ત્રણ કચેરી વચ્ચે સંકલનના અભાવે લોન ધારકોની સેન્ડવીચ
લોધીકા ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી એસ.બી. આઇ. બેંક તથા રાજકોટ જીલ્લા પંચાયત કચેરી વચ્ચે સંકલનના અભાવે વર્ષો પહેલા લોન ભરપાઇ કરી દેનાર અનેક લોકોને બાકી લેણાની નોટીસો ફટકારાતા લોન ધારકોમાં રોષની લાગણી સાથે ફફડાટ વ્યાપી ગયેલ છે.
આ અંગે ચાંદલીના જાગૃત નાગરીક દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, વિનુભાઇ ધેટીયા, પ્રેમજીભાઇ કમાણી, સબળસિંહ જાડેજા, દિલીપભાઇ ધીયાળે રજુઆતમાં જણાવ્યા મુજબ આજથી આશરે ર૦ થી રપ વર્ષ પહેલા લોધીકાની તાલુકા પંચાયત કચેરીએથી ધંધાની લોન માટેના ફોર્મ વિતરણ થયેલ સબસીડી વાળી લોનનો ધંધા માટે લાભ લેવા અનેક લાભાર્થીઓએ તે વખતની સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર બેંકની લોધીકા શાખામાંથી લોન મેળવેલ જેમાંથી અનેક લાભાર્થી ઓએ નિયમિત હપ્તા ભરી પોતાની લોન ચૂકતે કરી દીધેલ આમ છતાં આટલા વર્ષો બાદ તાજેતરમાં તાલુકા પંચાયત કચેરી લોધીકા મારફત આવા લાભાર્થીઓને નોટીસો ફાટકારવામાં આવેલ છે તેમાં જણાવાયું છે કે તમારી લોન બાકી નીકળે છે જે સત્વેર ચુકતે કરવી અન્યથા મીલ્કત ટાચમાં લેવા સહીતનીકાર્યવાહી કરવામાં આવશે. જેથી લોન ભરપાઇ કરી દેનાર લાભાર્થીમાં રોષની લાગણી ફેલાયેલ છે. આ અનુસંધાને લોન બાબતની માહીતી લેવા લોકો બેંકમાં જાય છે તો અહિં કોઇ રેકર્ડ ઉપલબ્ધ નથી જે તે વખતે કાર્યરત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનો બધો રેકર્ડ રાજકોટ કચેરીએ હોય તેમ કહી લાભાર્થીઓને સંતોષકારક જવાબ મળતો નથી. અને તાલુકા પંચાયત કચેરીએ જવા કહી દેવામાં આવે છે. તાલુકા પંચાયત કચેરી દ્વારા એવું જણાવવામાં આવે છે કે લોન ધારકોનું લીસ્ટ રાજકોટ જીલ્લા પંચાયત કચેરીએથી આવેલ તેના આધારે દરેકને નોટીસો પાઠવવામાં આવેલ છે. આમ પુરતી ખરાઇ કર્યા વગર બેંકમાંથી માહીતી મેળવ્યા વગર જેમણે અગાઉ લોન ભરપાઇ કરી દીધેલ છુે તેવા અનેક લોકોને પણ નોટીસો મળતા ફફડાટ સાથે રોષની લાગણી ફેલાયેલ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જેવી રોષ્ટ્રીય કૃત બેંકની લોધીકા શાખામાંથી લોન ધારકોને પુરતી માહીતી મળવી જોઇએ તેના બદલે સંતોષકારક કામગીરી ન થતાં લોન ધારકોમાં રોષની લાગણી વ્યાપેલ છે. ત્યારે લોન ભરપાઇ કરનાર તમામ આસામીઓને બેંક દ્વારા તુરત નો ડયુ. સર્ટી . આપવામાં આવે તેવી માંગણી છે.