Abtak Media Google News
  • જામનગર અને ભૂચરમોરીનો લોકમેળો શરૂ : રાજકોટનો લોકમેળો તંત્રએ રદ કર્યો પણ લોકો અને વેપારીઓએ સ્વયંભૂ મેળો યોજી નાખ્યો, તરણેતરનો મેળો રદ કરવાનો નિર્ણય પરત લેવાયો
  • સૌરાષ્ટ્રમાં વરસાદનું વિઘ્ન હટ્યા બાદ લોકમેળાઓ ફરી શરૂ થઈ ગયા છે. જામનગર અને ભૂચરમોરીનો લોકમેળો શરૂ થઈ ગયો છે. રાજકોટનો લોકમેળો તંત્રએ રદ કર્યો પણ લોકો અને વેપારીઓએ સ્વયંભૂ મેળો યોજી નાખ્યો છે. બીજી તરફ  તરણેતરનો મેળો રદ કરવાનો નિર્ણય પાછો લેવાયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ થઈ ગયો છે, અને મશીન મનોરંજન ની રાઈડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને મેળા નું મનોરંજન મળતું થયું છે. જોકે ખાણી પીણી ના સ્ટોલ, આઈસ્ક્રીમ બુથ અને રમકડા સ્ટોલ વગેરેના સંચાલકોએ મેળા રદ કરીને પોતાની ડિપોઝિટ પરત માગી છે. જામનગરના પ્રદર્શન મેદાનમાં 20 ઓગસ્ટ થી શ્રાવણી મેળાનો જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ કરાયો હતો, પરંતુ સાતમના દિવસથી જ વરસાદ શરૂ થઈ જતાં મેળો બંધ કરાવી દેવાયો હતો. પરંતુ ગઈકાલથી મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ રાખી લેતાં આજથી મેળા નો પુન: પ્રારંભ કરાયો છે, અને મશીન મનોરંજન ની રાઈડ ચાલુ થઈ ગઈ છે, અને લોકો પણ મેળાનો આનંદ માણવા માટે પહોંચી ગયા છે.

એક તબક્કે મેળાનું આયોજન મુલતવી રાખવાનું નક્કી થયું હતું,  અને આઇસ્ક્રીમના સ્ટોલ, રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ વગેરેના ધંધાર્થીઓએ પોતાનું આયોજન રદ કરીને ડિપોઝિટ ની રકમ પરત માગી હતી. જેઓ સાથે આજે ફરીથી વાટાઘાટો કરવામાં આવી હતી, અને તેઓ ફરીથી પોતાના સ્ટોલ ચાલુ કરવા માટે સહમત ન હોવાથી તેઓનું આયોજન રદ કરીને મહાનગરપાલિકા દ્વારા રકમ પરત અપાશે. જ્યારે મશીન મનોરંજનની રાઈડ પૂરતો મેળો ચાલુ રાખવામાં આવ્યો છે.

જે ની મદદ ત્રણ સપ્ટેમ્બર સુધીની હતી, પરંતુ મુખ્ય તહેવારના દિવસોમાં મેળો બંધ રહ્યો હોવાથી તેઓની મુદ્દતમાં વધારો કરી દેવાયો છે, અને 11 સપ્ટેમ્બર અથવા 15 સપ્ટેમ્બર સુધી મેળાની મુદ્દત લંબાવી દેવામાં આવે તેવી પ્રક્રિયાઓ ચાલી રહી છે. ત્યારે રંગમતી નદીના મેળાનું આયોજન સંપૂર્ણ પણે રદ કરી નાખવામાં આવ્યું છે.બીજી તરફ ધ્રોલના ઐતિહાસિક ભુચરમોરી મેદાનમાં પણ દર વર્ષે આયોજિત મેળાનો પ્રારંભ થઇ ગયો છે. આ મેળાનું આયોજન પણ અગાઉ રદ કરી દેવામાં આવ્યુ હતું. પણ નેતાઓની મધ્યસ્થીના કારણે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

રાજકોટના રેસકોર્ષમાં પાથરણાવાળાઓએ મેળો જમાવ્યો, રમકડાના વેપારીઓએ સેલ શરૂ કર્યા

રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી “ધરોહર” લોકમેળો ધમધમી રહ્યો છે.  રંગીલા રાજકોટ વાસીઓ ગમે તે રીતે મેળો માણવા માંગે છે ભલે ચકડોળ કે ફજત ફાળકા કે પછી આઈસ્ક્રીમના સ્ટોલ ન હોય, છતાં મેળો ધમધમી રહ્યો છે. વરસાદના કારણે કાયદેસર મેળો ન યોજાયો પણ રાજકોટવાસીઓએ  ગમે તે થાય મેળો માણવો છે તે સાબિત કરી દીધું.  ખાણી – પીણી તેમજ રમકડાના વેપાર કરતાં ફેરિયાઓ તેમજ પાથરણા વાળાઓને રાજકોટની પ્રજાએ ખૂબ સાથ સહકાર આપી ભરપૂર ખરીદી કરી છે.  તો બીજી તરફ રમકડાના હોલસેલ ના વેપારીઓએ અલગ અલગ સ્થળે હોલમાં સેલ રાખી વેપાર શરૂ કરતા સસ્તા ભાવે રમકડા ખરીદવા લોકોની ભીડ જામી છે.

  • સાંસદ, ધારાસભ્યો, એસ.પી. સહિતના અધિકારીઓએ બેઠક યોજી સર્વસમંતિથી મેળો યોજવાનું નક્કી કર્યું
  • વિશ્ર્વ પ્રસિધ્ધ તરણેતરના મેળાનો શુક્રવારથી પ્રારંભ 6 થી 8 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે વર્ષોથી વિશ્વ પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે વરસાદની પરીસ્થિતિના કારણે મેળો મોકુફ રાખવાની તરણેતર ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમત્તે રાબેતા મુજબ તરણેતરનો મેળો શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં પડેલ વરસાદને ધ્યાને લઈ તેમજ આગામી દિવસોમાં હવામાન વિભાગની જીલ્લામાં વરસાદની આગાહી અને સરકારની નવી મેળાની એસઓપી સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી નિયમો અને સુવિધા સાથે રાબેતા મુજબ તરણેતરનો મેળો શરૂ રાખવાનો નીર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તા.6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે અને આ મેળાને પ્રથમ દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવની પુજા-અર્ચના કરી રાજકીય આગેવાનો દ્વારા લોકો માટે ખુલ્લો મુકાશે. ચાર દિવસ ચાલનાર આ મેળામાં દેશ-વિદેશથી લોકો મેળાની મોજ માણવા મોટીસંખ્યામાં ઉમટી પડશે. આમ તરણેતરનો મેળો ચાલુ વર્ષે રદ કરવાની રજુઆત અને અટકળો બાદ તંત્ર દ્વારા રાબેતા યોજવાનો નિર્ણય લેવામાં આવતાં મેળારસીકો, આયોજકો, રાઈડસધારકો સહિત છુટક ધંધાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.