સરહદે ચાલી રહેલ તંગદીલીથી લોકસભા–૨૦૧૯ની ચૂંટણી પર કોઈ અસર નહીં પડે તેનું સ્પષ્ટીકરણ કરતા ચૂંટણી કમિશનર
સરહદે ચાલી રહેલ તંગદીલીના માહોલ વચ્ચે કયાંક લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પાછળ ધકેલાય તેવી શકયતાઓ સેવાઈ હતી પરંતુ તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ભારત અને પાક. વચ્ચે ચાલી રહેલ વિવાદોને લઈ મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા તેઓ છેલ્લા બે દિવસથી આવ્યા છે અને દેશમાં લોકસભાની ચૂંટણી સમયસર જ યોજાશે અને ચૂંટણી ઉપર સરહદી માહોલની અસર ન જોવા મળે તેની તકેદારી લેવામાં આવશે.
લોકોના મનમાં જે પ્રશ્ર્ન હતો કે લોકસભાની ચૂંટણી સરહદી માહોલને લીધે પાછળ જશે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે, પંચના નવા જાહેરનામા અનુસાર દરેક ઉમેદવારને દેશમાં અને પરદેશમાં તેમની જો મિલકત હોય તો તેની માહિતી પુરેપુરી આપવી પડશે અને આવકવેરા વિભાગની તેના પર નજર રહેશે.
જો તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાય તો પંચની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉશ્કેરણી જનક મેસેજ સોશીયલ મીડિયા ઉપર વાયરલ કરનારા ઉપર પણ સતત ચૂંટણીપંચની નજર રહેશે તેના માટે સાયબલ સેલની નિયુક્તિ કરવામાં આવી છે અને તંત્રને સાબદુ એલર્ટ કરવામાં આવ્યું છે.