ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કેનાલ સફાઈ અને પાઇપલાઇન રીપેરીંગની કામગીરી સબબ રાજકોટને ત્રણ દિવસ નર્મદાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું હોય કોર્પોરેશન દ્વારા આજથી ત્રણ દિવસ શહેરના અલગ અલગ વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો હતો. દરમિયાન કોર્પોરેશનની રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નર્મદાના પાણીનો આંશિક ફ્લો ચાલુ રાખવામાં આવતા આજે બપોરે કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે શહેરના સાત વોર્ડ પૈકી પાંચ વોર્ડમાં પાણીકાપ રદ કરવામાં આવ્યો છે.વોર્ડ નંબર 9 અને 10 માં પાણી હવે ત્રણ બંધ રહેશે.

જીડબલ્યુઆઈએલ દ્વારા નર્મદાનું પાણી આપવાની બાહેંધરી અપાતા વોર્ડ નં. 7, 12, 14, 17 અને 18માં પાણી કાપ રદ કરવાની કોર્પોરેશનની જાહેરાત

કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી ત્રણ દિવસ શહેરના અલગ અલગ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન જીડબલ્યુઆઈએલ દ્વારા નર્મદાના નિરનો આંશિક ફ્લો ચાલુ રાખવામાં આવતા આવતીકાલે મંગળવારે જે સાત વોર્ડમાં પાણીકાપ લાદવામાં આવ્યો હતો તે પૈકી પાંચ વોર્ડમાંથી પાણીકાપ ઉઠાવી લેવામાં આવ્યો છે. રૈયાધાર પંપિંગ સ્ટેશન આધારિત 150 ફૂટ રીંગ રોડ પરના વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 10 ના વિસ્તારોમાં કાલે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

ગુરુકુળ આધારિત ઢેબર રોડ સાઈડના અને જિલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળના વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 17 માં, તિરુપતિ હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નંબર 18 અને વાવડી હેડ વર્ક આધારિત વોર્ડ નંબર 12 ના વિસ્તારોમાં મંગળવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. દરમિયાન આ વોર્ડમાં આવતીકાલે સમયસર પાણી આપવામાં આવશે. જ્યારે રૈયાધાર પંપિંગ સ્ટેશન હેઠળના 150 ફૂટ રીંગ રોડ પરના વોર્ડ નંબર 9 અને 10માં પાણી કાપ યથાવત રાખવામાં આવ્યો છે. આજે પણ અનેક  વિસ્તારોમાં પાણી વિતરણ બંધ છે.આવતીકાલે સાત પૈકી પાંચ વોર્ડનો પાણી કાપ રદ કરવામાં આવ્યો છે. જ્યારે બુધવારનો પાણી કાપ હાલ યથાવત રાખવામાં આવ્યો છે.જો આવતીકાલે રાજકોટને જરૂરિયાત મુજબનું નર્મદાનું નીર મળી રહેશે તો બુધવારના પાણી કાપવા પણ રાહત આપવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

ભર શિયાળામાં  કોર્પોરેશન દ્વારા પાણીકાપ ઝીંકવામાં આવતા શહેરીજનોમાં ભારે દેકારો બોલી ગયો હતો. દરમિયાન કોર્પોરેશનની રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નર્મદાનું પાણી આંશિક ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવતા હાલ પૂરતો આવતીકાલનો પાણી કાપ ઉઠાવી લેવામાં આવ્યો છે. જો કે સાત પૈકી પાંચ વોર્ડમાં પાણીકાપ રદ કરાયો છે અને બે વોર્ડમાં વિતરણ બંધ રાખવા માં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે રેલનગર પંપીંગ સ્ટેશન આધારિત વોર્ડ નંબર 3, બજરંગવાડી પંપિંગ સ્ટેશન આધારિત વોર્ડ નંબર 3 અને 3 ઘંટેશ્વર આધારિત માધાપર તેમજ તેમજ અન્ય વિસ્તારો વોર્ડ નંબર 1 અને 3 જ્યારે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વોર્ડ નંબર 1,2 અને 9 ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ છે.જ્યારે આગામી બુધવારે વોર્ડ નં. 13 વોર્ડ નં. 2 અને 3 વોર્ડ ન.4 વોર્ડ નં.11 અને 13 ઉપરાંત વોર્ડ નં. 2 અને 8માં પાણી વિતરણ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.