કહે છેકે કોઈ પણ સારા કાર્યને દરિયામાં ફેંકી દો તો એ ડૂબે નહિ, તરે! એમ પણ કહેવાય છે કે, માણસ મૃત્યુ પામે છે, પણ એના સત્કર્મો અને સંભારણા મરતાં નથી. સજજન લોકો એમની ‘જીવનયાત્રા પૂરી થયા પછી કાળના ગર્ભમાં વિલીન થયા પછી પણ એમની ઉમદા કર્મણ્યતાને કારણે કોઈને કોઈ રીતે જીવંત રહે છે!
લોકસભાની ચૂંટણી આવે છે પૂર્વ ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાન દિવંગત હોવા છતાં સાંભરે છે. તેઓ નોખી માટીના હતા એમના ચાહકો તો એટલે સુધી કહે છેકે તેઓ સો-હજારમાં એક જેવા હતા!
તેમણે એક સમયે એમ ક્હેલું કે, અગ્નિ મને દઝાડી શકે નહિ, વાયુ મારો વિનાશ કરી શકશે નહિ ! ગુમાને એમને ‘કટ્ટ-ટુ-સાઈઝ’ કરી દીધા હતા.
તેઓ ૧૯૯૪માં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર હતા તમે ધિકકારો કે તેમના વખાણ કરો, પરંતુ તેમના સમયમાં અખબારો તથા સામયિકોમાં તેઓ વિવાદાસ્પદ વ્યકિત તરીકે સૌથી વધુ ચમકતા રહ્યા હતા.
‘ઓળખપત્રો નહિ તો ચૂંટણી નહિ’ એવો વારંવાર પૂનરૂચ્ચાર કરતા ટી.એન. શેષાન કડક શિસ્તના આગ્રહી હતા. કાયદાકીય રીતે શિસ્તપાલન કરવું અને કરાવવું એ તેમનો સ્વભાવ હતો. આથી જ રાજકીય નેતાઓ તેમને ‘પાગલ’, ‘તુંડમિજાજી’, ‘અભિમાની’ જેવા શબ્દોથી નવાજત હતા.
વિવાદાસ્પદ એટલે કે વિવાદના કેન્દ્ર સમું વ્યકિતત્વ ધરાવતા શેષાનને કોઈ ‘અલ્સેશિયન’ કહેતા, કોઈ ‘અડિયલ’ કહેવા, આખા બોલા કહેતા, જીદ્દી અને ધમંડી કહેતા, કોઈ તેમને ખલનાયકનું બીરૂદ આપતા તો કોઈ એમને સાહસિક તેમજ મજબૂત મિજાજના કહેતા હતા. પણ તેનાથી તેમના ઉપર કોઈ વિપરિત અસર થતી નહોતી. તેઓ બંધારણીય રીતે યોગ્ય હોય તેવા જ નિર્ણયો લેતા અને નિયમોનું પાલન કરાવતાં અચકાતાં નહિ પ્રમાણિક, સાહસિક, નીડર એવા આ મુખ્ય ચૂંટણી કમિશ્નર ભારતના લોકોએ કદાચ પહેલી જ વાર જોયા હતા!
એમનો જન્મ કેરળના પાલઘાટમાં થયો હતો. તેઓ છ ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. ત્રીજા ધોરણ સુધી ઘરમાં ભણ્યા બાદ તેઓ શાળામાં દાખલ થયા હતા. પોતાના શાળાજીવન દરમ્યાન શેષાન એમના વર્ગમાં હંમેશા પ્રથમ આવતા હતા. તેમણે મદ્રાસની ક્રિશ્ર્ચિયન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ઈન્ડીઅન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં પોતાની બેચમાં પ્રથમ આવ્યા હતા. તામિલનાડુનાં સનદી અધિકારી તરીકે ઉમદા સેવાપી હતી. તેમની માતૃભાષા મલાયલમ હતી છતાં તેઓ સમારંભો અને સભાઓને હિન્દીમાં સંબોધતા હતા. તેમને પૂછાતા પ્રશ્ર્નોના જવાબ પણ તેઓ હિંદીમાં જ આપતા હતા.
માતૃભાષા મલાયલમ હોવા છતા ગુજરાતી, તમિલ, અંગ્રેજી ભાષાઓ પર ઉમદા કાબૂ ધરાવતા હતા. તેઓને વેદની ઋચાઓ કડકડાટ મુખસ્થ હતી સંસ્કૃતના શ્ર્લોકો, બાઈબલ અને કુરાનની આયાતો તેમજ ‘રોજા’ જેવી હિન્દી ફિલ્મોના ગીતો તેઓ તેમના પ્રવચનોમાં આસાનીથી ટાંકી શકતા હતા, તેઓ જયોતિષ શાસ્ત્રના જાણકાર હતા અને બંધારણના જબરા અભ્યાસી હતા, અને તેની કલમોને કડકડાટ ટાંકી શકતા હતા.
શેષાન જાણતા હતા કે તેમના કિસ્મતમાં બાળક નથી, છતાં તેમણે લગ્ન કર્યા હતા. તેમના જીવનના સંઘર્ષ દરમ્યાન તેમને બંધારણ, કાનૂન અને વહીવટથી માંડીને બજારમાંથી રીંગણા ખરીદવા સુધીના જીવનનો તમામ પાસાઓની તાલીમ લીધી હતી.
શેષાન બુ તોછડા અને તુમાખીભર્યા નોકરશાહ હતા. તો પણ તેઓ પત્રકારો સાથે વિવેકથી વર્તતા હતા. પ્રત્યેક સત્તાધીશ પોતાની સત્તાનો ગેરઉપયોગ ન કરે તે, બાબતમાં તેઓ કડક વલણ ધરાવતા હતા.
શેષાન એવું માનતા હતા કે ભારત એક મહાન દેશ હોવા ભ્રષ્ટાચારના ભોરીંગમાં ભીંસાવેલો છે. ભારતમાં આમઆદમીની સ્થિતિ અત્યંત દયાજનક છે કારણ કે રાજગાદી હાંસલ કરવા માટે સમગ્ર વ્યવસ્થાને ‘કરપ્ટ’ કરવામાં તેઓ રચ્યાપચ્યા રહ્યા છે.
ચૂંટણીઓ પહેલા, ચૂંટણી દરમ્યાન અને ચૂંટણી પછી પણ રૂશ્ર્વતખોરીના રાક્ષસને ખૂલ્લેઆમ કૂદાકૂદ કરવામાં આવે છે. જે લોકશાહી પર કૂઠારાઘાત કર્યા કરે છે. ભ્રષ્ટાચારનાં મૂળ ચૂંટણીનાં પાપાચારમાં છે. એ રાજનેતાઓ જાણે છે, તો પણ આંખ આડા કાન કરે છે!
ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને બિહારની ચૂંટણીઓ વખતે તેમણે એવી ટકોર કરી હતી કે, આ ચૂંટણીની આચાર સંહિતાનો બરાબર અમલ કરવા અમે કટિબધ્ધ છીએ મુકત અને ન્યાયી ચૂંટણી એ જનતા-જનાર્દનને પવિત્ર વચન આપવાનું પર્વ છે. તમે એવા ઉમેદવારને મત આપજો કે જેના ઘરમાં તમે તમારી દિકરીને વિના સંકોચે પરણાવી શકો!
શેષાનના આવા સપાટાથી રાજકારણીઓ ફફડતા રહ્યા હતા મુખ્ય ચૂંટણી કમિશ્નર ચૂંટણી દરમ્યાન શું શું કરી શકે તે બતાવી આપ્યું હતુ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર કેવી સત્તા ધરાવે છે. તેનો પરિચય કરાવી આપ્યો હતો.
તેમણે કહ્યું હતુ કે, ‘અંધારાને દોષ દેવાને બદલે એક મીણબત્તી સળગાવી અંધકાર ઉપર આક્રમણ કરો, એમ કહેવા તમારી પાસે આવ્યો છું મને કોઈ વાતનો ડર નથી. મારી સામે તેમને કોઈ ફરિયાદ હોય, હુ કાયદો હાથમાં લેતો હોઉં, સત્તાનો દૂરૂપયોગ કરતો હોઉં તો તમે મારી વિરૂધ્ધ અદાલતમાંજઈ શકો છો.
તેમના મિત્રો વચ્ચે તેઓ પોતાનુંએક વાકય અવાર નવાર ટાંકતા હતા: ‘અગ્નિ મને દઝાડી શકશે નહિ, વાયુ મારો વિનાશ કરી શકશે નહિ, મારી ફરજ બજાવવી, કર્તવ્યનું પાલન કરવું, એ મારો ધર્મ છે.’
પોતાની ફરજનિષ્ઠા, મતિભ્રષ્ટતા વગરના વર્તાવ-વર્તણૂંક અને સ્પષ્ટ વકતા તરીકે તેઓ જબરી લોકપ્રિયતા અને ‘નામના’ પામ્યા હતા.
લોકસભાની ચૂંટણી આવે છે. રાષ્ટ્રને શેષાન સાંભરે છે. એમના જેવા ચૂંટણી ઓફિસર ફરી આ દેશને સાંપડશે ? નહિતર અંધારૂ, ઘોર અંધારૂ !તમારી લાડકવાયી દીકરીને વિના સંકોચે પરણાવી શકો એવા ઘરના ગુણવાન ઉમેદવારને મત આપજો પૂર્વ ચૂંટણી કમિશ્નર શેષાને મતદારોને અનુરોધ કર્યો હતો!