આચારસંહિતાની કડાકુટે ટૂર ઓપરેટરોના ધંધાને ધક્કો પહોંચાડ્યો
ઉનાળાનું વેકેશન શરૂથવાને આરે છે પરંતુ પરિવાર સાથે હરવા-ફરવા જવા માંગતા લોકોની બકરી ડબે પુરાયા જેવો ઘાટ સર્જાયો છે. લોકસભા ૨૦૧૯ની ચૂંટણીની તારીખોના કેલેન્ડરોએ સહેલાણીઓની મજા બગાડી છે તો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોએ કમાવી લેવાની સીઝન અને વેપાર ઉપર તેની માઠી અસરો જોવા મળી રહી છે.
દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ઠેક-ઠેકાણે રેલી, રાજનૈતિક સંબંધનો અને વિવિધ કાર્યક્રમો થનાર છે ત્યારે ચૂંટણી આચારસંહિતાની કડાકુટ અને રોડ ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાને લીધે પ્રવાસીઓનું વેકેશન બગડયું છે. કારણ કે ગુજરાતી પર્યટકો ઉનાળાના વેકેશનમાં ઠંડકવાળા પ્રદેશ જેમ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અથવા કેરલ જવાનું પસંદ કરતા હોય છે ત્યારે હિમાચલ પ્રદેશમાં ૧૯ મે, જમ્મુ-કાશ્મીરમાં છઠ્ઠી અને નોર્થ ઈર્સ્ટન રાજયોમાં એપ્રિલ ૧૧,૧૮ અને ૨૩મીએ ચૂંટણી જંગ યોજાનાર છે.
ચૂંટણીની તારીખો મુજબ સુરક્ષા અને સેન્સેટીવ વિસ્તારોમાં પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવતું હોય છે. જેને લઈ પર્યટકોની ચેકિંગ, દસ્તાવેજોની માંગ તેમજ આચારસંહિતાના નિયમોને કારણે સહેલાણીઓએ પર્યટકની મજા માણવામાં વંચિત રહેવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય છે. જયાં સુધી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે તે પ્રદેશમાં પર્યટન પ્લાનીંગ કરી રહેલા લોકોએ તારીખો કેલેન્ડરમાં મેચ કરવી પડી રહી છે તો ટૂર ઓપરેટરોના ધંધા પણ ભાંગી પડયાની સ્થિતિ સર્જાય છે.