ત્રણેય ઝોન કચેરીમાં સવારથી અરજદારો ઉમટ્યાં: માર્ચ માસમાં આધાર કાર્ડમાં સુધારા-વધારા માટેની 10,500થી વધુ અરજીઓ
આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની મુદ્ત આગામી 31મી માર્ચે પૂર્ણ થઇ રહી છે ત્યારે આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે કોર્પોરેશનની ઝોન કચેરીઓમાં રોજ અરજદારોની લાંબી કતારો લાગી રહી છે. તંત્રની રિતસર કસોટી થઇ રહી છે. કચેરી ખૂલ્લે તે પહેલા જ અરજદારો લાઇનો લગાવી દેતા હોવાના કારણે ભારે હાલાકી સર્જાઇ જાય છે. માર્ચ માસમાં 10,500થી વધુ અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અપૂરતા દસ્તાવેજી પૂરાવા હોવાના કારણે કેટલાંક અરજદારોએ મુશ્કેલી વેઠવી પડે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની મુદ્ત 31મી માર્ચ સુધી નક્કી કરી છે. મહિનાની શરૂઆતથી આધાર કાર્ડમાં સુધારો-વધારો કરાવવા માટે લોકોની લાઇનો લાગે છે. છેલ્લા ત્રણેક દિવસથી ધસારો વધી ગયો છે. અગાઉ રોજ 200 થી 250 અરજીઓનો નિકાલ ત્રણેય ઝોન કચેરી ખાતે કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી 400 થી 500 અરજીઓ આવે છે. જે પૈકી 100થી વધુ અરજીઓ એવી હોય છે કે જેમાં જરૂરી સુધારા-વધારા માટે અરજદારો પાસે પર્યાપ્ત માત્રામાં દસ્તાવેજી પૂરાવા હોતા નથી. હાલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન ખાતે આધાર કાર્ડની કામગીરી માટે 14 કીટ રાખવામાં આવી છે.
આજે સવારે કચેરી ખૂલવાના બે કલાક અગાઉ જ અરજદારોએ ઝોન કચેરી ખાતે લાંબી લાઇનો લગાવી દીધી હતી. કોઇ અનિચ્છનીય બનાવ અને કોઇ માથાકૂટ ન સર્જાય તે માટે ટોકન સિસ્ટમ અમલી બનાવવામાં આવી હતી અને દરેક અરજદારને એક ફિક્સ સમય આપી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેને લાઇનમાં બેસી રહેવું ન પડે અને તેના અગત્યના કોઇ કામ અટકે નહિં. ઓપરેટરો દ્વારા પણ અરજદારોને પૂરતો સહયોગ કરવામાં આવી રહ્યો છે. સમય પહેલા કચેરી ખોલી નાંખવામાં આવે છે અને સાંજે મોડે સુધી આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવે છે.