8 હજાર કેસ પૈકી પ0 ટકા કેસ સમાધાનથી નિકાલ: સમાધાનથી કેસ ફેસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળ ભર્યા સંબંધો જળવાય રહે: જજ રાઠોડ
અબતક, રાજકોટ
રાજકોટ શહેર જિલ્લાની તમામ અદાલતોમાં આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં 8 હજાર જેટલા કેસો હાથ ઉપર લેવામાં આવ્યા છે. જેમાં બપોર સુધીમાં 50 ટકા જેટલા કેસોમાં સમાધાન થકી નિકાલ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં આજે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનું ઉદ્ઘાટન ફરજ બજાવતા તમામ ડ્રાઇવર ભાઈઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ, જુદી જુદી વિમા કંપનીના ઓફીસરો, વકીલો, પી.જી.વી.સી.એલ.ના અને વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજકોટના જ્યુડીશ્યલ મેજરટ્રેટ ફર્સ્ટ કલાસ (મ્યુનીસીપલ) એન. આર. વાઘવાણી અને રાજકોટના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ (મેઈન) એમ. એસ. અમલાણીએ લોક અદાલતથી પક્ષકારોને થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપી હતી. આ પ્રસંગે રાજકોટના બીજા એડીશ્ડલ સિવિલ જજ સી. કે. રાઠોડ અને રેલ્વે કોર્ટના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એચ. જે. પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ચેક રિટર્ન, વીજ પાણી બીલ, અકસ્માત, રેવન્યુ અને દિવાની પ્રકારના સમાધાન લાયક કેસો હાથ લેવામાં આવ્યા.