જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ કહેવત ને પરિપૂર્ણ ચરિતાર્થ કરતા લાખો ગુજરાતીઓની વિદેશમાં પોતાની અનોખી છાપ છે. લંડનના હેરો વિસ્તારમાં હેડ સ્ટોન સ્કુલનાં ઓડીટોરીયમ હોલમાં ‘ભરતનાટ્યમ્ આરંગેત્રમ’ સમારંભ યોજાયો હતો.
મૂળવતન રંગપુર (અમરેલી)ના અને હાલ લંડનમાં સ્થાયી થયેલ એવા ભાવનાબેન અને સુરેશભાઇ બાબરીયાની લાડકી દીકરી કુ. નીમાએ સર્જન નર્તન એકેડેમી દ્રારા લંડનમાં જ ભરતનાટ્યમની તાલીમ પૂર્ણ કરી, જેનો આરંગેત્રમ્ (પદવીદાન) સમારંભ યોજાયેલ હતો.
સર્જન નર્તન એકેડમીના નેહા પટેલ હાલ લંડન ખાતે ભારતિય સંસ્કૃતિનું પોષણ કરતા નૃત્યો, ભરતનાટયમ્ વગેરેની તાલીમ આપે છે. જેમની સાથે કુ. નીમા બાબરીયા નાનપણ થી જોડાયેલ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, તેમજ હેરો કાઉન્સીલ કે લંડન એસેમ્બલી દ્રારા થતા વખતો વખતના આયોજનોમાં નીમાએ નાનપણથી પોતાની કળાનું પ્રદર્શન કરીને વિવિધ પારિતોષિક પણ મેળવ્યા છે.
યોજાયેલ આ ભવ્ય પ્રસંગમાં ભારતીય વિદ્યાભવનના ડાયરેક્ટર ડો. એમ એમ નંદકુમાર, હિન્દુ ફોરમ બ્રિટનના શ્રી તૃપ્તિબેન પટેલ, હેરો કાઉન્સીલના મેયર રામજી ચૌહાણ, અંબીકા થેમાથરમ – ડાયરેકટર ભરતનાટ્યમ્ એકેડેમી, શશિકાંતભાઈ વેકરીયા – વાસક્રોફ્ટ ફાઉન્ડેશન, શામજીભાઇ ડબાસીયા – જયસામ ગૃપ ઓફ કંપનીઝ વગેરે અનેક આમંત્રિત મહેમાનો, કલાગુરુઓ, તેમજ મિત્ર વર્તુળ, સગા સબંધીઓ સાથે 600ઉપરાંત મહેમાનો નિમા બાબરીયાને આ પ્રસંગે ખાસ સત્કારવા અને શુભેચ્છા આપવા પધાર્યા હતા.