ઓળી જોળી પીપળ પાન…. શહેરીજનોએ પાડ્યું ‘રસરંગ’ નામ
15 કેટેગરીના 355 પ્લોટ અને સ્ટોલ માટે 3થી 14 જુલાઈ સુધી ચાલશે ફોર્મ ભરવાની પ્રક્રિયા: 24થી 28 જુલાઈ ડ્રો અને હરરાજી ચાલશે: મેળાનો નકશો અને ભાવપત્રક જાહેર
રાજકોટના લોકમેળાનું નામ આજે રસરંગ જાહેર કરવામાં આવ્યું છે. લોકમેળામાં રાઈડના ટીકીટ દરમાં રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે.પ્લોટના ભાડા પણ 12 ટકા જેટલા વધ્યા છે. બીજી તરફ 15 કેટેગરીના 355 પ્લોટ અને સ્ટોલ માટે 3થી 14 જુલાઈ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. 24થી 28 જુલાઈ ડ્રો અને હરરાજી ચાલશે.
સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 5 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આજે લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળાનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે ભાવ પત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં સ્ટોલ-પ્લોટના ભાડામાં અંદાજે 12 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે ટિકિટના દર રૂ. 20ના 30 અને 30ના રૂ. 40 કરવામાં આવ્યા છે. આમ બન્ને પ્રકારની ટિકિટમાં રૂ. 10નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.
તા. 24 જુલાઈના રોજ રમકડાં(બી)ના 178 સ્ટોલ, ખાણીપીણી(સી)ના 14 સ્ટોલ તેમજ મધ્યમ ચકરડી(જે)ના 4 પ્લોટ, નાની ચકરડી (કે1 તથા કે2)ના 48 પ્લોટની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવશે. જ્યારે 25 જુલાઈના રોજ ખાણીપીણી મોટી (એ)ના 5 પ્લોટ, ખાણીપીણી કોર્નર ( બી1)ના 32 પ્લોટ માટે હરાજી યોજાશે. તા.26 જુલાઈના રોજ યાંત્રિક (ઇ)ના 6 પ્લોટ, યાંત્રિક (એફ)ના 4 પ્લોટ, યાંત્રિક (જી1)ના 15 પ્લોટ, યાંત્રિક (જી2)ના 10 પ્લોટ અને યાંત્રિક (એચ)ના 9 પ્લોટ માટે હરાજી થશે. તા. 27 જુલાઈના રોજ આઈસ્ક્રીમ (એક્સ)ના 16 પ્લોટ માટે હરાજી થશે. તા.28 જુલાઈના રોજ ફૂડ કોર્ટ (વાય)ના 3 પ્લોટ અને ટી કોર્નર (ઝેડ)ના 1 પ્લોટ માટે હરાજી થશે.
સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાજકોટમાં યોજાતા લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે સારા વરસાદથી ખેડૂતો સહિત તમામ લોકોમાં ધંધા-રોજગાર ધમધમવાની આશા જાગી છે. જેને પગલે રાજકોટના મેળાને મહાલવા આ વર્ષે પાંચ દિવસ દરમિયાન 10-12 લાખ લોકો ઉમટી પડશે તેવો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનો આ સરકારી લોકમેળો એ જગવિખ્યાત છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક આ લોકમેળામાં જોવા મળે છે. આ લોકમેળાની તૈયારી વહીવટી તંત્ર દ્વારા 3 માસ પૂર્વે જ શરૂ કરી દેવામાં આવે છે.