સિઝનના કારણે અરજદારો ન આવતા સમય શક્તિનો થતો વ્યય

રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદર અને કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા તથા દરેક કાર્યમાં રસ લઇ ત્વરિત કાર્ય કરતી કારોબારીની કાર્યદક્ષતાથી રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સપ્તાહના દર સોમવારે લોક દરબાર યોજી પ્રજાના પ્રશ્નો ઝડપથી ઉકેલી શકાય અને અરજદારો પણ નિયત સમયે અને સ્થળે પદાધિકારીઓને પોતાની રજૂઆતો કરી શકે એવા શુભાશયથી જિલ્લા પંચાયત ભવન ખાતે લોક દરબાર છેલ્લા એકાદ માસથી યોજાય રહ્યો છે.

આ યોજાયેલા પાંચેક લોક દરબારમાં સરેરાશ પાંચ જેટલા પ્રશ્નો રજૂ થયેલાં હતાં. રાજકોટ જિલ્લા પંચાયતમાં લોકો – અરજદારોની પાંખી હાજરીને કારણે ફરી ધમધમાટ શરુ થાય તેવા હેતુથી દર સોમવારે લોક દરબાર યોજવાનો ભાજપ શાસકોએ નિર્ણય કર્યો હતો પરંતુ જિલ્લા સ્તરે કચેરીમાં લોક દરબાર યોજવાનો આ પ્રયોગ નિષ્ફળ રહયો છે. ચાર – પાંચ અરજદારો માંડ આવતા હોવાથી અંતે હવે શાસકોએ આગામી દિવસોમાં લોક દરબાર બંધ કરવાની વિચારણા કરી રહયા છે.

જો કે, આ અંગેનો નિર્ણય પ્રમુખ, કારોબારી સભ્યો સહિતનાં પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરને પૂછતાં તેમણે અબતકને જણાવ્યું હતું કે, આવતાં સોમવારે હજુ આ લોક દરબાર ચાલું રાખશું અને એ પછી કારોબારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી આ લોક દરબાર ચોમાસાની સિઝન પૂરતો મોકૂફ રાખવા ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાશે.

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરનેન સહદેવસિંહ જાડેજાને આ બાબતે પૂછતાં તેમણે અબતકને જણાવ્યું હતું કે પ્રમુખ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે. જિલ્લા પંચાયત ભવન ખાતે દર સોમવારે યોજાતાં આ લોક દરબારમાં જેટલા પદાધિકારીઓ હાજર હોય છે તેટલા અરજદારો પણ આવતા નથી. જોકે, તાલુકા સ્તરે લોક દરબાર યોજવાનો પ્રયોગ સફળ રહયો હતો. જસદણમાં પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો તેમાં 100 જેટલા પ્રશ્નો

રજૂ થયાં હતા. જિલ્લા સ્તરે લોક દરબારમાં ખૂદ પદાધિકારીઓને પણ રસ રહયો ન હોવાનું જોવા મળ્યુ હતું. કેટલાક પદાધિકારીઓ ચાલુ લોક દરબારે પોતાની ઓફિસમાં જતા રહેતા હોય છે. દરમિયાન કેટલાક પદાધિકારીઓએ એવા સંકેત આપ્યા હતા કે, પ્રમુખ સહિતનાં હોદેદારો સાથે ચર્ચા કરીને હાલ વરસાદની સિઝન હોય ગામડાનાં લોકો ખેતીમાં વ્યસ્ત થયા છે ત્યારે લોક દરબાર બે – ત્રણ મહિના બંધ રાખવા અંગે ફાઈનલ નિર્ણય કરવામાં આવશે . જો કે, એવી પણ ચર્ચા છે કે, પદાધિકારીઓ કોઈને કોઈ કારણ શોધી આ લોક દરબાર બંધ કરવાની રાહમાં હતા દરમિયાન વરસાદનાં કારણને લઈને લોક દરબાર હાલ મોકૂફ રાખી શકે તેવો સર્વ સંમતિથી લઈ શકે છે.

રાજકોટ જિલ્લાની શાળાઓનાં 85 જર્જરીત ઓરડા તોડી પડાશે, જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય

રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મળેલી બેઠકમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જિલ્લાની શાળાઓમાં 85 ઓરડાઓ જર્જરીત હાલતમાં હોય તેને તોડી પાડવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. શાળાઓમાં નવા ઓરડાઓ બનાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પ્રતિભા શોધ અભિયાનમાં ભાગ લેનાર તમામ 2032 બાળકોને પ્રોત્સાહક ઈનામ અપાશે શિક્ષણ સમિતિનાં ચેરમેન ગીતાબેન ટીલારાનાં અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જુદી જુદી દરખાસ્તો પર સભ્યોએ ચર્ચા વિચારણા કરી હતી. પ્રતિભા શોધ અભિયાનમાં પ્રાથમિક શાળાનાં 2032 બાળકો પૈકી પ્રથમ, બીજા અને તૃતીય સ્થાને આવેલા બાળકોને અનુક્રમે રુ. 3000, 2000 અને 1000 નું ઈનામ આપવામાં આવશે અને બાકીનાં સ્પર્ધકોને પ્રોત્સાહન રૂ પ450 લેખે આપવા નિર્ણય કરાયો હતો. ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ક્ધયાઓની સંખ્યા વધુ હોય સેનેટરી નેપકીન અને વેન્ડીંગ મશીન મુકાશે. ઈન્ચાર્જ પ્રા.શિક્ષણ અધિકારી અને સભ્યો આ બેઠકમાં હાજર રહયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.