વિપક્ષને જે એક કરવાનું બીડું ઝડપશે તે જ વિપક્ષના પીએમના ઉમેદવાર બને તેવી શકયતા
જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તે જ રીતે પીએમ મોદીની લોકપ્રિયતા પણ વધી રહી છે. હવે એ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ફરી પીએમ મોદી હશે. પરંતુ વિપક્ષના ઉમેદવારને લઈને શંકા યથાવત્ છે. કેટલાક વિપક્ષી નેતાઓએ પ્રાદેશિક સંગઠનોને એકસાથે લાવવા અને પ્રક્રિયામાં સંયુક્ત મોરચાનું નેતૃત્વ કરવા માટે તેમની બિડ વધારી છે. વિપક્ષમાં એવા ઘણા મોટા નેતા છે જે 2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ પદ માટે દાવો રજૂ કરી શકે છે.
રાહુલ ગાંધી
સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ મોટી ગણી શકાય. જનતાની વચ્ચે જઈને સરકાર સામે તેમનું આક્રમક સ્વરૂપ તેમને પ્રબળ દાવેદાર બનાવે છે. પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીના પરિણામો અને પોતાના જ પક્ષની કમાન સંભાળવાની મૂંઝવણ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. આ વખતે ફરી તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવી એ મોટા ભાગના વિપક્ષી નેતાઓને અસ્વીકાર્ય હોય તેવી શક્યતા છે.
નીતિશ કુમાર
બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે ભાજપ છોડવું અને નવી સરકાર રચ્યા બાદ વિવિધ નેતાઓને મળવી એ તેમની પીએમ પદની ઈચ્છાનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. જોકે, તેમણે વડાપ્રધાન બનવાની ઈચ્છા જાળવી રાખવાનો ઈન્કાર કરી દીધો છે. પણ અંદરખાને તેઓને ઈચ્છા હોવાનું ઘણી વખત પ્રતીત થયું છે. 40 સાંસદોને લોકસભામાં મોકલનાર રાજ્યમાંથી આવવું એ તેમની સૌથી મોટી તાકાત છે.
મમતા બેનર્જી
બંગાળના સીએમ મમતા બેનર્જી પણ વિપક્ષના ઉમેદવાર બની શકે છે. સ્ટ્રીટ ફાઈટર ઈમેજ અને નિર્ભયતા તેની સૌથી મોટી તાકાત છે. પરંતુ તેના ગૃહ રાજ્યની બહાર ચાહકોની ઓછી સંખ્યા તેના માટે જોખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વિપક્ષને એક કરવા તેઓએ અનેક પ્રયાસો કર્યા હતા. તેઓએ રીતસરની ઝુંબેશ શરૂ કરી હતી.
અરવિંદ કેજરીવાલ
જો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો દિલ્હી બાદ પંજાબમાં તેમના પ્રદર્શનને કારણે તેમની લોકપ્રિયતા વધી છે. ઘણા લોકો તેના દિલ્હી મોડલના ચાહક છે અને તેઓ ઇચ્છે છે કે તે આ જ રીતે ઇન્ડિયા મોડલ પર કામ કરે, પરંતુ વિધાનસભામાં તેના શાનદાર પ્રદર્શન બાદ હવે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી કેવું પ્રદર્શન કરે છે. તે જોવું રહ્યું.
તેલંગણાના સીએમ ચંદ્રશેખરની ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના માટે ભાજપ સહિત અનેક વિરોધ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપરાંત આ વખતે દક્ષિણના દિગ્ગજ નેતા ચંદ્રશેખર રાવ એટલે કે કેસીઆર પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. કેસીઆરે પણ આ અંગે સંકેત આપ્યો છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ ચંદ્રશેખર રાવ એક નવી પાર્ટી શરૂ કરીને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છે,
જોકે આ વિચારને હજી અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. એવી અટકળો છે કે ઓક્ટોબરમાં દશેરાના તહેવાર નિમિત્તે આ યોજનાની જાહેરાત થઈ શકે છે. કેસીઆરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. નવી પાર્ટી બનાવીને ગુજરાત સહિત દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાનું વિચારી રહી છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને આ માટે તૈયાર રહેવાના નિર્દેશ પણ આપ્યા છે. તેમણે પાર્ટીના નેતાઓને કહ્યું કે, આવા નેતાઓને ઓળખો અને વિધાનસભા ચૂંટણી તેમજ લોકસભા ચૂંટણી 2024માં તમારા ઉમેદવારો ઉભા કરો. આ રાજ્યોની મદદથી કેસીઆર રાષ્ટ્રીય રાજકારણમાં આવવાની તૈયારી કરી રહ્યા છે.