રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ટમેટાના એક મણના ભાવ એક દિવસમાં 800 રૂપિયા તૂટ્યા: આવક પણ વધી
આસમાને આંબી ગયેલા ટમેટાના ભાવ ગઇકાલથી ઘટવા લાગ્યા છે. એક તબક્કે 200 રૂપિયાને પાર થઇ ગયેલા ટમેટાના ભાવ બે દિવસમાં જ ડબલ ડિજિટમાં આવી જતા ગૃહિણીઓને મોટો હાશકારો મળ્યો છે. આજે એક જ દિવસમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ટમેટાના ભાવમાં પ્રતિ મણ રૂ.800નો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ટમેટાની આવક શરૂ થતાંની સાથે જ ગઇકાલથી ભાવમાં ઘટાડો શરૂ થઇ ગયો છે. ગઇકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 993 ક્વિન્ટલ ટમેટાની આવક થવા પામી હતી. પ્રતિ મણ ટમેટાનો ભાવ રૂ.1400 થી લઇ 2000 સુધીનો બોલાયો હતો. દરમિયાન સ્થાનિક બજારમાં છૂટક ટમેટા 100 રૂપિયામાં વેંચાવા લાગ્યા હતા. નવી આવક શરૂ થતાની સાથે જ હવે ભાવ સળસળાટ નીચે આવવા માંડ્યા છે. સાથોસાથ આવકમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે યાર્ડમાં 1005 ક્વિન્ટલ ટમેટાની આવક થવા પામી હતી અને પ્રતિ 20 કિલો ટમેટાના ભાવ રૂ.800 થી લઇ 1200 રહેવા પામ્યા હતા. યાર્ડમાં હવે ટમેટા 40 થી 60 રૂપિયા કિલો લેખે વેંચાવા માંડ્યા છે.
જો કે, છૂટક માર્કેટમાં હજુ ટમેટાનો ભાવ થોડો ઉંચો બોલાઇ રહ્યો છે. શાકમાર્કેટમાં ટમેટા હજુ 80 થી લઇ 100 રૂપિયામાં વેંચાઇ રહ્યા છે. ગત સપ્તાહે એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે પખવાડીયામાં ટમેટાના ભાવ 300 રૂપિયાને પાર થઇ જશે. જો કે, અન્ય રાજ્યોમાંથી આવક શરૂ થતાની સાથે જ ટમેટાના ભાવમાં ધડાધડ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ટમેટાનો ભાવ 50 રૂપિયાથી પણ નીચો આવી જાય તેવી શક્યતા જણાઇ રહી છે. છેલ્લા બે મહિનાથી ટમેટાના ભાવ સતત ઉંચકાઇ રહ્યા હોવાના કારણે ભોજનની થાળીમાંથી ટમેટા રિતસર ગાયબ થઇ ગયા હતા. હવે જ્યારે ટમેટાના ભાવ ઘટવા લાગ્યા છે ત્યારે ગૃહિણીઓના ચહેરાઓ પર પણ રોનક પરત ફરી રહી છે.