છેલ્લા એક વર્ષથી આર.સી.બુક બનાવવાની વ્યવસ્થા સેન્ટ્રલાઈઝેશન થયા બાદ રાજયભરનાં લાખો વાહન ધારકો હેરાન-પરેશાન: આર.સી. બુક બનાવનાર કોન્ટ્રાકટ કંપનીના અખાડા
છેલ્લા કેટલાક સમય દરમિયાન રાજયના આરટીઓ (વાહન વ્યવહાર ખાતુ) દ્વારા આરસી બુકની કામગીરી સેન્ટ્રલાઈઝેશન કરવામાં આવી છે. એટલે કે હવે રાજયના દરેક જિલ્લાની વાહન ધારકોની આરસી બુક અમદાવાદ ખાતે જ બની અને જે તે ના ઘરે પોસ્ટ અને કુરીયર મારફતે પહોંચાડી દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, આ વ્યવસ્થામાં વ્યાપક ક્ષતિઓ હોવાની તેમજ જે તે વાહન ધારકને તેની આરસી બુક ખૂબજ વિલંબથી મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ અગાઉ રાજકોટ સહિત રાજયભરના દરેક જિલ્લામાં આરસી બુક ખુદ આરટીઓ તંત્ર જ બનાવતું હતું અને સ્થાનિક લેવલેથી દરેક વાહન ધારકને તેની આરસી બુક પ્રાપ્ત થઈ જતી હતી. જો કે છેલ્લા એકાદ વર્ષથી આરસી બુકની વ્યવસ્થા સેન્ટ્રલાઈઝેશન કરવામાં આવી છે. એટલે કે, રાજયભરના જિલ્લાઓના વાહન ધારકોની આરસી બુક અમદાવાદ ખાતે જ એક ખાસ સેન્ટર ઉભુ કરાયું છે ત્યાં બનાવવામાં આવે છે અને આ સેન્ટર મારફતે રાજયના જે તે જિલ્લાઓમાં વાહન ધારકોને તેના ઘરના એડ્રેસ ઉપર આરસી બુક પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એવી વિગતો સાંપડે છે કે, આરસી બુક બનાવવાનો આ કોન્ટ્રાકટ અમદાવાદની સીલ્વર ટચ નામની કંપનીને વાહન વ્યવહાર ખાતા દ્વારા આપવામાં આવેલ છે. આરસી બુકની સેન્ટ્રલાઈઝેશન વ્યવસ્થા થયા બાદ રાજકોટ સહિત રાજયભરના આરટીઓ તંત્ર દ્વારા જે તે વાહનોનો ડેટા સ્થાનિક લેવલે ઓનલાઈન જ અમદાવાદ જતો રહે છે. આ ડેટાના આધારે અમદાવાદ ખાતેના ખાસ સેન્ટર દ્વારા જે તે વાહન ધારકની આરસી બુક બનાવી અને પોસ્ટ તેમજ કુરીયર દ્વારા જે તે વાહન ધારકને તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે.
જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિત રાજયભરના વાહન ધારકોમાં એવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કે, અમદાવાદથી ડિસ્પેચ કરાયેલી આરસી બુક જે તે વાહન ધારકને ૨ થી ૪ માસના ભારે વિલંબ બાદ પ્રાપ્ત થાય છે. જેના કારણે વાહન ધારકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. એવી ફરિયાદો પણ જાણવા મળી છે કે, અમદાવાદ ખાતેથી મોકલાયેલી આરસી બુક જે તે એડ્રેસમાં ક્ષતિના કારણે ફરી પાછી અમદાવાદ પહોંચી જાય છે અને ત્યાંથી રાજકોટ સહિતના જે તે આરટીઓ તંત્રને વાહન ધારકોની આરસી બુક પહોંચાડી દેવાય છે. જો કે, સ્થાનિક આરટીઓ કચેરી ખાતે પણ સંબંધીત વાહન ધારકો પાસેથી આડી પ્રુફ સહિતના વિવિધ પુરાવાઓ માંગવામાં આવી અને વાહન ધારકોને તેની આરસી બુક માટે આરટીઓ કચેરી ખાતે ધકકા ખવડાવવામાં આવી રહ્યાં છે. જેના કારણે રાજકોટ સહિત રાજયભરના હજ્જારો વાહન ધારકોમાં ભારે દેકારા સાથે પરેશાની ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે.આર.સી.બુકના પ્રશ્ર્નોનો બને તેટલી ઝડપે નિકાલ લાવીશુઅત્યાર સુધીમાં રાજયમાં ૩૪ લાખથી વધુ બુકો લોકોના ઘરે પહોંચાડી દેવાઈ છે: સ્પે.ઓફીસર ઓન ડયુટી જે.એન.વાઘેલા
દરમિયાન આરસી બુક અંગેની ઉઠેલી આ લોક ફરિયાદો અંગે વાહન વ્યવહાર ખાતાના સ્પેશ્યલ ઓફિસર ઓન ડયુટી જે.એન.વાઘેલાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, આરસી બુક અંગે લોકોની ફરિયાદોનો બને તેટલી વધુ ઝડપે નિકાલ કરવામાં આવશે અને આવી ફરિયાદોનો હાલ નિકાલ પણ થઈ રહ્યો છે. લોકો આરસી બુક અંગે કોઈ તકલીફ ન પડે તે અમો સતત જોઈ રહ્યાં છીએ અને સંબંધીત એજન્સીને પણ સમયાંતરે સુચનાઓ આપવામાં આવે છે. વધુમાં વાઘેલાએ એવું પણ જણાવેલ છે કે, ખાસ કરીને વાહન ધારકના એડ્રેસમાં ભુલોના કારણે લોકોને વિલંબથી આરસી બુક પ્રાપ્ત થાય છે તે ખરી વાત છે. જો કે, રાજયના વાહન-વ્યવહાર ખાતા દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ૩૪ લાખ જેટલી આરસી બુકો લોકોના ઘરે પહોંચાડી દેવાય છે અને દૈનિક ૧૫ હજારથી વધુ આરસી બુકો ડિસ્પેચ કરવામાં આવી રહી છે.