ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો ઓછામાં ઓછા ત્રણ વખત અખબારો અને ટીવી ચેનલોમાં ક્રાઈમ રેકોર્ડની જાહેરાત કરવી પડશે: આદર્શ ચૂંટણી આચારસંહિતાના અમલનો પ્રારંભ
ભારતના ચુંટણીપંચ દ્વારા ગઈકાલે લોકસભાની ચુંટણી કાર્યક્રમની વિધિવત જાહેરાત કરી હતી. મુખ્ય ચુંટણી કમિશનર સુનિલ અરોરાએ ચુંટણી કાર્યક્રમની સાથે અનેક મહત્વના નવા નિયમોની જાહેરાત કરી હતી જે મુજબ ચુંટણી લડતા ઉમેદવારોએ ચુંટણી પ્રચાર દરમિયાન ઓછામાં ઓછું ત્રણ વખત અખબારો અને ટીવીમાં પોતાના ક્રાઈમ કરતુતોની જાહેરાત કરવી પડશે જોકે ચુંટણીપંચ દ્વારા આ અંગેના દિશા નિર્દેશો ૧૦ ઓકટોબરે ૨૦૧૮માં આપ્યા હતા પરંતુ લોકસભાની ચુંટણીમાં પ્રથમ વખત આ નિયમનું અમલીકરણ કરવામાં આવનારું છે.
ચુંટણીપંચે જાહેર કરેલા આ નિર્દેશો મુજબ રાજકીય પક્ષોને પણ તેમના દ્વારા ટિકિટ અપાયેલા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસનો પ્રચાર કરવો પડશે. ચુંટણીપ્રચારના સમયગાળા દરમ્યાન વ્યાપકરૂપે અખબારો અને ટીવી ચેનલોમાં દરેક ઉમેદવારોના ફોજદારી રેકોર્ડ ઓછામાં ઓછા ત્રણ વખત તારીખો પર જાહેર કરવા પડશે જે ઉમેદવારોના ક્રાઈમ કરતુતો ન હોય તેમને તેનો ઉલ્લેખ કરીને સુધારેલું ફોર્મ નંબર ૨૬ ભરવું પડશે.
આ અંગે જે-તે પાર્ટીની ટિકિટ પર લડતા ઉમેદવારે તેની પાર્ટીને તેના ગુન્હાહિત રેકર્ડની જાણ કરવી પડશે. જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યા હોય તેવા કેસની વિગત તથા તેમના વિરુઘ્ધના કેટલા કેસ બાકી છે. પાર્ટીઓ તેમના ઉમેદવારોના ગુન્હાહિત રેકોર્ડ તેમની વેબસાઈટ પર ફરજીયાતપણે મુકવા પડશે. જોકે, આ ગુન્હાહિત રેકોર્ડની જાહેરાતનો ખર્ચ કોણે ભોગવવાનો તે અંગે ચુંટણીપંચે મૌન સેવ્યું હતું.
સાથે ચુંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે જે પાર્ટીઓ તેમના આ દિશા-નિર્દેશોનો ભંગ કરશે તેમની માન્યતા પાછી ખેંચી લેવા સુધીના આકરા પગલા લેવામાં આવશે. ઉમેદવારોએ અખબારો અને પેપરોમાં જાહેરાત સ્વરૂપે પ્રકાશિત કરાવેલી ક્રાઈમ રેકોર્ડના પેપર કટીંગ અને વિડીયો કલીમીંગ્સ તેમની પાર્ટીને આપવાની રહેશે. પાર્ટીઓએ આવા ઉમેદવારોની વિગતો ચુંટણીપંચને આપવી પડશે.
ગઈકાલે ચુંટણીપંચે લોકસભાની ચુંટણીની જાહેરાત કરતા દેશભરમાં ચુંટણી આચારસંહિતાનો અમલ લાગુ પડી ગયો છે. ચુંટણીની આદર્શ આચારસંહિતા મુજબ સરકારને કોઈપણ નીતિમાં ફેરફાર કરીને મતદારોને પ્રભાવિત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી ખર્ચે પોતાની સરકારે કરેલા વિકાસકાર્યોનો પ્રચાર-પ્રસાર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.સાથે સરકારી ખર્ચે કાર્યક્રમો યોજીને મતદારોને આકર્ષીને રાજકીય લાભો ખાટવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આચારસંહિતા લોકસભાની ચુંટણી પૂર્ણ થવા સુધી એટલે કે ૨૪મીએ સુધી અમલી રહેશે.