વધુ મતદાન ભાજપની બેઠકો વધારી દેશે??
મોર્નિંગ વોકમાં નિકળેલા, ઓફિસ કે દુકાને જતા પહેલા મતદાન કરવાની પવિત્ર ફરજ નિભાવતા મતદારો
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 સહિત કુલ 89 બેઠકો પર આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે આઠ કલાકથી શરૂ થયુ હતું. દરમિયાન રાજકોટના અનેક બૂથ પર મતદાન શરૂ થયાના અડધો કલાક અગાઉ જ મતદારોની લાંબી લાઇનો લાગી જવા પામી હતી.
મતદારોમાં ગુજરાતમાં સત્તાના પૂનરાવર્તન માટેની લહેર છે કે પરિવર્તન માટેની તે અંગે પણ રાજકીય પંડિતોમાં ચર્ચા થવા માંડી હતી. છેલ્લા ઘણા સમયથી મતદાન માટે લોકોમાં સારી એવી જાગૃત્તિ જોવા મળી રહી છે. જે લોકશાહી માટે ખૂબ જ સારા સંકેતો છે. આજે સવારે 8 કલાકે મતદાન વિધિવત રિતે શરૂ થાય તે પૂર્વ મતદાન કેન્દ્રોની બહાર લાઇનો લાગી જવા પામી હતી. ગુલાબી ઠંડીમાં પણ લોકોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોર્નિંગ વોકમાં નિકળેલા લોકોએ ઘેર પરત ફરતા પૂર્વ મતદાનની ફરજ અદા કરી હતી. આ ઉપરાંત ઓફિસે જતા પહેલા અને દુકાનો ખોલતા પહેલા લોકોએ મત આપવાનું નક્કી કરી લીધું હોય તેમ સવારથી લોકો મતદાન બૂથની બહાર ગોઠવાઇ ગયા હતા.
વહેલી સવારે ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફ દ્વારા મોક વોટીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ સવારે 8 વાગ્યાથી વિધિવત મતદાનનો આરંભ કરવામાં આવ્યો હતો. અનેક બૂથ પર મતદાન શરૂ થવાના અડધો કલાક પૂર્વ મતદારોની કતારો લાગી જવા પામી હતી.
રાજકોટના રેલનગર સંતોષીનગરમાં સવારે 7:45 વાગ્યાથી મતદાતાઓની કતાર લાગી હતી. મતદાન મથકના દરવાજા ખૂલેએ પહેલાં 150 થી 200 મતદારો પવિત્ર ફરજ નિભાવવા આવી પહોંચ્યા હતા.
માલધારી સમાજના યુવાનોએ આજે પરંપરાગત વસ્ત્રો ધારણ કરી માથે રંગબેરંગી પાઘડી પહેરીને પશુધનને સાથે રાખીને મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આજે લોકશાહીના મહાપર્વમાં વિવિધતામાં એકતાના અનેક રંગો જોવા મળ્યા હતા સવારથી સૌરાષ્ટ્રવાસીઓ ઉમળકાભેર મતદાન કર્યુ હતુ.
સનાતન ધર્મના રખોપા કરતા સંતોએ આજે લોકશાહીને પણ મજબુત કરવા માટેની ફરજ પણ નિભાવી હતી. સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોએ આજે વહેલી સવારે પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાથો સાથ તેઓએ સમાજના દરેક વર્ગોને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી.