સવંત્સરી, ગણેશ ચતુર્થી અને નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખી પેચવર્કનું પ્રારંભ: ડામર એક્શન પ્લાનના કામ માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ
ચોમાસાની સિઝનમાં શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રાજમાર્ગો પર ફૂટ-ફૂટના ખાડા પડી ગયા છે. સ્માર્ટ સિટી રાજકોટ હાલ જાણે ખાડા નગરીમાં ફેરવાઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદે વિરામ લેતાની સાથે જ આજથી કોર્પોરેશન દ્વારા રસ્તા પરના ખાડા બૂરવા માટે પેચવર્કના કામનો આરંભ કરી દેવામાં આવ્યો છે. આજે સેન્ટ્રલ ઝોનમાં પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કાલથી ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં પેચવર્ક શરૂ કરવામાં આવશે. ડામર એક્શન પ્લાનનો કોન્ટ્રાક્ટર આપવા પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સવંત્સરી, ગણેશ મહોત્સવ અને નવરાત્રિના તહેવારો આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા આજથી શહેરના મુખ્ય રાજમાર્ગો પર પેચવર્કના કામ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદે વિરામ લીધો છે ત્યારે પાંચ દિવસમાં તમામ વોર્ડમાં પેચવર્કના કામો પૂરા કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પેચવર્ક શરૂ કરાયું છે. દરમિયાન આવતીકાલથી ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પેચવર્ક શરૂ કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજથી ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં સફાઇ કામગીરી પણ શરૂ કરવામાં આવશે. ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ તરંત જ ત્રણેય ઝોનમાં ડામર અને રિ-કાર્પેટની કામગીરી શરૂ કરી શકાય તે માટે ટેન્ડર પણ પ્રસિધ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેરમાં જે-તે રોડ પર જરૂર જણાશે ત્યાં ડામર રિ-કાર્પેટ કરવામાં આવશે.