ફિલ્મોના પાત્રોની અસર યુવા માણસ પર લાંબા સમય સુધી રહેતી હોય છે.સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો એવી વર્તણૂક અપનાવવાનું વલણ ધરાવે છે કે જેના સંપર્કમાં વારંવાર આવે છે. જો કોઈ વ્યક્તિ આક્રમક વાતાવરણના સંપર્કમાં આવે છે, તો તે તેમના માટે રોજિંદા વર્તનમાં આક્રમકતાને વધારવા માટે જવાબદાર છે. આપણે જે જોઈએ છીએ તેની પણ ક્યાંક અસર થાય છે. જે ફિલ્મો અથવા વેબ સિરીઝ જોઈએ જે હિંસક પ્રકૃતિની હોય તો તે તમારા મન પર પણ અસર કરી શકે છે. જ્યારે આપણે ફિલ્મો જોઈએ છીએ ત્યારે ફિલ્મોમાં સામાન્ય રીતે કેટલાક હિંસક દ્રશ્યો હોય છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો.ધારા આર. દોશીના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ હિંસક મુવી જોઈને જેમાં આક્રમકતા અને મારામારીનું પ્રમાણ વધુ હોય તેવા પિક્ચરો જોઈને અનુભવાતી માનસિકતા વિશે જાણવાનો પ્રયાસ કરી 630 લોકો પર સર્વે કરાયો
આ હિંસક દ્રશ્યો વ્યક્તિના ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસને સીધી અસર કરે છે. આ અસર દરેકને વતા ઓછા પ્રમાણમાં થઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ મૂવીમાં હિંસક દ્રશ્ય જુએ છે ત્યારે શરીર તણાવ અને ડર-સંબંધિત હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે, જેમ કે એડ્રેનાલિન અને કોર્ટિસોલ. આનાથી આક્રમક વર્તન અને ભાવનાત્મક તકલીફમાં વધારો થાય છે. તે ઉપરાંત હિંસક ફિલ્મો વ્યક્તિના વર્તનમાં સહાનુભૂતિના સ્તરમાં ઘટાડો તરફ દોરી જાય છે.
આ સર્વે કરવા પાછળનો હેતુ જ એ રહ્યો છે કે રીતે હિંસક ફિલ્મો દર્શકોના મન પર નકારાત્મક અસર કરે છે અને જો તે આપણને અસર કરે તો તેને દૂર કરવા માટે આપણે કઈ ટીપ્સને અનુસરી શકીએ. ખાસ આ સર્વે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ કર્યો હતો. હિંસક મુવી જોઈને જેમાં આક્રમકતા અને મારામારીનું પ્રમાણ વધુ હોય તેવા પિક્ચરો જોઈને અનુભવાતી માનસિકતા વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 630 લોકો પાસે માહિતી લેવામાં આવી.
શું ફિલ્મો જોવાથી તણાવ ઓછો થાય છે?
એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે કોમેડીની મદદથી તણાવ કેવી રીતે ઘટાડી શકાય છે. ફેમિલી ફિલ્મ કે કોમેડી ફિલ્મ જોઈ રહ્યા હોવ તો તણાવમુક્ત રહી શકાય છે. જ્યારે આપણે ખુશ હોઈએ , ત્યારે શરીરમાં એપિનેફ્રાઇન અને કોર્ટિસોલનું સ્તર ઘટે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.હોરર અથવા ક્રાઈમ ફિલ્મ જોયા પછી તણાવ અનુભવી શકાય. તેથી જ કેટલીક ફિલ્મોમાં હાઈ બ્લડપ્રેશર કે હૃદયના દર્દીઓ માટે ચેતવણીઓ પણ લખવામાં આવે છે. આના આધારે એમ કહેવું ખોટું નહીં કહેવાય કે ફિલ્મો જોવાથી એક તરફ તણાવ ઓછો થાય છે, તો બીજી તરફ તે તણાવનું સ્તર પણ વધારી શકે છે. કોમેડી ફિલ્મો લાફ્ટર થેરાપીથી ઓછી નથી.અમુક ફિલ્મો લાખો લોકો માટે પ્રેરણાદાયી સાબિત થાય છે. કેટલાક નવા ધ્યેય સિદ્ધ કરવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. ફિલ્મો જોવાથી મન શાંત અને હળવા રહે છે. જ્યારે મન શાંત રહે છે, ત્યારે એકાગ્રતા વધે છે. એનિમેટેડ મૂવી જોવાથી મૂડ સારો રહે છે. એકંદરે, કહી શકીએ કે ફિલ્મો કેવા પ્રકારની છે તેની અસર અલગ અલગ ઉંમરના લોકો પર ક્યાંક અલગ અલગ થાય છે.
હિંસક ફિલ્મોની માનસિક સ્વાસ્થ્ય પર વતા ઓછા નકારાત્મક અસર જોવા મળી છે
આક્રમક વર્તનમાં વધારો: સંશોધન દર્શાવે છે કે હિંસક ફિલ્મો વ્યક્તિના મન પર તેમની ઉંમરને ધ્યાનમાં લીધા વિના અમુક પ્રકારની નકારાત્મક અસર કરે છે. વ્યક્તિ પુખ્ત હોય કે બાળકો હોય તો તે તેને અલગ અલગ રીતે માનસિક રીતે અસર કરે છે. આ અસર કિશોરો અને બાળકોમાં વધુ સ્પષ્ટ જોવા મળે છે કારણ કે તેમની આ ઉંમરમાં તેઓ તેમની નૈતિકતા અને મૂલ્યોના નિર્માણના તબક્કામાં હોય છે. તેથી, હિંસક ફિલ્મો તેમના વર્તનમાં હિંસા જગાવી મગજ પર નકારાત્મક અસર કરે છે.
ચિંતા સ્તરમાં વધારો: જો કોઈ વ્યક્તિ આક્રમક દ્રશ્યો અથવા ક્લિપ્સ જુએ છે, તો તે ચોક્કસ હોર્મોન્સ છોડવાનું વલણ ધરાવે છે જે વ્યક્તિના શરીરમાં ભય અને તણાવને વધારે છે અને તણાવ સ્તરમાં વધારો કરે છે. આજુબાજુની દુનિયાથી વધુ બેચેન અને ડરનો અનુભવ પણ કરી શકે છે અને આખરે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓથી પણ દૂર રહે છે. બાળકો માટે વધુ હાનિકારક છે કારણ કે તેઓ વાસ્તવિક દુનિયા અને કાલ્પનિક દુનિયા વચ્ચેનો ભેદ પારખવામાં અસમર્થ હોય છે.
*હિંસા પ્રત્યે અસંવેદનશીલતા: હિંસક ફિલ્મો જોવાની સૌથી વધુ ચર્ચા થતી મનોવૈજ્ઞાનિક અસરોમાંની એક ડિસેન્સિટાઇઝેશન છે. હિંસક ક્લિપ્સના વારંવાર સંપર્કમાં આવવાથી ભાવનાત્મક પ્રવૃત્તિ ઓછી થઈ શકે છે. રોજબરોજના હિંસક સમાચારો અને ઘટનાઓને પ્રતિભાવ આપવાનું શરૂ કરે છે. લોકો વધુ આક્રમક રીતે વિચારવાનું શરૂ કરે છે અને વિચારે છે કે આક્રમક વર્તન કરવું ખૂબ જ સામાન્ય છે.
*એકાગ્રતામાં ઘટાડો: હિંસા વાસ્તવિક જીવનમાં હોય કે ફિલ્મોમાં હોય તે વ્યક્તિના જીવનમાં બેચેની પેદા કરે છે અને આ બેચેની વ્યક્તિની એકાગ્રતામાં અવરોધ ઊભો કરે છે. હિંસક ફિલ્મ જોવા દરમિયાન બહાર આવતા હોર્મોન્સ મગજ પર અસર કરે છે અને વ્યક્તિને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં રોકે છે. આ નકારાત્મક પરિણામો વ્યક્તિઓને યોગ્ય રીતે કાર્યો કરવાથી અટકાવે છે.
*અનુકરણ: કોપિકેટ ઇફેક્ટ એ લોકો માટે મૂવી દ્રશ્યોની વધુ વારંવાર નકલ કરવાનો પ્રયાસ કરવાની વૃત્તિનો સંદર્ભ આપે છે. આ કોપીકેટ અસરને લીધે, તેઓ પોતાને અને આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે.
-:: સર્વેના તારણો ::-
- 70% યુવાનોને હિંસક કે તેના જેવા અન્ય પિક્ચરો જોઈને તેની અસર મગજમાં રહે છે તે સ્વીકાર્યું.
- 67% યુવાનોએ જણાવ્યું કે આવું વર્તનનું અનુકરણ કરવું પસંદ છે.
- 89% પુખ્ત લોકોએ જણાવ્યું કે આવા હિંસક મુવી બાળકોમાં હિંસક વર્તનમાં વધારો કરે છે.
- 55% યુવાનોએ જણાવ્યું કે હિંસક મુવી જોઈને નીકળીએ ત્યારે કોઈ સાથે ઝઘડો થતા ગુસ્સો વધુ આવે
- 66% પુખ્ત લોકોએ જણાવ્યું કે હિંસક અને દ્વિઅર્થી વાક્યો બોલાતા હોય તેવા દ્રશ્યો કુટુંબ સાથે બેસીને જોઈ શકાય તેવા હોતા નથી.
- 78% પુખ્ત લોકોએ જણાવ્યું કે આવા પિક્ચરો ગુનામાં પણ વધારો કરે છે.