ગુરૂદેવની ઓમપ્રકાશ બિરલાના નિવાસસ્થાને મંગલ પધરામણી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની રાજધાની દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહની સ્થિરતા દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા અનેક અનેક ભાવિકોની આત્મ ચેતનાની જાગૃતિ બાદ પરમ ગુરુદેવે લોકસભાના સ્પીકર ઓમપ્રકાશજી બિરલાના નિવાસસ્થાને મંગલ પધરામણી કરી. દિલ્હીના ગુરુ ભક્ત ભાવિનભાઈ દોશીના નિવાસસ્થાને પરમ ગુરૂદેવના વર્ષોના પરિચિત એવા અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના ઉપાધ્યક્ષ એવમ્ સાઉથ દિલ્હી સંઘના અધ્યક્ષ, સમાજરત્ન સુભાષજી ઓસવાલ દ્વારા લોકસભાના સ્પીકર ઓમપ્રકાશજી બિરલાને આશીર્વાદ આપવાની વિનંતિનો સ્વીકાર કરીને પરમ ગુરુદેવ એમના નિવાસસ્થાને પધાર્યા હતાં. લોકસભાના સ્પીકર જેવા ઉચ્ચ પદધારક હોવા છતાં ઓમપ્રકાશજી એ અત્યંત વિનમ્રતા સાથે પરમ ગુરુદેવનું સ્વાગત કરીને અંતરના અહોભાવથી શાલ અર્પણ કરી. સુભાષજી ઓસવાલ, સુગાલ  દામાણી ગ્રુપના પ્રશમજી, ભાવિનભાઈ દોશી, દિનેશભાઈ ભાયાણી આદિ કાર્યકર્તાઓની સાથે આચાર્ય લોકેશ મુનિજી ઉપસ્થિત રહ્યાં હતાં. અનેક પ્રકારની ધર્મચર્ચાઓ તેમજ રાષ્ટ્રવિકાસની ચર્ચા- વિચારણા થઈ હતી.

પરમ ગુરુદેવના કરકમલથી આપવામાં આવેલી  ઉવસગ્ગહરં સ્તોત્રની અભિમંત્રિત માળાને ઓમપ્રકાશજી એ અહોભાવથી મસ્તકે સ્પર્શ કરીને વિનયપૂર્વક ગ્રહણ કરી હતી. ઉચ્ચ પદના ધારક હોવા છતાં તેમનો જૈન સંતો પ્રત્યેનો વ્યવહાર અને અહોભાવ પ્રશંસનીય હતો. આચાર્ય લોકેશમુનિજી એ પણ આગામી દિવસોમાં ઉજવવામાં આવનાર મહાવીર જયંતીના અવસર પર ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રી સુભાષભાઈ ઓસવાલ સાથે આવેલાં અન્ય ભાવિકોએ અંતરના ભક્તિભાવ વ્યક્ત કર્યા હતાં. પરમ ગુરુદેવના વિહાર સમયે ગેટ સુધી વળાવવા આવેલાં ઓમપ્રકાશજીએ પ્રસન્નતાપૂર્વક લોકસભામાં પધારવાનું આમંત્રણ આપી અહોભાવ પ્રગટ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.