ઇન્ચાર્જ ટીપીઓ એમ.ડી. સાગઠીયાને કાયમી ટીપીઓ બનાવાશે: ઓફિસર્સ સિલેક્શન કમિટી દ્વારા ઇન્ટરવ્યૂ લેવાયા બાદ મેયર ડો.પ્રદિપ ડવની સત્તાવાર જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાને 9 વર્ષના લાંબા અંતરાલ બાદ હવે નજીકના દિવસોમાં કાયમી ટીપીઓ મળશે. હાલ ઇન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવતા એમ.ડી. સાગઠીયાને કાયમી કરવામાં આવશે. આજે સવારે ઓફિસર્સ સિલેક્શન કમિટી દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂ બાદ મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. ટીપીઓ પદેથી બકુલેશ રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ગત તા.1/08/2014 થી કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખામાં ટીપીઓની જગ્યા ખાલી પડી છે. ઇન્ચાર્જ તરીકે છેલ્લા 9 વર્ષથી એમ.ડી.સાગઠીયા જવાબદારી સંભાળી રહ્યા છે.
ટીપીઓની ભરતી કરવા માટે ગત માર્ચ માસમાં જાહેરાત આપવામાં આવી હતી. દરમિયાન એક જ ઉમેદવાર તરીકે સાગઠીયાએ દાવેદારી કરી હતી. જેને મ્યુનિ.કમિશનર દ્વારા અનુમોદના આપવામાં આવી હતી. છેલ્લા ચાર માસથી કોઇ કારણોસર ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠક દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવતા ન હતા. દરમિયાન આજે સવારે ઓફિસર્સ સિલેક્શન કમિટીના સભ્ય એવા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા દ્વારા ટીપીઓની જગ્યા માટે એમ.ડી.સાગઠીયાનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ઓફિસર્સ સિલેક્શન કમિટીમાં વિરોધ પક્ષના નેતા સભ્ય નથી. કારણ કે કોંગ્રેસ પાસે માન્ય વિપક્ષ બની શકે તેટલી સભ્યસંખ્યાબળ નથી. જેના કારણે ઓફિસર્સ સિલેક્શન કમિટીમાં વિરોધ પક્ષના નેતાને સ્થાન મળી શક્યું નથી.
ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેયર ડો.પ્રદિપ ડવે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ટાઉનપ્લાનિંગ ઓફિસર તરીકે એમ.ડી.સાગઠીયાની વરણી કરવાનો નિર્ણય ઓફિસર્સ સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી ત્યારે માત્ર એક જ ઉમેદવાર હતા. જેઓનું નામ મ્યુનિ.કમિશનર દ્વારા મોકલવામાં આવ્યું હતું. આજે સવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં મળનારી જનરલ બોર્ડ બેઠકમાં ટીપીઓ તરીકે એમ.ડી.સાગઠીયાની નિયુક્તી કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જે મંજૂરી મળ્યા બાદ આખરી બહાલી માટે રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવશે.