મામલતદાર કચેરીમાં આવેલી ઈ-ધરા શાખાની કામગીરી નિયમોનુસાર થતી ન હોવાથી અરજદારોને હાલાકી પડતી હોવાની રાવ
ધોરાજી મામલતદાર કચેરીમાં ઈ-ધરા શાખામાં નિયમોનુસાર કામગીરી ન થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધોરાજી રેવન્યુ બાર એસોસીએશન દ્વારા આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું હતું કે, અરજદારોએ જે મુજબ અરજી આપેલ હોય તે મુજબની કાચી નોંધ કરવાને બદલે નોંધો છાપવામાં જાણી જોઈને ગંભીર ભુલો કરવામાં આવે છે ત્યારબાદ અરજદારો ૧૩૫-ડીની નોટીસ મળ્યેથી જે તે નોંધમાં ભુલ હોય તે નોંધ અંગે સુધારો કરવાની અરજી આપે તે ધ્યાને લેવામાં આવતી નથી. હકક પત્રકે કાચી નોંધ રહ્યા બાદ નિયત સમય મર્યાદામાં ૧૩૫-ડીની નોટીસ અરજદારોને રજી.એડીથી મોકલવામાં આવતી નથી.
અરજદારો તરફથી જે સરનામું આપેલ હોય ત્યાં નોટીસ ન મળે તો અન્ય સરનામું રજુ કરવાની અરજદારને જાણ કરવામાં આવતી નથી. અમુક અરજદારની અરજીઓની તાત્કાલિક કાચી નોંધ તૈયાર કરવામાં આવે છે ત્યારે અમુક અરજદારોની અરજીઓની કોઈ કારણોસર તાત્કાલિક કાચી નોંધ કરવામાં આવતી નથી. અરજદારોને રજીસ્ટર્ડ એડી.થી ૧૩૫-ડીની નોટિસ મોકલ્યા બાદ રજી.એડી.ની પહોંચ પરત ન આવે તો લાગતી વળગતી પોસ્ટ ઓફિસમાં જે તે પક્ષકારને નોટિસ બજી ગયાની ખરાઈ કરવામાં આવતી નથી.
મામલતદાર કચેરીએ જાહેર કચેરી છે, તેમાં ઈ-ધરા શાખામાં અંદર અરજદારોને કે તેઓના એડવોકેટોને રજુઆત કરવા માટે કે અરજી આપવા માટે પ્રવેશની મનાઈ ફરમાવવામાં આવેલ છે અને કચેરીના દરવાજા ઓફિસ સમય દરમ્યાન બંધ રાખવામાં આવે છે, જે ગેરકાયદેસર છે. વકીલો ઓફિસર ઓફ ધી કોર્ટની વ્યાખ્યામાં આવતા હોવા છતાં ઈ-ધરા શાખાના કર્મચારીઓ દ્વારા ઉઘ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે.