સળગતા ઘર કાશ્મીરમાં એકપણ પાર્ટીને રસ નથી!
ભાજપની થીન્ક ટેન્કે પીડીપી સાથેનું ગઠબંધન તોડતા પહેલા તમામ પાસાઓનો વિચાર કર્યો
જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી સાથે ભાજપે છેડો ફાડયાની સાથે જ લોકસભા ચુંટણીની ઉલટી ગીનતી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં આતંરિક સુરક્ષાના પ્રશ્ર્નો વિકરાળ બની ગયા હોવાથી ભાજપે આ નિર્ણય લીધો છે. જોકે, હવે કાશ્મીરમાં રાજયપાલ શાસન મુકવામાં આવતા બંને પક્ષોને ચુંટણીની તૈયારી કરવા અને રણનીતિ ઘડવા માટે લાંબો સમય મળી ગયો છે.
કાશ્મીરમાં આતંકી ઘટનાઓની સંખ્યા ઉતરોતર વધવાના કારણે લાંબા સમયથી મોદી સરકાર ઉપર માછલા ધોવાના હતા. સરકાર આતંકવાદને ડામવા માટે નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપો થતા હતા. અલબત ભાજપે લોકસભાની તૈયારી કરવા અને કલંક ધોવા એકાએક પીડીપી સાથે છેડો ફાડી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. લોકસભા બાદ આ બંને પક્ષો ફરી ભેગા થઈ જાય તો પણ કોઈ નવાઈ નહીં રહે. ભાજપે સમર્થન પાછુ ખેંચી લેતા જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલ શાસન લાદવાની તૈયારી થઈ છે જે ૬ મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ચુંટણી થઈ શકશે નહીં. જે ભાજપનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે. ગવર્નર શાસન ડિસેમ્બર સુધી ચાલે તેવી ગણતરી છે. લોકસભા ચુંટણીની તૈયારી માર્ચથી થશે. પરિણામે ભાજપને લાંબો સમય મળી જશે.
અલબત, ગવર્નર શાસનમાંથી રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે બે મહિનામાં પાર્લામેન્ટનું રીટીફીકેશન જોઈએ. આ પ્રક્રિયા ભાજપ માટે મુશ્કેલ બની શકે. જમ્મુ-કાશ્મીરમાં ગવર્નર શાસનનો તા.૧૯ કે ૨૦ ડિસેમ્બરના રોજ અંત આવશે. તે સમયે પાર્લામેન્ટનું શિયાળુ સત્ર પૂર્ણતાના આરે હશે. તમમ પ્રક્રિયાને પૂર્ણ થતા લાંબો સમય લાગશે તે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી આતંકના સફાયા માટે ભારતીય સૈન્યને પુરતો સમય મળશે. આ સમયગાળામાં અગાઉની જેમ પીડીપી અડચણ ઉભી કરી શકશે નહીં. સૈન્યને આતંકવાદીઓના ખાત્મા માટે છુટો દોર મળતા ભાજપ સામેના આક્ષેપો ઓછા થશે. ઉપરાંત દેશભરમાં છબી સુધારવા માટે ભાજપને પણ સમય મળી જશે. જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથેના સંબંધોનો અંત લાવતા પહેલા ભાજપની થિંક ટેન્કે તમામ પાસાઓ અંગે વિચારી લીધું છે. અમિત શાહે ગઠબંધન તોડતા પહેલા અજિત દોવલની સલાહ પણ લીધી હોવાનું માનવામાં આવે છે.