- ગત વર્ષે 342 જેટલા સ્ટોલ- પ્લોટ હતા, આ વખતે માત્ર 165 સ્ટોલ-પ્લોટ: રમકડાંમાં સૌથી વધુ 98 સ્ટોલ ઘટાડી દેવાયા
- સુરક્ષાને ધ્યાને લઈને અડધો અડધ સ્ટોલ ઉપર કાપ મૂકી દેવાયો
- જી 2 યાંત્રિકના અગાઉ15 પ્લોટ અને વાય કેટેગરીના 3 ફૂડ કોર્ટની આ વખતે બાદબાકી: મેળામાં ચાનો મોકાનો સ્ટોલ લેવા માટે કોઈ વેપારી તૈયાર નહિ
- સૌરાષ્ટ્ર સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળામાં સુરક્ષાને ધ્યાને રાખી અડધો અડધ સ્ટોલ ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો છે. ગત વર્ષે 342 જેટલા સ્ટોલ- પ્લોટ હતા. તો આ વખતે માત્ર 165 સ્ટોલ-પ્લોટ છે. રમકડાંમાં સૌથી વધુ 98 સ્ટોલ ઘટાડી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મેળામાં ચાનો મોકાનો સ્ટોલ લેવા માટે કોઈ વેપારી તૈયાર નથી.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તા.24 થી તા.28 ઓગસ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ વખતે આ લોકમેળામાં 342 ઉપરાંત 13 સંસ્થાના એટલે કુલ 355 સ્ટોલ- પ્લોટ હતા. પણ આ વખતે સ્ટોલ પ્લોટની સંખ્યા ઘટાડીને માત્ર 165 કરી દેવામાં આવી છે. વિસ્તૃત વિગતો જોઈએ તો રમકડાં બી કેટેગરીના સ્ટોલ 178 હતા, આ વખતે 80 સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. સી ખાણી પીણી નાનીના અગાઉ 14 સ્ટોલ હતા. આ વખતે 6 સ્ટોલ થઈ ગયા છે. જે મધ્યમ ચકરડીના ગઈ વખતે 4 પ્લોટ હતા. આ વખતે 3 થઈ ગયા છે. કે ચકરડી મધ્યમના ગઈ વખતે 10 પ્લોટ હતા. આ વખતે 15 થઈ ગયા છે, એમા વધારો થયો છે. કે ચકરડી નાનીના ગઈ વખતે 20 સ્ટોલ હતા. આ વખતે 12 થઈ ગયા છે. એ ખાણીપીણીના ગઈ વખતે 2 સ્ટોલ હતા. આ વખતે 3 થઈ ગયા છે. બી ખાણીપીણીના ગઈ વખતે 32 પ્લોટ હતા. આ વખતે 24 થઈ ગયા છે. ઇ યાંત્રિકના ગઈ વખતે 6 પ્લોટ હતા. આ વખતે 2 થઈ ગયા છે. એફ યાંત્રિકના ગઈ વખતે 4 પ્લોટ હતા. આ વખતે 2 થઈ ગયા છે. જી યાંત્રિકના ગઈ વખતે 10 સ્ટોલ હતા. આ વખતે 15 થઈ ગયા છે. જી 2 યાંત્રિકના અગાઉ 15 પ્લોટ હતા. આ આખી કેટેગરી કાઢી નાખવામાં આવી છે.
એચ યાંત્રિકના ગઈ વખતે 9 પ્લોટ હતા. આ વખતે 6 થઈ ગયા છે. એક્સ આઈસ્ક્રીમ ચોકઠા ગઈ વખતે 16 હતા. આ વખતે 11 થયા, એમા વધારો થયો છે. વાય કેટેગરીના 3 ફૂડ કોર્ટ હતા. તેની આખી કેટેગરી કાઢી નાખવામાં આવી છે.ઝેડ ટી કોર્નર ગઈ વખતે 1 હતી આ વખતે પણ 1 છે. પણ તેના માટે તંત્રને એક પણ ફોર્મ મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે આ વખતે બી રમકડાંના 80 સ્ટોલ સામે 227 ફોર્મ મળ્યા છે. એવી રીતે સી ખાણીપિણીના 6 સ્ટોલ માટે 18 ફોર્મ, જે મધ્યમ ચકરડીના 3 સ્ટોલ સામે 43 ફોર્મ, કે નાની ચકરડીના 12 સ્ટોલ માટે 57 સ્ટોલ, એ ખાણીપીણી 3 સ્ટોલ માટે 3 ફોર્મ, બી કોર્નરની ખાણીપીણીના 24 સ્ટોલ માટે 38 ફોર્મ, ઇ યાંત્રિક આઈટમના 2 સ્ટોલ માટે 15 ફોર્મ, એફ યાંત્રિક આઇટમના 2 સ્ટોલ માટે 7 ફોર્મ, જી યાંત્રિકના 15 પ્લોટ માટે 44 ફોર્મ, એચ.યાંત્રિકના 6 પ્લોટ માટે 26 ફોર્મ, એક્સ ચોકઠાના 11 પ્લોટ માટે 8 ફોર્મ મળી 486 ફોર્મ મળ્યા છે.
રાઈડ માટે ભીડ વધવાના એંધાણ
રાઈડ સંચાલકોના જણાવ્યા અનુસાર દર વર્ષે મેળાના પાંચથી છ દિવસ દરમિયાન અંદાજે 15 લાખ જેટલા લોકો લાભ લ્યે છે. લોકમેળાનું આકર્ષણ જ મનોરંજન રાઈડ છે. જે દર વર્ષે નાની મોટી કુલ 80 થી 100 જેટલી રાઈડ્સ રાખવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે અગાઉના વર્ષ કરતા 40 થી 50 ટકા મનોરંજન રાઈડ્સ ઘટાડાથી રાઈડ્સનો લાભ લેવા લોકોની ભીડ વધશે તો તેને કંટ્રોલ કેવી રીતે કરવામાં આવશે ? તેવો પ્રશ્ન રાઈડ સંચાલકોએ ઉઠાવ્યો છે.
કડક નિયમોનું પાલન કરવું અશક્ય જેવું: રાઈડ સંચાલકો
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન હેઠળના રાઈડ સંચાલકોએ જણાવ્યું છે કે આ ટેમ્પરરી મેળામાં યાંત્રિક રાઇડ્સ ચકાસણી સમિતિ દ્વારા કાયમી પાર્ક ના નિયમોની અમલવારી ફરજિયાત કરાવવામાં આવે છે જેમ કે રાઇડનું ફાઉન્ડેશન ફરજિયાત કરવું. એક રાઈડ ફાઉન્ડેશનનો ખર્ચ મકાનની છત ભરાઈ તેટલો થઈ જાય છે જે આર્થિક રીતે પરવડે નહીં. ઉપરાંત ગ્રાઉન્ડ માલિક પણ ગ્રાઉન્ડમાં ફાઉન્ડેશન કરવાની મંજૂરી આપે નહીં. રાઇટ્સનું બિલ અને તેના સ્ટોર પાર્ટ્સનું બિલ તેમજ સ્ટ્રક્ચર આર્કિટેક્ટ કે ચાર્ટર એન્જિનિયરનું પ્રમાણપત્ર વગેરે બાબત શક્ય છે. તો આ નિયમો રદ કરવામાં આવે તેવી માંગ છે.
પ્લોટનો કબજો વહેલાસર આપવાની માંગ
રાઈડ સંચાલકોએ જણાવ્યું હતું કે મનોરંજન રાઈડ્સ ગોઠવવામાં પ્લોટનો કબજો વહેલી તકે સોંપાઈ તો મોટી રાઈડ વ્યવસ્થિત ગોઠવી શકાય. તો પ્લોટની ફાળવણી વહેલી તકે કરવામાં આવે. પ્લોટના ભાડામાં વધારાની સાથે રાઈડ્સની ટિકિટના દરમાં રૂ.50થી 70નો વધારો કરવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત રાઈડ્સ ગોઠવાયા બાદ તેની વહેલી તકે ફિટનેસ સર્ટી મળે તેવી વ્યવસ્થા કરવા તેમજ ભાગીદારોએ એક સાથે બે પ્લોટ લીધા હોય તો આ બે પ્લોટ વચ્ચે આરામથી ત્રણ રાઈડ્સ સમાઈ શકે તેમ હોય એટલે તેને મંજૂરી આપવામાં આવે તેવી માંગ છે.
ટ્રાફિક અને પાર્કીંગની વ્યવસ્થા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે
સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે. મેળાની કાયદો વ્યવસ્થા, સુરક્ષા, સીસીટીવી, સિક્યુરિટી તથા જાહેરાતોના બેનર્સ, ડ્રો તથા હરરાજી, ઈલેક્ટ્રીક લાઈટ તથા સાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં, સ્ટેજ બાંધકામ, મેળામાં સફાઈ, ભાવ પત્રક નિયમન સમિતિ, પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, કર સમિતિ તથા દબાણ સમિતિના કામોની સમીક્ષા કરાઈ હતી. ઉપરાંત યાંત્રિક રાઈડની ચકાસણી માટે પણ સમિતિની રચના કરાઈ છે.
રાત્રે 11:30 વાગ્યે એન્ટ્રી બંધ ફાઈટર- સિક્યુરિટી સ્ટાફ બમણો કરાયો
કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને સાડા સાત કરોડની કરાઇ છે. ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. રોજના 100 સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખરાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.