તપાસ હાથધરી છે.