- ચોથા તબક્કામાં કુલ 1717 ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર
- 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન
- 17.7 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
Loksabha election 2024 : લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાનું મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઇ ગયુ છે. દેશમાં સાત તબક્કામાં યોજાઇ રહેલી ચૂંટણીમાં આજના તબક્કામાં દેશના 10 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો સામેલ છે. તેલંગણા અને આંધ્ર પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશની આઠ, બિહારની પાંચ, ઝારખંડની ચાર, ઓડિશાની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. દેશના 10 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 96 બેઠકો પર કુલ 1717 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
આ 96 બેઠકો પર 8.73 કરોડ મહિલાઓ સહિત 17.70 કરોડ મતદારો મતદાન કરશે. લોકસભાની 96 બેઠકો પર ચોથા તબક્કામાં 1.92 લાખ મતદાન મથકો પર 19 લાખથી વધુ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, દેશમાં પહેલા ત્રણ તબક્કામાં 543માંથી 283 બેઠકો પર મતદાન થઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથા તબક્કાના મતદાન માટે X પર પોસ્ટ કરી છે.
लोकसभा चुनाव के चौथे चरण में आज 10 राज्यों और केंद्र शासित प्रदेशों की 96 सीटों पर मतदान हो रहे हैं। मुझे विश्वास है कि इन सभी सीटों पर लोग भारी संख्या में मतदान करेंगे, जिसमें युवा और महिला वोटर बढ़-चढ़कर हिस्सा लेंगे। आइए, अपने कर्तव्य को निभाएं और लोकतंत्र को मजबूत करें!
— Narendra Modi (@narendramodi) May 13, 2024
પીએમ મોદીએ લોકોને અપીલ કરતા પોસ્ટમાં લખ્યું છે કે, મને ખાતરી છે કે લોકો આ મતવિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન કરશે અને યુવા મતદારો તેમજ મહિલા મતદારો વધુ મતદાન કરવામાં આગળ આવશે. ચાલો આપણે સૌ આપણી ફરજ બજાવીએ અને આપણી લોકશાહીને મજબૂત કરીએ.
ક્યા ચહેરાઓ ચૂંટણી લડશે ?
અસદુદ્દીન ઓવૈસી :
તેલંગણાની હૈદરાબાદ બેઠકથી એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપે માધવી લતાને મેદાનમાં ઉતાર્યાં છે. અસદુદ્દીન ઓવૈસી અહીંથી ચાર વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. ગત ચૂંટણીમાં તેમણે અહીંથી 2.82 લાખ મતે વિજય મેળવ્યો હતો. આ વખતે માધવી લતા સામે ચૂંટણીપ્રચાર દરમિયાન તેમનું વાકયુદ્ધ સતત ચર્ચામાં રહ્યું છે.
અખિલેશ યાદવ :
2024ના ચૂંટણીજંગમાં છેક છેલ્લી ઘડીએ દાવેદારી કરનાર સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક તેમની પરંપરાગત બેઠક ગણાય છે. અહીંથી 1999માં મુલાયમસિંહ યાદવ, 2000, 2004 અને 2009માં અખિલેશ યાદવ તથા 2012 અને 2014માં તેમનાં પત્ની ડિમ્પલ યાદવ ચૂંટાયાં હતાં. જોકે, 2019માં અહીં ભાજપના સુબ્રત પાઠકે ડિમ્પલ યાદવને 12353 મતે હરાવી દીધા હતા. હવે ફરીવાર અખિલેશ યાદવનો મુકાબલો સુબ્રત પાઠક સામે છે.
અજય મિશ્ર ટેની:
ખેડૂતોને કચડી નાખવાના ગંભીર આરોપો જેમના પુત્ર પર છે એવા અજય મિશ્ર ટેનીને ભાજપે ફરીથી ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીથી ટિકિટ આપી છે. તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્મા સામે છે. વર્ષ 2014 અને 2019માં અજય મિશ્ર ટેની અહીંથી વિજયી બન્યા હતા. 2019માં તેમનો 2.18 લાખ મતે વિજય થયો હતો.
મહુઆ મોઈત્રા:પોતાના ભાષણોથી સંસદ ગજવનાર અને અદાણી મામલે ‘પૈસા લઈને પ્રશ્ન પૂછવાનો આરોપ’ જેમના પર ભાજપે લગાવ્યો છે એવા તૃણમૂલ કૉંગ્રેસનાં ‘ફાયરબ્રાન્ડ’ મહિલા નેતા મહુઆ મોઈત્રાને ફરીથી પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તેમની સામે ભાજપે રાજવી પરિવારના રાજમાતા અમૃતા રોયને ચૂંટણીજંગમાં ઉતારતાં લડાઈ રસપ્રદ બની છે. 2019માં મહુઆ મોઈત્રાનો આ બેઠક પરથી 63218 મતોથી વિજય થયો હતો.
મૂળ ગુજરાતી ક્રિકેટર એવા યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની બહરામપુર બેઠક પરથી તૃણમૂલ કૉંગ્રેસે ટિકિટ આપી છે. બહરામપુર બેઠક એ કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીનો ગઢ ગણાય છે. અધીર રંજન ચૌધરી સતત 1999થી અહીંના સાંસદ છે. 2019માં તેમણે તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર અપૂર્વ સરકારને 80 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવ્યા હતા. અહીંથી યુસુફ પઠાણને ટિકિટ મળતા બંને વચ્ચે ખરાખરીનો જંગ થવાના આસાર છે.
ગિરિરાજ સિંહ:
બિહારની બેગુસરાય બેઠક પરથી ભાજપે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહને ફરી એક વાર ટિકિટ આપી છે. 2019માં ગિરિરાજસિંહે અહીંથી કનૈયાયાકુમારને 4.22 લાખ મતોથી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વખતે તેમનો મુકાબલો સીપીઆઈના અવઘેશકુમાર રાય સામે છે. અવધેશકુમાર રાય 1990થી 2000 દરમિયાન બછવારાથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલા છે.
શત્રુધ્ન સિંહા:
પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક શત્રુઘ્ન સિંહાને કારણે ચર્ચામાં છે. તેમને પણ તૃણમૂલ કૉંગ્રેસે ટિકિટ આપી છે. તેમનો મુકાબલો ભાજપના એસએસ આહલુવાલિયા સામે છે. આ બેઠક પર શત્રુઘ્ન સિંહા 2022ની પેટાચૂંટણીમાં જીત્યા હતા. શત્રુઘ્ન સિંહા લાંબો સમય ભાજપમાં રહ્યા છે અને 2009 તથા 2014માં તેઓ બિહારની પટણાસાહિબ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
વાય. એસ. શર્મિલા:
આંધ્ર પ્રદેશની કડપ્પા બેઠક કૉંગ્રેસ નેતા વાય.એસ.શર્મિલાને કારણે રસપ્રદ બની છે. તેઓ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી જગનમોહન રેડ્ડીનાં બહેન છે અને વાયએસઆર કૉંગ્રેસ સામે જ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે થોડા સમય પહેલાં જ કૉંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો અને તેઓ આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસનો ચહેરો બનીને સામે આવ્યા છે.