સૌરાષ્ટ્રનાં જન્માષ્ટમીનાં સૌથી મોટા લોકમેળાને માત્ર ૮ દિવસ બાકી: ૨૨મીથી રેસકોર્સનાં મેદાનમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી મેળાની મોજ માણશે
રેસકોર્સનાં મેદાનમાં આગામી તા.૨૨ થી ૨૬ દરમિયાન લોકમેળો મલ્હાર યોજાનાર છે જેને હવે માત્ર ૮ દિવસ જ બાકી હોય તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેળામાં પ્રારંભથી જ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડીને મેળાની મોજ માણશે.
રાજકોટનાં રેસકોર્સનાં મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમીનો મેળો યોજાય છે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી મેળો હોય છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે લોકમેળો તા.૨૨ થી ૨૬ દરમિયાન યોજાનાર છે. હાલ લોકમેળા અમલીકરણ સમિતિનાં અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ મેળાની પુરજોશમાં તૈયારી થઈ રહી છે. આ લોકમેળાની જગ્યાએ હાલ ફજેત ફારકા અને સ્ટોલ પણ લગાવી દેવામાં આવ્યા છે. હાલ વહિવટીતંત્ર તમામ વિભાગો સાથે સંકલન સાધીને વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. આ મેળાને આઠ દિવસ બાકી રહ્યા હોય તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
લોકમેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ
વાહન પાર્કીગ અને કેટલાક માર્ગને વન-વે તેમજ નો એન્ટ્રી જાહેર કરાયા
શહેરમાં જન્માષ્ટમી નિમિતે યોજાતા લોકમેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય અને શહેરીજનો સરળતાથી મેળો માણી શકે તે માટે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને ટ્રાફિક બ્રાન્ચના એસીપી ભરતસિંહ ચાવડા સહિતના સ્ટાફે રેસકોર્ષ અને આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિક જામ ન થાય તે માટે રેસકોર્ષ રીંગ વન-વે જાહેર કરવામાં આવનાર હોવાનું તેમજ કેટલાક સ્થળે જાહેર પાર્કીગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત આજી ડેમ, રતનપર, ઇશ્ર્વરીયા મહાદેવ ખાતે પણ ટ્રાફિક જામ ન થયા તેની પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવનાર છે. શહેરમાં યોજાતા ખાનગી મેળામાં અંદરની વ્યવસ્થા જાળવવાની ખાનગી મેળાના સંચાલકોની રહેશે તેમજ ખાનગી મેળાઓની આજુ બાજુ પાર્કીંગની વ્યવસ્થા હશે તેઓને જ મેળાની મંજુરી આપવામાં આવનાર હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.