ફેબ્રુઆરી ૨૦૧૭માં ચકચારી આ કેસમાં આરોપીઓને ડીપોર્ટ કરવા જુનાગઢ જેલનું ચેકિંગ કરતા લંડનના અધિકારી
ગત ૨૦૧૭માં એનઆરઆઈ મહિલાએ વિમો પકાવવાના હેતુથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરી મોત નિપજાવવાના આરોપના પગલે ચકચારી બનેલ આ ઘટનાની તપાસ જુનાગઢ એલસીબી ચલાવી રહી હતી. બાદમાં એન.આર.આઈ મહિલા લંડન પોલીસના હવાલે કરાઈ હતી. ત્યારબાદ લંડન કોર્ટે જુનાગઢ એલસીબી પાસે આરોપીઓ વિરુઘ્ધના પુરાવાઓ તેમજ આરોપીઓને ડિપોર્ટ કરવા માટે જુનાગઢ જેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
આ અંગે આધારભુત સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જુનાગઢ જીલ્લામાં ગત ફેબ્રુઆરી ૨૦૧૭માં માણેકવાડા પાસેથી એક બાળકના અપહરણ કરી તેની હત્યા કરી દેવાઈ હતી. આ બનાવમાં બાળકને દતક લેનાર લંડન રહેતી એન.આર.આઈ મહિલા સામે ગુનો નોંધાયા બાદ લંડન પોલીસને હવાલે કરી દેવાઈ હતી. લંડન કોર્ટે તેની સામેના પુરાવા ભારતની પોલીસ પાસે માંગ્યા હતા. જે જુનાગઢ એલસીબીએ દિલ્હી સ્થિત હાઈકમિશન મારફત લંડન કોર્ટને મોકલી આપ્યા હતા. ૮ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે રાત્રે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કેશોદના માણેકવાડાથી ૧ કિમી આગળ રોડ સાઈડે ઉભેલી કારમાં બેસેલા ગોપાલ ગોવિંદભાઈ સેજાણી (ઉ.વ.૧૧) નામના બાળકના અપહરણનો પ્રયાસ કરાયો હતો. એ વખતે તેને બચાવવા બાળકના બનેવલી હરસુખભાઈ છગનભાઈ કરડાણીએ અપહરણકારો સાથે ઝપાઝપી કરી હતી. જેમાં અપહરણકારોએ તેને પણ છરી મારી દીધી હતી. બાદમાં ગોપાલનો પણ છરીના ઘા મારી નીચે ઉતારી દેવાયો હતો.
આ બનાવમાં હરસુખભાઈએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે થોડાજ દિવસમાં ગોપાલ અને બાદમાં હરસુખભાઈએ રાજકોટ ખાતે સારવારમાં દમ તોડી દીધો હતો. આથી બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં એલસીબીની તપાસમાં ગોપાલને દતક લેવાની કાર્યવાહી કરનાર એન.આર.આઈ. મહિલા આરતીધીર અને મુળ માળીયા હાટીનાના રહેવાસી કેવલજીતસિંહ રાયજાદા આરોપીઓ હોવાનું બહાર આવ્યું હતું. જુનાગઢ પોલીસે આરતી અને કેવલજીતને ભારત લાવવા વિદેશ વિભાગ મારફત કાર્યવાહી હાથધરી હતી.
આથી જુનાગઢ એલસીબીએ પુરાવા બ્રિટીશ હાઈકમિશનર મારફત લંડન મોકલી આપ્યા છે. જોકે તેઓને ભારત ડિપોર્ટ કરતા પહેલા જુનાગઢ જેલ ચેક કરવા માટ જેલ એકસપર્ટ જેન્સમેક માનુસને મોકલ્યા હતા. જે મુજબ તેઓએ જુનાગઢ જેલનું ગત મેં ૨૦૧૮ દરમ્યાન ચેકિંગ કર્યું હતું. જોકે તેમણે શું રીપોર્ટ આપ્યો હતો તેની વિગતો એલસીબીને સાંપડી નથી. જેલ એકસપર્ટ મેક માનુસ ગઈકાલે જુનાગઢ આવી પહોંચ્યા હતા. ગુજરાતના ઈન્ચાર્જ જેલ તેજપાલસીંગ બીસ્ત સાથે જુનાગઢ જેલનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ હજુ આગામી એક-બે દિવસ અહીં રોકાશે અને હજુ જેલનું નિરીક્ષણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.